પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-11): નરેન્દ્ર મોદીએ બાપુ મુખ્યમંત્રી થવા માટે તેમણે જે પ્લાન મુકયો હતો, તે અંગે સાંભળ્યું ત્યારે હું અચંબીત થઈ ગયા હતા, શંકરસિંહે નિર્ણય કરી લીધો હતો કે કોઈ પણ કિંમતે સત્તા આવે તો મુખ્યમંત્રી થવાનું જ છે. 1995માં ચૂંટણી અગાઉ ભાજપના પ્રદેશ નેતાઓની બેઠક મળી હતી, જે બેઠકમાં શંકરસિંહ, કેશુભાઈ અને નરેન્દ્ર મોદી સહિત પ્રદેશના સિનિયર નેતાઓ હાજર હતા. આ બેઠકમાં ઉમેદવાર નક્કી કરવાના હતા. ઘણા જુના ચહેરા હતા, પણ સાથે નવા ચહેરા પણ સામેલ થયા હતા. જેમાં વેપારી મહામંડળના દિલીપ પરીખ અને ટેકનોક્રેટ જયનાયારણ વ્યાસ જેવા ચહેરાઓ પણ હતા. 182 ઉમેદવાર નક્કી કરવાની બેઠક ચાલી રહી હતી. દરેક બેઠક ઉપર કોણ સારો દેખાવ કરી શકે તેની ઉપર દરેક પ્રદેશ નેતાઓ પોતાનો મત આપતા હતા અને ત્યાર બાદ સર્વાનુમતે એક નામ પસંદ કરી ઉમેદવારી ઉપર સામુહિક મહોર મારવામાં આવતી હતી.

નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન અને યોજના હતી કે ભાજપ પર તેમનો સંપુર્ણપણે કબજો આવે તે માટે તેમણે શંકરસિંહના ભાજપના પ્રદેશ કાર્યાલયમાં રહેલા કેટલાંક નામોને ઓછા કરવાના હતા. જેમાં એક નામ હતું જનક પુરોહીત, મુળ અમરેલીના ચલાળા ગામનો સીધો સાદો માણસ. તેને તો સંઘના વિચાર સાથે પ્રેમ હતો, શંકરસિંહ  જનક પુરોહીતને કાર્યાલય મંત્રી તરીકે લઈ આવ્યા હતા, પણ મોદી કાયમ પુરોહીત સામે શંકાની દ્રષ્ટીથી જોતા હતા. મોદીને મનમાં શંકા રહેતી હતી કે જનક કાર્યાલયમાં થતી ગતીવિધીની માહિતી બાપુ સુધી પહોંચાડે છે. જેના કારણે મોદી કંઈક એવી સ્થિતિ નિર્માણ કરતા હતા કે જેથી જનકને અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે, નરેન્દ્ર મોદીનો એક સીધા સરળ માણસ ઉપર ત્રાસ વધી રહ્યો હતો. જેના કારણે એક દિવસ જનક પુરોહીતે બે હાથ જોડી ભાજપને કાયમ માટે અલવીદા કરવાનો નિર્ણય કર્યો હતો. હવે આ જગ્યાએ નરેન્દ્ર મોદીને પોતાના વિશ્વાસુ માણસની જરૂર હતી.

જેમાં ધંધુકાના ભરત પંડયાનો પ્રવેશ થયો હતો, ધંધુકા જેવા નાનકડા ગામના ભરત અને જનક વચ્ચે ખાસ્સી સામ્યતા હતી, બંન્ને ઓછું અને ધીમું બોલે, પણ હવે ભરત પંડયા કાર્યાલય મંત્રી થઈ ગયા હતા. કાર્યાલયમાં ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવાની તૈયારી ચાલી રહી હતી, પણ બાપુ બેઠકમાંથી થોડી થોડી વારે ઊભા થઈ બહાર જતા અને કોઈકને ફોન કરતા હતા. બાપુ હવે જે ગેમ પ્લાન રમી રહ્યા હતા, તે ખતરનાક હતો. બાપુને ખબર હતી કે ચૂંટણી બાદ બહુમતી મળ્યા પછી ભાજપ પક્ષના ધારાસભ્યો નક્કી કરશે, કે કોણ મુખ્યમંત્રી થશે, તેના કારણે પહેલા તો તેઓ ઉમેદવાર નક્કી કરવાની બેઠકમાં પોતાના વિશ્વાસુઓને વધારે ટીકીટ મળે તેવા પ્રયાસ કરતા હતા અને ત્યાર બાદ જેમના નામ નક્કી થયા હોય તેમને બહાર આવી ફોન કરી કહેતા કે જુઓ નરેન્દ્ર તમારા નામનો વિરોધ કરી રહ્યો છે, પણ મેં તમારા નામ માટે જ આગ્રહ રાખ્યો છે. હું તમને ટિકિટ અપાવીને જ રહીશ, આમ જેમને ટીકીટ મળી રહી હતી, તેવા લોકોની સહાનુભુતી મેળવી રહ્યા હતા અને ટિકિટ મેળવનાર મોદીને પોતાનો વિરોધી માનવા લાગે તેવું પાક્કુ પ્લાનીંગ થઈ ગયું હતું.

વાત અહીં અટકી નહીં, બાપુ જેમને ટિકિટ મળી તેમને ફોન કરીને પોતે ટિકિટ અપાવી હોવાનો દાવો તો કરતા હતા, પણ સાંજે પોતાના માણસને મોકલી જેમને ટિકિટ મળી છે તે છેવા ઉમેદવારોને ત્યાં પાંચ-દસ લાખ રૂપિયા મોકલી પણ આપતા હતા. આમ બાપુ ઉમેદવાર ઉપર ઉપકારનો ઢગલો કરી દેતા હતા. બાપુ આ પ્રકારની રમત રમી રહ્યા છે, તેની કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીને ખબર સુધ્ધા ન્હોતી. બાપુને ખબર હતી કે નરેન્દ્ર મોદી પોતાના નામનો વિરોધ કરી શકે છે, પણ જો ચૂંટાયેલા બહુમતી ધારાસભ્યો જ તેમના નામની દરખાસ્ત મોકલી આપે તો મોદીનું કઈ ચાલશે નહીં. ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા હતા. બાપુ પાસે તે જમાનાના સૌથી મોટા શ્રોફ એલ ટી શ્રોફનું પીઠબળ હતું. ભાજપના ખજાનચી તરીકે નટુમામા હતા, તેઓ પણ શ્રોફના ખુબ નજીકના હતા, પણ હવે મોદીના વ્યવહારને કારણે નટુમામા, દત્તાજી ચીરંદાસ, નવીનભાઈ સાડીવાળા જેવા જુના માણસો બાપુને પડખે જતા રહ્યા હતા.

અત્યારે નરેન્દ્ર મોદી જેવા તુંડમીજાજી હતા, તેવા ત્યારે પણ હતા. એક દિવસ ચૂંટણીના બ્રીફીંગ માટે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ખાલી ખંજવાણું તો પણ તમારા માટે સમાચાર બની જાય છે. મોદીનું આ વાકય સાંભળી પત્રકારો ખુબ નારાજ થયા અને બધા પ્રદેશ કાર્યાલય છોડી નિકળી ગયા હતા. ચૂંટણીનો સમય હતો, પત્રકારો દ્વારા ભાજપને કવરેજ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવતા ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પત્રકારો ભાજપ કાર્યાલયમાંથી નિકળી ગયા છે. તેવા સમાચાર મળતા સુરશ મહેતા પોતાની ફિયાટ કાર લઈ ગાંધીનગરથી તરત દોડી આવ્યા, તેમણે ભાજપ ઓફિસ બહાર ઊભા રહેલા પત્રકારોને મીત્રતાના ભાવે વિનંતી કરી કે વર્ષો પછી ભાજપની મહેતનનું પરિણામ આવવાનું છે, ત્યારે તમે નારાજ થશો તો અમને નુકશાન જશે. સુરેશ મહેતા ખુદ પણ મોદીના વ્યવહારને કારણે બહુ ખુશ ન્હોતા, પણ તે દિવસે પત્રકારોને પહેલી વખત મોદીના અંહકારી સ્વભાવનો પરિચય મળ્યો હતો. જો કે ત્યારે સુરેશ મહેતાની વિનંતીને માન આપી પત્રકારો પોતાના કામે લાગી ગયા હતા.

બીજી તરફ નરેન્દ્ર મોદીને હજી બાપુનો ઓરીજનલ પ્લાનની ખબર પડી ન્હોતી, પણ બાપુ કઈક ગરબડ કરી રહ્યા છે તેવો તેમને અંદેશો આવી ગયો હતો. તેઓ પણ બાપુના સંભવીત પ્લાનનો અંદાજ લગાવી રહ્યા હતા, છતાં ખરેખર બાપુ શું કરી શકે તેની ખબર પડી ન્હોતી. નરેન્દ્ર મોદીએ બાપુ કઈક કરશે તેવી આશંકા વ્યકત કરી હતી, પણ બાપુ અને મોદીના સંબંધ વિશે જાણતા પ્રદેશ નેતાઓએ મોદીની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં, પણ બાપુ અને મોદી વચ્ચે શતરંજની રમત રમાઈ રહી હતી, કોણ ક્યારે, કયું પ્યાદુ ચાલશે, અને કોણ કેટલા પગલાં માંડશે તેનો અંદાજ લગાવી આગળની રમત નક્કી કરવાની હતી. નરેન્દ્ર મોદીએ નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં બાપુને તેઓ મુખ્યમંત્રી થવા દેશે નહીં, કારણ બાપુ મુખ્યમંત્રી થાય તો મોદીનો સત્તા પર અંકુશ આવે નહીં. મોદી એવા નેતાને મુખ્યપ્રધાન બનાવવા માગતા હતા કે તે પોતાના નિયંત્રણમાં રહે અને મોદીએ પણ એક નવી ચાલ ચાલ્યા.
(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive