મેરાન્યૂઝ નેટવર્ક, નવીદિલ્હી: જ્યાં વિરોધ થાય ત્યાં સફળતા પણ એટલીજ જોરદાર હોય છે એ વાત અત્યારે ફિલ્મ ‘પદ્માવત’ ની બોકસ ઓફીસ પર થઇ રહેલી કમાણી દ્વારા સાબિત થઇ રહી છે. એક તરફ કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરી ઠેર-ઠેર દેખાવો થયા અને ચક્કાજામ સાથે હિંસક અથડામણો પણ જોવા મળી. સંજય લીલા ભણસાલીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી પદ્માવત રીલીઝ કરી બતાડવા માટે. બીજી તરફ દીપિકા પદુકોણનું નાક કાપી લાવનારને ૧ કરોડ ઇનામની જાહેરાત થઇ. આ બધી ઘટનાઓ વચ્ચે સંવેદનશીલ રાજ્યોને છોડીને અન્ય રાજ્યોમાં ‘પદ્માવત’ રીલીઝ થયાની સાથે અત્યાર સુધી કોઈ ફિલ્મમાં ન બોલાયા હોય એવા ભાવ બોલાયા. તો બીજી તરફ  ફિલ્મ જોવા માટે ગુજરાતના ફિલ્મ રસિયાઓ મુંબઈ નગરી સુધી ફિલ્મ જોવા સફર કરી આવ્યા.

એટલે પદ્માવતના વિરોધે જ પદ્માવતનાં સર્જકને ફિલ્મની મફતમાં પબ્લીસીટી તો અપાવી જ પણ તેની સાથે શરૂઆતના દિવસોમાં માત્ર ૪૮ કલાકમાં જ ૫૦ કરોડ ઉપરાંતની કમાણી કરી આપી છે. જ્યારે ફિલ્મના બધાજ પાત્રોમાં ખીલજીનો નેગેટીવ રોલ અદા કરનાર રણવીર ખૂબ જ દાદ લઇ ગયો. તેની સાથે ફિલ્મનું આકર્ષણ રહેલી દીપિકાને પણ દર્શકોએ ખૂબ જ વખાણી છે. પ્રથમ દિવસનો પ્રતિભાવ મળ્યા પછી બીજે દિવસે પણ એનાથી વધુ ભીડ બોક્ષ ઓફીસ પર રહી. દેશના ચાર રાજ્યોને છોડીને અન્ય રાજ્યોમાં ફિલ્મે ધમાકેદાર આગમન કરી દર્શકોને બોક્ષ ઓફીસ હિટ કરવા માટે એક જુદું જ ખેંચાણ ઉભું કરી દીધું છે.

ફિલ્મ એનાલીસ્ટ રમેશ બાલાએ તેમની એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ફિલ્મે ૨૬મી જાન્યુઆરીનાં પહેલા જ દિવસે લગભગ ૩૦ કરોડનો વકરો કર્યો હતો.

જ્યારે દરિયાપાર દેશોમાં ઓસ્ટ્રેલીયામાં આશરે ૪ કરોડની કમાણી થઇ તો ન્યૂઝીલેન્ડમાં ૭૫.૮૪ લાખનો ગલ્લો થયો.