મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ ગણેશ મહોત્સવનો આંદોલનમાં ઉપયોગ કરવામાં વધુ એક વખત પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો સફળ રહ્યા છે. ગત વર્ષે પણ ગણેશ મહોત્સવનો ઉપયોગ આંદોલન માટે કરાયો હતો. આ વખતે પણ સાત પાટીદારોને જેલમુક્ત કરવાની માગણી સાથે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવા સહિતની માંગણી સાથે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ ગણેશ વિસર્જનના દિવસે વિઘ્નહર્તા વિસર્જન યાત્રા કાઢશે. જે અંગેનાં બેનરો વરાછાથી લઇ વેલંજા સુધી ઠેરઠેર લગાડી દેવાયાં છે. બીઆરટીએસ તેમજ ઓવરબ્રીજ ઉપર પણ બેનરો લાગી ગયાં છે. આ બેનરમાં ‘જેલ કા બેરેક તૂટેગા અલ્પેશ કથીરિયા છૂટેગા’ લખાયું છે.

અલ્પેશ કથીરિયાની રાજદ્રોહના કેસમાં એક મહિના અગાઉ જ પોલીસે ધરપકડ કરી હતી. જેથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં પાસના કાર્યકરો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરીને અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવા દેખાવો કરવામાં આવ્યા હતા. હવે સુરત પાસ દ્વારા અલ્પેશ કથીરિયા અને સુરતના 7 આંદોલનકારીઓની ખોટી ધરપકડના વિરોધમાં અને ઝડપથી જેલમુક્ત કરાય તે માંગ સાથે વિસર્જનના દિવસે યાત્રા કઢાશે એવા બેનરો વરાછાથી લઇ વેલંજા સુધીના પાટીદાર વિસ્તારોમાં લાગી ગયા છે.

પાટીદારો દ્વારા કિરણ ચોક ખાતે ગણેશજીને બેસાડવામાં આવ્યાં છે. ત્યારે આવતીકાલ રવિવારે પાટીદારો દ્વારા આ યાત્રા બપોરે 1 કલાકે યોગીચોકથી મિનીબજાર થઇ સરથાણા આ યાત્રા નીકળશે. પાસના કાર્યકર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે રેલી માટે પોલીસ કમિશનરમાં જાણવા જોગ અરજી કરી છે.