હું પ્રશાંત દયાળ: ભાગ-11:  દારૂ કેવી રીતે પી શકાય તેની સાદી સમજ પણ મને ન્હોતી. મે ગ્લાસ મોંઢે માંડ્યો, એક તીવ્ર વાસ મારા ફેંફસા સુધી પહોંચી, મને લાગ્યુ કે આ લોકો કઈ રીતે આવુ પી શકતા હશે? પણ જયેશ ગઢવીએ કહ્યુ તે વાત યાદ આવી કે આવી જ જગ્યાએથી અંડરવર્લ્ડના લોકો અને તેના સમાચાર મળી શકે છે. મેં નાકમાં જઈ રહેલી વ્હિસકીની વાસને શ્વાસ બંધ કરી રોકી એક જ ઝાટકે પહેલો પેગ ગટગટાવી ગયો. મને થયુ હાશ હવે વાંધો નહીં. થોડી મિનિટ તો મને કંઈ થયુ નહીં, એક માણસ સોડા, સીંગચણા અને ચીકન લાવવાનું કામ કરતો હતો, તે મને ત્યારે તો કોઈ સામાન્ય નોકર લાગ્યો હતો, તેને પોલીસ અધિકારીઓ જહાંગીરના નામે સંબોધતા હતો. જો કે ઘણા વર્ષો પછી ખબર પડી કે અમને પાણી, બરફ અને બાઈટીંગ આપનાર જહાંગીર લતીફ ગેંગનો ખાસ માણસ હતો. તેનું કામ લતીફના માણસોને હથિયાર પુરા પાડવાનું હતું પણ ત્યારે જહાંગીર મને સામાન્ય નોકર જ લાગ્યો હતો. મારો પહેલો પેગ પુરો થઈ ગયો હતો. હું પોલીસ અધિકારીઓ અને જયેશની વાત રસપુર્વક સાંભળી રહ્યો હતો. મારી આંખો ધીરે ધીરે ભારે થવા લાગી હતી. ત્યારે જ એક અધિકારીનું ધ્યાન મારા ગ્લાસ ઉપર પડ્યું, તેમણે કહ્યું શુ વાત છે પહેલો પેગ ફાસ્ટ પુરો કર્યો. હું કંઈ સમજુ અને કહુ તે પહેલા તેમણે બોટલ હાથમાં લીધી અને મારો બીજો પેગ ભર્યો. હું ના પણ પાડી શકુ એટલી હિમંત પણ મારા ન્હોતી. હજી સુધી હું નોનવેજને અડ્યો ન્હોતો, દારૂ પહેલી વખત પી રહ્યો હતો. મને ત્યારે કોઈએ સમજાવ્યુ પણ નહીં કે દારૂ ચુસકી મારી ખુબ જ ધીમો પીવો જોઈએ નહીં. પોલીસ અધિકારીઓ કેવી રીતે દારૂ પીવે છે તે તરફ મારૂ ધ્યાન ગયુ પણ ન્હોતુ, મારે દારૂ પીવો ન્હોતો પણ હું દારૂ પીશ તો જ આ પોલીસ અધિકારીઓ સાથે બેસી શકીશ તેવુ માનતો હતો. તેઓ અમદાવાદના તોફાનમાં શુ થયુ, લતીફ ગેંગમાં કેવી બબાલ થઈ, ક્યા આરોપીને કેવી રીતે માર્યો વગેરે વાત કરતા હતા. મારે મન આ રોમાંચની સાથે કોઈ ફિલ્મ જોતો હોય તેવુ લાગી રહ્યુ હતું. મેં મારો બીજો પેગ ભરનાર પોલીસ અધિકારીને કહ્યુ હોત કે આજે હું પહેલી વખત દારૂને અડ્યો છું તો કદાચ તેઓ બીજો પેગ ભરતા નહીં, પણ હું કંઈ બોલી શક્યો નહીં કારણ હું આ પ્રકારના માહોલથી પ્રભાવીત થયો હતો. હોટલની તે રૂમના દ્રશ્યો હતા તેવા મેં હિન્દી ફિલ્મોમાં જ જોયા હતા.

 મેં આસપાસ જોયુ, મારા તરફ કોઈનું ધ્યાન ન્હોતુ, મેં એક ઝાટકે બીજો પેગ પણ ગટગટાવી દીધો. મને થયુ હાશ એક કામ પત્યુ પણ હવે મને સામે બેઠેલા પોલીસ અધિકારીઓની આકૃતિ જ દેખાતી હતી. હું તેમના ચહેરા જોઈ શકતો ન્હોતો. મને તેમનો અવાજ સંભાળતો હતો પણ કોણ બોલે છે તેની પણ ખબર પડતી ન્હોતી. મારૂ માથુ ભારે થવા લાગ્યુ હતું. ક્રમશ: હું હવે આંખ અને કાનને મળતા સંદેશાઓ સમજી શકતો ન્હોતો. મેં મારી આંખ ઉપર હાથ ફેરવ્યો પણ મારી નજર સામેની ઝાંખપ દુર થતી ન્હોતી. પહેલી વખત કોઈ માણસ એક સામટા વ્હિસ્કીના બે પેગ પી જાય તો તેની શુ હાલત થાય તે મને સમજાતી હતી. મને થયુ કે હું જ્યાં બેઠો છું ત્યાં આડો પડીશ જઈશ એટલે હું ઉભો થઈ મોંઢુ ધોવા માટે બાથરૂમમાં ગયો પણ ત્યારે જ મને એકદમ ઉબકો આવ્યો અને ઉલ્ટી થઈ ગઈ. અચાનક બાથરૂમમાં મને ઉલ્ટી થઈ જતા બહાર રૂમમાં બેઠેલા જયેશ અને પોલીસ અધિકારીને અંદાજ આવ્યો કે મારી હાલત શુ થઈ છે. જયેશે સ્પષ્ટતા કરી કે પ્રશાંતે પહેલી વખત જ દારૂ પીધો છે. હું બહાર આવ્યો. પોલીસ અધિકારીઓએ મને આશ્વાસન આપ્યુ કે કંઈ થશે નહીં થોડો આરામ કરો. મને રૂમમાં એક પલંગ ઉપર આડો પડવાની તેમણે વ્યવસ્થા કરી આપી. મને અંદરથી બીક લાગી રહી હતી અને સાથે એક અપરાધભાવ પણ થયો. મને લાગ્યુ કે મેં શુ કામ દારૂ પીધો? મારે આવુ ન્હોતુ કરવુ જોઈએ. શહેરમાં તોફાન ચાલતા હતા અને આવી હાલતમાં મારે સ્કૂટર લઈ નારણપુરા જવાનું હતું. મને ચિંતા થવા લાગી કે હું ઘરે કેવી રીતે જઈશ, ઉલ્ટી થઈ ગઈ તેના કારણે થોડુક સારૂ લાગ્યુ પણ હું મારા શરીર ઉપર નિયંત્રણ રાખી શકુ તેવી સ્થિતિ તો ન્હોતી. હું બેડમાં પડ્યો પડ્યો પોલીસ અધિકારીઓની ચાલી રહેલી અવિરત વાતો સાંભળી રહ્યો હતો. મને બીજી તરફ સુરક્ષાનો અહેસાસ પણ થતો હતો કે હું આટલા બધા પોલીસ અધિકારીઓની વચ્ચે છું, જ્યાં સુધી પત્રકાર થયો ન્હોતો ત્યાં સુધી કોન્સ્ટેબલને પણ સાહેબ કહેતો હતો. હવે તો મારી સામે ખરેખર પોલીસના સાહેબો હતા. હું તેમની સાથે બહુ સહજ રીતે વાત કરી શકતો હતો અને તેઓ પણ મને પ્રશાંતભાઈ કહી વાત કરતા હતા. 

આ પાર્ટી બહુ મોડા સુધી ચાલી હતી, કારણ પોલીસ અધિકારીઓની તો નાઈટ ડ્યુટી હતી. છેલ્લાં કેટલાય દિવસોથી સતત નાઈટ ડ્યુટીમાંથી તેમણે રજા પાડી ચાલુ નોકરીએ પાર્ટી ગોઠવી દીધી હતી. પાર્ટી લગભગ રાતના બે વાગ્યા સુધી ચાલી હશે. બે વાગ્યે બધા પોતાના પોઈન્ટ ઉપર જવા ઉભા થયા, હું પણ ઉઠ્યો પણ હોટલની સીડી ઉતરતી વખતે મારા પગ લથડીયા ખાઈ રહ્યા હતા. જયેશે મારો હાથ પકડી નીચે ઉતાર્યો. હું જેમ તેમ કરી નીચે આવ્યો અને મારા સ્કૂટર સુધી પહોંચ્યો, મારી સ્થિતિ જોઈ એક પોલીસ અધિકારી સમજી ગયા કે આવી સ્થિતિમાં મારુ સ્કૂટર ચલાવવુ હિતાવહ નથી. તેમણે મને પુછ્ય કે ક્યા રહો છો? મેં કહ્યુ નારણપુરા. તેમણે કહ્યુ જયેશભાઈ તમે પ્રશાંતભાઈનું સ્કૂટર લઈ જાવ, હું તેમને ઘરે છોડી દઈશ, તે જમાનામાં પોલીસ અધિકારીઓને બુલેટ મોટરસાયકલનો શોખ હતો. આ પોલીસ અધિકારી પાસે પણ બુલેટ હતું. તેમણે બુલેટ સ્ટાર્ટ કર્યુ. સુઈ ગયેલા અમદાવાદના કર્ફ્યુગ્રસ્ત શહેરને બુલેટનો અવાજ જગાડી રહ્યો હોય તેવુ લાગ્યુ. હું તેમની પાછળ બેઠો, તેમણે મારા બંન્ને હાથ પકડી તેમની કમર પાસે લાવી કહ્યું મને પકડી બેસો, જેમ નાનુ બાળક પોતાના પપ્પાની પાછળ બેસે ત્યારે બે હાથે પપ્પાની કમર પકડી બેસે તેમ તેમણે મને બેસાડ્યો. કદાચ પોલીસ અધિકારીનો ડર સાચો હતો કે હું મારી સ્થિતિને કારણે ચાલુ બુલેટમાં પાછળથી પડી જઈશ. મે પહેલી વખત દારૂ પીધો અને મને યુનિફોર્મ પહેરેલ પોલીસ અધિકારી પોતાની મોટરસાયકલ ઉપર ઘરે મુકવા આવ્યો હતો તે દ્રશ્ય આજે પણ મારી આંખ સામેથી જતુ નથી. હું ઘરે પહોંચ્યો પણ મારી અંદર પાપ-પુણ્યની ગરબડ ચાલી રહી હતી. મે મારા મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, હું ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવ્યો ન્હોતો પણ હવે મારી સફર એક જુદી જ દિશામાં જવાની હતી જેની મને પણ ખબર ન્હોતી. મારા ગુરૂ સમાન મારા મિત્ર ચારૂદત્ત જ્યાં સુધી ભારતમાં રહ્યા ત્યાં સુધી તેમણે મને દારૂને અડવાની ના પાડી હતી પણ તેમની ગેરહાજરીમાં મેં દારૂ પીધો હતો, મને તેમની યાદ આવી ગઈ.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'   

હું પ્રશાંત દયાળ ભાગ-6:  તે દિવસે અમારી ઓફિસમાં આવેલા એ ક્રાઇમ રિપોર્ટરને જોઈ હું ખૂબ ડરી ગયો હતો

હું પ્રશાંત દયાળ ભાગ-7: એક પત્રકારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી પર ગુસ્સે થઇ કહ્યું ‘આ પ્રકારનો અંહકાર સારો નહીં’

હું પ્રશાંત દયાળ ભાગ-8: હું કોલેજમાં ભણતો ત્યારે રાત્રે રિક્ષા ચલાવતો, પત્રકાર બન્યો છતાં રાત્રે હોમગાર્ડની નોકરી કરવી પડતી

હું પ્રશાંત દયાળ ભાગ-9: હું અમદાવાદમાં પહેલીવાર રથયાત્રાનું કવરેજ કરવા ગયો, ત્યાં લતીફના ગુંડાઓએ રથયાત્રા પર હુમલો કર્યો

હું પ્રશાંત દયાળ ભાગ-10: ‘એ દિવસે મેં જીવનમાં પહેલીવાર દારુ પીધો અને તે પણ અમદાવાદમાં પોલીસ અધિકારીઓ સાથે’