પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-10): શંકરસિંહ બાપુનો ગેમ પ્લાન ઉંધો પાડી મહામંત્રી પદે ફરી પાછા આવેલા નરેન્દ્ર મોદી વધુ શક્તિશાળી થઈ ગયા હતા, ગુજરાત ભાજપના મોદી અને બાપુ જ એક બીજાને ટક્કર આપી શકે તેવા નેતા હતા. જો કે મોદીને સમજાઈ ગયું હતું કે, બાપુની તાકાત ઓછી કરવા માટે બાપુ ઉપર સીધો હુમલો કરવાને બદલે બાપુની સેના ઓછી કરવી જરૂરી હતી. બાપુને ખબર પડી કે ગઈ કે ભવિષ્યમાં મોદી તેમને નડી શકે છે અને મોદીને ખ્યાલ આવી ગયો હતો કે દુશ્મને ઉગતો જ ડામવો પડે, બંન્ને શકિતશાળી હતા અને બંન્ને વ્યકિગત મર્યાદાઓ હતી. તેનાથી તે બંન્ને અવગત હતા, મોદી પહેલા તબ્બકે બાપુના વ્યકિતગત જીવનની ચર્ચાઓ પાર્ટીમાં શરૂ કરી જો કે તેના કારણે પાર્ટીને કોઈ ફેર પડયો નહીં, બાપુ પોતાના તમામ બાબતો ઉઘાડે છોક કરતા હતા, તેમના ગમા-અણગમા સ્પષ્ટ હતા. મોદી પાર્ટીના નેતાઓને જે કહી રહ્યા હતા, તે પણ જાહેર જ હતું.

પણ નરેન્દ્ર મોદીની પાર્ટીમાં કામ કરવાની પધ્ધતિ જુના માણસોને ખટકી રહી હતી, જેમણે વર્ષો સુધી પાર્ટીમાં જાત ઘસી નાખી તેના સ્થાને જેમની પાસે પૈસા હોય તેવા લોકોને પાર્ટીમાં મહત્વ મળવા લાગ્યું હતું, જેમાં મનોજ ભીમાણીનો સમાવેશ થયો હતો, તેઓ એક ઉદ્યોગપતિ હતા, તેમની એક કાર મોદીની સેવામાં ચોવીસ કલાક હાજર રહેતી હતી. મોદીની જે કારમાં મુસાફરી કરતા હતા, તેનો ડ્રાઈવર લક્ષ્મણ પણ ખાસ મોદીને માટે ફાળવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીને ખબર હતી કે મંથર ગતીએ પાર્ટી ચાલશે નહીં, હવામાં ઉડવા માટે વિમાન જ જોઈએ અને વિમાન માટે પૈસા જોઈએ. જુના જે સાથીઓ હતા, તેમની મહેનત અને લાગણીની ના ન્હોતી, પણ તેમની પાસે પૈસા ન્હોતા, પાર્ટી ચલાવવા માટે અને વર્ષોથી સત્તા ઉપર રહેલી કોંગ્રેસને તોડવી હોય તો તેમની સ્ટ્રેજી પ્રમાણે ખુબ પૈસાની જરૂર પડવાની હતી.

1990માં સામે વિધાનસભાની ચૂંટણી પણ હતી, કોંગ્રેસ સામે એકલા હાથે લડી શકાય તેમ ન્હોતું, તેના કારણે ચીમનભાઈ પટેલના જનતા દલ ગુજરાત સાથે ગંઠબંધન કરી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા, જો કે ચીમનભાઈ પટેલનું ગઠબંધન વીપી સિંગ સાથે હતું અને અયોધ્યાના મુદ્દે નિકળેલી યાત્રામાં કેન્દ્ર સરકારે અડવાણીની ધરપકડ કરતા, ચીમનભાઈ પટેલની સરકાર સાથે છેડો ફાડી ભાજપ ફરી વિરોધ પક્ષમાં આવીને બેસી ગયું. જો કે સત્તા ન્હોતી છતાં એક શકિતશાળી વિરોધ પક્ષની ભૂમિકામાં ભાજપ રહ્યું, ગુજરાતમાં બદલાયેલા રાજકીય સમીકરણ અને ચીમનભાઈ પટેલ અને કોંગ્રેસ તરફની પ્રજાની નારાજગી મોદી અને બાપુ બરાબર સમજી શકતા હતા અને તેઓ ફરી પાછા પોતાના ગેમ પ્લાનમાં લાગી ગયા હતા, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા, તેમ તેમ પ્રજાની કોંગ્રેસ તરફ નારાજગી વધી રહી હતી. બાપુના મનમાં ચાલતી ગડમથલ કોઈને સમજાય કે નહીં પણ મોદી તે બરાબર સમજી શકતા હતા.

1995ની ચૂંટણી હવે એકલા હાથે લડવાની હતી, સામે પક્ષ કોંગ્રેસ હતી. ભાજપ પહેલી વખત 182 બેઠક ઉપર ઉમેદવાર ઊભા રાખવાનું હતું, પહેલા તો 182 ધારાસભ્યની પસંદગી મુશ્કેલ કામ હતું, કારણ ત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે બહુ લોકો રાજી ન્હોતા, પણ નરેન્દ્ર મોદીને પાક્કો વિશ્વાસ હતો કે ભાજપની સત્તા આવી રહી છે. સત્તા મળે તો મુખ્યમંત્રી માટે કોણ દાવેદારી કરશે તેની પણ તેમને કલ્પના હતી. તેમને ખબર હતી કે ભાજપમાં શીસ્તના નામે બીજો કોઈ દાવો કરશે નહીં, પણ શંકરસિંહ ચોક્કસ મુખ્યમંત્રી થવાના દાવો ચાલશે. મોદી બાપુના મનના સળવળી રહેલા મુખ્યમંત્રી થવાના કીડાને ઓળખી ગયા હતા, તેમને ખબર હતી કે ઉમેદવારની પસંદગી બહુ અગત્યની સાબીત થશે, તેમાં બાપુ પોતાના તરફી હોય તેવા વધુમાં વધુ માણસોને ટિકિટ આપવાન પ્રયત્ન કરશે. તેથી તેની ઉપર બ્રેક મારવી પડશે અને ખરેખર બાપુ જે વિચારી રહ્યા હતા, તે જ ધારણા નરેન્દ્ર મોદીની હતી આમ બાપુની મહેચ્છા મોદી પહેલાથી જાણી ગયા હતા.

બાપુ પણ જાણતા હતા કે ભાજપને સત્તા મળે તો મુખ્યમંત્રી થતાં તેમને કોઈ રોકી શકે તેમ છે તો તે નરેન્દ્ર મોદી છે, તેના કારણે બાપુએ પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો. જો કે તે પ્લાનની નરેન્દ્ર મોદીને બહુ મોડી ખબર હતી. બાપુના ખજુરાહો પ્રકરણ બાદ એક દિવસ નરેન્દ્ર મોદીએ મને ફોન કરી અમદાવાદના મેયર બંગલે બોલાવ્યો હતો, હું ત્યારે અભિયાનમાં કામ કરતો હતો, તેઓ ધંધુકા તરફ પ્રવાસે જઈ રહ્યા હતા, તેમણે મને કહ્યું એકાદ બે સભા છે તે પુરી કરી રાતે મોડા અમદાવાદ પાછા આવી જઈશું, હું મેયરના બંગલે પહોંચ્યો અને અમે કારમાં સાથે જવા નિકળ્યા. ડ્રાઈવર લક્ષ્મણ તેમની કાર ચલાવતો હતો. તે વખતે નરેન્દ્ર મોદીએ મને શંકરસિંહ બાપુના પ્લાન બીની વાત કરી હતી. જો કે પ્લાન બી નરેન્દ્ર મોદીને મોડો સમજાયો તેના કારણે બાપુ 44 ધારાસભ્યને લઈ ખજુરાહો જવામાં સફળ થઈ ગયા હતા. બાપુનો બીજા નંબરનો પ્લાન 1995ની ચૂંટણી જીતવાનો હતો, જેનો બાપુ હવે અમલ કરી રહ્યા હતા.

ત્યારે મેં પહેલી વખત નરેન્દ્ર મોદીના મોંઢે તેમના અને બાપુ વચ્ચે ચાલી રહેલા શીતયુધ્ધની કથા સાંભળી, તે દિવસે અમે પહેલા ધંધુકા પહોંચ્યા હતા, ત્યાં તેમના સ્વાગત માટે ધંધુકા ભાજપના નેતા પુંજાભાઈ ગમારા હાજર હતા, ત્યાંથી મોદી અને હું જે કારમાં મુસાફરી કરતા હતા તેને એકસો કરતા વધુ મોટર સાયકલ સવારો પાઈલોટીંગ કર્યું હતું, ઠેર ઠેર મોદીનું સ્વાગત થઈ રહ્યું હતું અને સભામાં પણ હકડેઠેક મેદની આવતી હતી, મને અંદાજ આવી ગયો હતો કે હજી એક દસકા પહેલા ભાજપમાં આવેલા નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને પાછળ છોડી લોકપ્રિયતા અને સ્ટ્રેટરજીમાં આગળ નિકળી રહ્યા છે. જો કે તેમને સાથે કારમાં બેસી હું નરેન્દ્ર મોદી અંગે વિચાર કરતો હતો અને મારા વિચારોનો જ્યાં અંત આવતો હતો ત્યાંથી તો નરેન્દ્ર મોદી વિચારવાનું શરૂ કરતા હતા, ત્યારે મને અંદાજ પણ ન્હોતો કે આ જ નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના મુખ્યપ્રધાન અને પછી દેશના વડાપ્રધાન થશે.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive