મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેર અને જિલ્લામાં ગુનાખોરો બેફામ બન્યા હોય તેમ સમયાંતરે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. અને પોલીસ ગુનાખોરી અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે. છેલ્લા પખવાડિયામાં જ 6 જેટલા હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે. ત્યારે આજરોજ પડધરીના ખાખડાબેલા ગામે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી એક ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને જરૂરી તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલૂકાના ખાખડાબેલા ગામે અજાણ્યા શખ્સોએ ખેડૂત અજીતસીહ હરીસીહ જાડેજાને અંધાધૂંધ છરીના ઘા ઝીંક્યા હતા. જેને પગલે ગંભીર ઇજા થતાં અજીતસિંહનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. નાના એવા ગામમાં થયેલી હત્યાની ઘટનાને પગલે ગામમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ જાણ કરતા પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા હત્યારાઓની ભાળ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.