મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં અગાઉ પણ પાટીદાર સંસ્થાઓના નેતૃત્વ કરતાં આગેવાનોના નામ ચૂંટણી દરમિયાન ઉમેદવારીના મક્કમ દાવેદારો તરીકે ઉછળ્યું છે. હાલ લોકસભાની ચૂંટણીનું શિડ્યૂલ જાહેર થઈ ગયું છે. રાજકોટમાં ઉમેદવાર તરીકે ફરી એક વાર ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પરેશ ગજેરાને ટિકિટ આપવા માટેના પોસ્ટર્સ લાગી ગયા છે. પરેશ ગજેરાના સમર્થકો દ્વારા કાલાવડ રોડ, કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં 50 જેટલા બેનર્સ લગાવી દીધા છે.

આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરાને ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટર્સ પાટીદાર સમાજ, હિન્દુ રામસેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા છે.

આ અંગે જ્યારે પરેશ ગજેરાએ વાત કરી તો કહ્યું કે, આ પોસ્ટર્સ એમણે લગાવ્યા છે જેમની ઈચ્છા છે કે હું રાજકારણમાં આવું જે અંગે આજે સવારે જ મને ખબર પડી હતી. તેમની લાગણીને હું માન આપું છું. હાલ જોકે મારી ઈચ્છા ચૂંટણી લડવાની છે જ નહી, પરંતુ જો ભવિષ્યમાં હું ચૂંટણી લડીશ તો હું રાજકોટથી જ લડીશ અને તે અંગેનો હું નિર્ણય પણ મારા હિતેચ્છુઓ, મારા સમાજના અગ્રણીઓ તમામ સાથે ચર્ચા કરીને તેનો નિર્ણય લઈશ. હાલ હું માનું છું કે નરેન્દ્રભાઈ જે રીતે કામ કરે છે તે રીતે ભારતીય જનતા પાર્ટી સારી કહેવાય. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે તેની પર વાત કરતાં જણાવ્યું કે, આમ જોઇએ તો હાર્દિક જેના માટે સામે આવ્યો હતો તેવો પાટીદારોનો મુદ્દો સવર્ણ અનામત સાથે સુલજી ગયો છે. તો હાર્દિક પોતાની કારકિર્દી રાજકારણમાં બનાવે છે તે સારી બાબત છે.