મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  ગુજરાતના ગીરમાં થયેલા સિંહોના મોત અંગે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી ૧૩ પ્રશ્નો પૂછી ભાજપ સરકારને ભીંસમાં મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિંહોના રક્ષણ માટે સરકાર પાસે માંગણી કરતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ મુક્યા છે કે, કરોડો રૂપિયા ફાળવવા છતાં રાજ્યમાં સિંહોમાં રસીકારણ નહિ કરનાર રાજ્ય સરકારે સિંહના સંવર્ધન માટે કશુ કર્યુ નથી. પરંતુ સિંહના સંવર્ધનના રૂપિયા તંત્ર ચાઉં કરી ગયું છે.

ગુજરાતના ગીરમાં ૨૩ સિંહોના થયેલા મોત અંગે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર માટે એક ગાઈડલાઇન જાહેર કરી હતી. હાઈકોર્ટે સરકારને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવા માટે નિર્દેશ આપી થયેલી કામગીરીનો રિપોર્ટ ૧૫ જાન્યુઆરી,૨૦૧૯ સુધીમાં સોંપવા આદેશ કર્યો છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં સરકારનાં નિયમોને જ ટાંકીને કહ્યું છે કે, સરકારે સર્વોચ્ચ અદાલતની નોંધને પણ અવગણી હોવાથી સિંહોના મૃત્યુ માનવસર્જીત કહી શકાય તેમ છે. ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. પરંતુ આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી. જેમાં જુદા જુદા અધિકારીઓને ૫૦થી ૧૦૦ કિલોમીટર ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ આ અધિકારીઓ ૧૦ ટકા જોગવાઇનું પણ પાલન નહિ કરી ચાલવાના બદલે જીપ્સી લઇને પેટ્રોલિંગ કરે છે જેના કારણે સિંહોની ખામીઓ સામે આવતી નથી.      

તેમણે મુખ્યમંત્રીને રાજ્યની પ્રજા જાણવા માંગતી હોવાનું જણાવી ૧૩ પ્રશ્નો પૂછતાં કહ્યું છે કે, સરકારે આ બાબતે જરૂરી ખુલાસા કરવા સાથે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ છે.તેમણે સરકારને સિંહોના મોત અંગે ઇનફાઈટનું કારણ આપવા સામે શક્કરબાગ ઝૂ જુનાગઢ ધ્વારા ૨૭ સિંહોના મોકલાયેલા ૮૦ સેમ્પલ અને તેમાં પુનાથી આવેલા પોઝીટીવ રીપોર્ટ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. તેમને વેક્સીન આપવા સહીત રસીકરણ, સિંહોને બીજું બીજું ઘર આપવા સાથે રોગચાળા સામે લેવાયેલા પગલા, લીયોજીન પ્રોજેકટ ૨૦૦૯-૧૦ અંગે પણ પ્રશ્નો પૂછી સ્પષ્ટતા માંગી છે.