મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલઃ ચૂંટણી આવે ત્યારે નેતાઓના અવનવા રૂપ અને ભિન્ન ભિન્ન પ્રકારના પ્રકરણો બહાર આવતા હોય છે. સોશ્યલ મીડિયાને કારણે હાલ સમાન્ય અમથી બનતી બાબત પણ વાયરલ થઈ જતી હોય છે તો હવે નેતાઓએ આ કેમેરાથી બચવું પણ ભારે પડતું જાય છે. ક્યાંક ફોટો વાયરલ થઈ જાય, ક્યાંક વીડિયો તો ક્યાંક ઓડિયો, આ વાયરલ થતી બાબતો નેતાઓ માટે ચૂંટણી દરમિયાન વાયરસ જેવું કામ કરે છે.

ગુજરાતમાં આવી જ એક વધુ ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આચારસંહિતા ભંગ બદલ તપાસના આદેશ નોડલ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે. ઘટના એવી બની છે કે, પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટનો રૂ.૫૦૦ ના દરની નોટો  મહિલાઓને વહેંચતા હોય તેવો ફોટો વાયરલ થયો. જે બાદ જીલ્લા ચૂંટણી વિભાગ હરકતમાં આવ્યું છે અને પંચમહાલ લોકસભાના આદર્શ આચાર સંહિતા નોડલ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટનો રૂપિયા ૫૦૦ની ચલણી નોટોનું બંડલ હાથમાં પકડી ચૂંટણી પ્રચાર સભામાં ગયા હોવા અંગેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જોકે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા તેઓ દ્વારા મતદારોને પ્રલોભન આપવા અંગેના આક્ષેપોને ફગાવ્યા હતા અને ભાજપ દ્વારા ષડ્યંત્ર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો સમગ્ર મામલાને લઈને પંચમહાલ જીલ્લા ચૂંટણી વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પંચમહાલ લોકસભા બેઠકના આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

નોડલ અધિકારી આરપી ચૌધરીએ જણાવ્યું કે, પ્રારંભીક તપાસમાં આ ફોટો શહેરા વિધાનસભા મત વિસ્તારના બોરિયા ગામમાં કોંગ્રેસ દ્વારા તા૯-૪-૨૦૧૯ ના રોજ યોજવામાં આવેલી પ્રચાર સભા દરમિયાનનો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તપાસ દરમિયાન જે વિગતો બહાર આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ફોટો અંગે વી કે ખાંટ શું કહે છે આવો જાણીએ તેમના જ મોંઢે, અહીં તેમનો વીડિયો દર્શાવેલો છે.