મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ જવા સાથે ખેડૂતોમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું જણાવતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં કરવેરા વધારવા સહીત વિવિધ સમસ્યાઓને લઈને સતત સંઘર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ તળે દબાઈને આત્મહત્યા કરી રહ્યો છે. જયારે મગફળીની જગ્યાએ માટી નીકળતા ભાજપ સરકારનું મગફળીકાંડ-૨નું કૌભાંડ બજારમાં આવ્યું છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે ખેડૂતોના વીજળી-પાણી સહિતના પ્રશ્નો તેમજ મગફળી મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ચૂંટણી બાદ મગફળીની ખરીદી બંધ કરી છે. આ સાથે જે મગફળી ખરીદાઈ તેમાં વ્હાલાદવલાની નીતિ સાથે ખાનગી ધોરણે એક મણે રૂપિયા ૫૦ કમિશન લેવામાં આવ્યું છે. આ મગફળીકાંડમાં થયેલા મોટા ગોટાળામાં સાડા ત્રણ હજાર કરોડનું રોકાણ કરીને સાડા સાત લાખ ટન મગફળી ખરીદાઈ. તે પૈકી સાડા પાંચ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્થા દ્વારા ખરીદવામાં આવી. આ સંસ્થા ગુજકોટ પાસે પુરતી વ્યવસ્થા નહી હોવાથી માલસંગ્રહ કરવા માટેના ગોડાઉન નથી. આ માલની ખરીદી કરવા માટેનું કોઈ નેટવર્ક નહી હોવાથી મગફળી ભાજપના મળતિયાઓના મીલોમાં પહોંચી અને તેમાંથી સિંગતેલના ડબ્બા બનાવીને વેચવામાં આવ્યા છે. ખાનગી માલિકો પાસેથી વચેટિયા દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનમાં આવી ખરીદાયેલી મગફળીનો સ્ટોક રાખવામાં આવ્યો છે. જેમાં મગફળીના બદલે માટી, ઢેફા ભેળવી જે માલ સરકારી ગોડાઉનમાં રખાયા હતા, તેની સલામતીમાં સરકારે નિષ્ક્રીયતા દાખવી છે. જયારે સીઆઇડીની તપાસમાં પણ આગના સમાન કારણો અંગે શંકા વ્યકત કરતા તેમણે જણાવ્યું છે કે, ભાજપ સરકાર ઉતાવળે મગફળી વેંચી દેવા પ્રયાસ કરે છે. હજુ હજારો ટન મગફળી ખેડૂતોના ઘરમાં પડી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ઓઈલ મિલોના વેપારીઓ સાથે સરકારે કરેલી મીટિંગમાં માલની ચકાસણી કરતા વેપારીઓનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મગફળીની જગ્યાએ માટી નીકળતા ભાજપ સરકારનું મગફળી કાંડ-૨નું કૌભાંડ બજારમાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાનો સમય આપવામાં સાથે સરકાર નાફેડ ઉપર આરોપો લગાવી રહી છે. તેમાં નાફેડનો અહેવાલ સરકારે જાહેર કરવો જોઈએ.