હું પ્રશાંત દયાળ: ભાગ-10:  હવે મારા જીવનની અને મારા પત્રકારત્વની દિશા બદલાવવા જઈ રહી હતી. હજી હું ખાદી પહેરતો હતો અને બોલવા ચાલવામાં સૌમ્ય હતો. મારે કઈ દિશામાં જવુ છે તેની મને પણ ખબર ન્હોતી પણ નસીબના ચોપડામાં શુ લખ્યુ હતું  જાણતો ન્હોતો. અમદાવાદમાં ચારે તરફ તોફાન શરૂ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં છુરાબાજી અને ઘરોને સળગાવી દેવાની ઘટના ઘટવા લાગી હતી. સમભાવ પ્રેસ પણ ખાનપુરમાં મુસ્લિમ મહોલ્લાના નાકે હતો. ઘણી વખત અચાનક ચીસો અને બુમો સંભળાતી હતી. મને ક્યારેક ડર પણ લાગી જતો હતો કારણ મેં ક્યારેય આવા માહોલનો અનુભવ કર્યો ન્હોતો. જો કે ગલીમાં રહેતા તમામ મુસ્લિમો સારા હતા, તેમને કદાચ હિન્દુઓ સામે વાંધો હોઈ શકે પણ અમે પત્રકાર છીએ અને અમે જન્મે હિન્દુ હોવા છતાં અમારે આ તોફાન સાથે વ્યક્તિગત રીતે કોઈ સંબંધ નથી તેવી સાદી સમજ તેમની અંદર હતી. હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારે એકાદ બે મુસ્લિમ મિત્રો હતા, તે સિવાય મારે મુસ્લિમો સાથે કોઈ નાતો રહ્યો ન્હોતો. ગલીમાં એક રફીક રહેતો હતો તે અવારનવાર અમારા પ્રેસમાં આવતો હતો, તેની પાસે ટેક્સી હતી. ભુપતભાઈએ તોફાનોને કારણે ખાસ તેની ટેક્સી ભાડે કરી હતી. ઘણી વખત મોડુ થયુ હોય તો તે અમને તેની ટેક્સીમાં નારણપુરા મુકવા પણ આવતો હતો. જો કે તેને અમારી અને અમને તેની બીક લાગતી ન્હોતી. પ્રેસમાં શેખ નામનો એક પટાવાળો છોકરો પણ હતો, તે ખાનપુરમાં જ રહેતો હતો. કર્ફ્યુ લાગી જાય તેના કારણે ખાવાનું તો ઠીક પણ ચા પીવી પણ મુશ્કેલ થઈ જતી હતી. ક્યારેક શેખ તો ક્યારેક રફીક અમારી ચા-પાણી અને જમવાની વ્યવસ્થા કરતા હતા. મેં મહોલ્લામાં રફીકના ઘરે જવાનું શરૂ કર્યુ હતું. રફીક મને નુકશાન નહીં કરે તેવુ એટલા માટે લાગ્યુ કે તેની પત્ની મીના હિન્દુ હતી. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. ક્યારેક હું રફીક સાથે ઘરે જતો તો મીના મને પણ જમાડી દેતી હતી. તોફાનમાં હું માત્ર પોલીસ કમિશનર ઓફિસ સિવાય ક્યાંય જતો ન્હોતો. મોટાભાગનું તોફાનોનું રોપોર્ટીંગ તો જયેશ ગઢવી જ કરી લેતો હતો.

તે મને સુચના આપે તે પ્રમાણે હું પોલીસ સ્ટેશનમાં ફોન કરી વિગતો લેતો અને તેની સુચના પ્રમાણે કોપી લખી નાખતો હતો. મારી અને જયેશની જોડી જામવા લાગી હતી. ચારૂભાઈ અને જયેશ સારા મિત્રો હતા પણ હવે ચારૂભાઈ ન્હોતા તેના કારણે મારે જયેશ ગઢવીને જોઈ કામ શીખવાનું હતું. એક દિવસ મને જયેશ ગઢવીએ પુછ્યુ તુ દારૂ પીવે છે? મેં કહ્યુ ના, તેણે કહ્યુ ચાલ તને આજે બીયર પીવા લઈ જઉ. મારા મનમાં દારૂ પ્રત્યે ક્યારેય છોછ ન્હોતો પણ મે પીધો ન્હોતો, પરંતુ મારા મનમાં ક્યારેય અને કેવી રીતે ગાંધીનો પ્રભાવ આવી ગયો તેની મને ખબર ન્હોતી, જેના કારણે મને એવુ લાગતુ હતું કે મારે દારૂ પીવો જોઈએ નહીં. હું તે દિવસે જયેશ ગઢવી સાથે એક જગ્યાએ ગયો ત્યારે અમદાવાદમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હતા. ખુલ્લે આમ દારૂ વેચાઇ રહ્યો હતો અને ત્યાં બેસી તમે દારૂ પી શકો તેવી વ્યવસ્થા પણ હતી. હું જયેશ સાથે ગયો, અમે નવરંગપુરા પહોંચ્યા, ત્યાં જતા એક માણસે જયેશને પુછ્યુ શુ લેશો? તેણે કહ્યુ બીયર. મને બહુ આશ્ચર્ય થયુ જાણે કોઈ ચા કે કોફી પુછતાં હોય તે રીતે બીયર કે વ્હિસ્કી અંગે પુછ્યુ. બે બીયર આવી. જયેશે ગ્લાસ ત્રાસો કરી મારી બીયર ભરી, મને ત્યારે ખબર ન્હોતી કે બીયર ભરવા માટે ગ્લાસ ત્રાંસો શુ કામ કરવો પડે છે. મેં બીયર પીવાની શરૂઆત કરી, જેમ જેમ બીયર મારી અંદર જવા લાગી તેમ તેમ મારી આંખો ભારે થવા લાગી, મારી સામે જયેશ બેઠો હતો તેવી મને તેની આકૃતિ દેખાતી હતી પણ મને તેનો ચહેરો સાફ દેખાતો ન્હોતો. આ મારો પહેલો અનુભવ હતો પણ તે વખતે જયેશને મળવા માટે કેટલાક લોકો આવ્યા, જે અમદાવાદના ક્રાઈમ અને અંડરવર્લ્ડની વાતો કરતા હતા. મને બહુ આશ્ચર્ય થયું. ત્યાંથી નિકળતા જયેશે મને કહ્યુ જો આવી જગ્યાએ આખા શહેરના ગુંડાઓ મળવા અને તેમની વાત જાણવાનો આ જ રસ્તો છે.

મારૂ માથુ ભારે થઈ ગયુ હતું, કારણ જીંદગીમાં પહેલી વખત મેં બીયર પીધો હતો. ત્યારે મારી ઉમંર આશરે પચ્ચીસ વર્ષની હશે. શહેરમાં સ્થિતિ બગડતા જયેશ ગઢવીએ કોઈ સિનિયર પોલીસ અધિકારીને ફોન કરતા પ્રેસની બહાર એક રાયફલ સાથેનો પોલીસવાળો મુકી દેવામાં આવ્યો હતો. પોલીસ મુકાવા પાછળનું કારણ એવુ હતું કે સમભાવ પ્રેસની સામે ડીલાઈટ સ્કૂટર એસેસરીઝ નામની દુકાન હતી, તેના માલિક રમણભાઈ પટેલ દુકાન બંધ કરવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમને કોઈએ છરો મારી દેતા તેમનું મોત નિપજ્યુ હતું. હવે પ્રેસ સુધી તોફાન કરનારા પહોંચી ગયા. ક્યારેક દિવસે કર્ફ્યુંમાં રાહત મળતી પણ રાતે તો આખા શહેરમાં કર્ફ્યુ લાગી જતો હતો. મેં બીયર પીધો તેના થોડા દિવસ બાદ રાટ્રે દસ વાગે જયેશે મને કહ્યુ આપણે કોઈને મળવા જઈએ છીએ, મને લાગ્યુ કે શહેરમાં કર્ફ્યું છે અને આપણે કોને મળવા જવાનું છે. મેં કંઈ પુછ્યુ નહીં. થોડીવારમાં અમે મારા સ્કૂટર ઉપર જવા નિકળ્યા, રીલીફ રોડ ઉપર પહોંચ્યા, તેણે મને જમણી તરફ સાંકડી ગલીમાં સ્કૂટર લેવાનું કહ્યુ. મને મનમાં થતુ કે શહેરમાં માહોલ સારો નથી અને આ મને ક્યાં લઈ જાય છે? અમે ગલીની અંદર ગયા તો એક હોટલ હતી. સ્કૂટર ઉભુ રહેતા જ એક માણસ બહાર આવ્યો, તેણે અમારી સામે શંકાભરી નજરે જોયુ. જયેશે કોઈનું નામ આપ્યુ તેની સાથે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.

તે અમને હોટલની અંદરની સીડી વાટે પહેલા માળે લઈ ગયો. આ પ્રકારની હોટલ પણ હું પહેલી વખત જોઈ રહ્યો હતો, તેણે એક રૂમના દરવાજાને નોક કર્યુ અને અંદરથી જવાબ મળ્યો, આવો. તેણે અડધો દરવાજો ખોલી કહ્યુ સાહેબ જયેશ ગઢવી આવ્યા છે. અંદરથી અવાજ આવ્યો આવો આવ કવિરાજ, જયેશના ચહેરા ઉપર ખુશી આવી, પેલો માણસ ખસ્યો અને અમે રૂમમાં દાખલ થયા, પણ અંદર જતા મારા હોશકોશ ઉડી ગયા, અંદર બધા જ પોલીસ અધિકારીઓ બેઠા હતા. આશરે પાંચ-સાત હતા, બધા જ યુનિફોર્મમાં હતા પણ તેમના હાથમાં દારૂના ગ્લાસ હતા. પોલીસ અને દારૂ પીવે તેવો પહેલી વખત મને પ્રશ્ન થયો, મને બહુ ખરાબ લાગી રહ્યુ હતું કે પોલીસ કઈ રીતે દારૂ પી શકે પણ હું કંઈ વિચારૂ તે પહેલા જયેશ ગઢવીએ બધા સાથે મારી ઓળખાણ કરાવી અને મને પણ પોલીસ અધિકારીઓ ક્યા ક્યા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે જણાવ્યુ. અમે ઓળખાણ કરતા હતા ત્યારે એક અધિકારીએ દારૂના બે ગ્લાસ ભર્યા અને અમારી તરફ ધર્યા, હું હેબતાઈ ગયો, પોલીસ દારૂ પણ પીવડાવે, પણ હું તો દારૂ પીતો જ ન્હોતો. હજી તો થોડા દિવસ પહેલા બીયર પણ પહેલી વખત પીધી હતી ત્યાં વ્હિસ્કી કેવી રીતે પી શકીશ તેવો મને પ્રશ્ન થયો. મેં જયેશ ગઢવી સામે જોયુ, હું કહેવા માગતો હતો કે મારે નથી પીવો પણ તેણે મને ઈશારો કર્યો કે ગ્લાસ લઈ લે અને મેં જીંદગીમાં પહેલી વખત વ્હીસકીનો ગ્લાસ પકડ્યો.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'   

હું પ્રશાંત દયાળ ભાગ-6:  તે દિવસે અમારી ઓફિસમાં આવેલા એ ક્રાઇમ રિપોર્ટરને જોઈ હું ખૂબ ડરી ગયો હતો

હું પ્રશાંત દયાળ ભાગ-7: એક પત્રકારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી પર ગુસ્સે થઇ કહ્યું ‘આ પ્રકારનો અંહકાર સારો નહીં’

હું પ્રશાંત દયાળ ભાગ-8: હું કોલેજમાં ભણતો ત્યારે રાત્રે રિક્ષા ચલાવતો, પત્રકાર બન્યો છતાં રાત્રે હોમગાર્ડની નોકરી કરવી પડતી

હું પ્રશાંત દયાળ ભાગ-9: હું અમદાવાદમાં પહેલીવાર રથયાત્રાનું કવરેજ કરવા ગયો, ત્યાં લતીફના ગુંડાઓએ રથયાત્રા પર હુમલો કર્યો