મેરાન્યૂઝ નેટવર્ક સુરત: રાજદ્રોહના કેસમાં મળેલા જામીન કોર્ટે રદ કર્યા બાદ ૩૩ દિવસોથી નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાને રવિવારે વેલંજા ગામે તેના મિત્રના લગ્ન પ્રસંમાં હાજરી આપવા માટે આવતી વખતે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

અલ્પેશ કથીરીયાને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા હતા. ત્યારબાદ તેણે સરથાણા પોલીસ મથકમાં પીઆઈ સાથે ઘર્ષણ કર્યું હતું.આ પછી કલેકટર કચેરી ખાતે ધરણા બાદ વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવા સાથે વરાછા પોલીસ સ્ટેશનને માથે લઇ અધિકારીઓને બિભત્સ ગાળો આપી હતી. આ ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખી ક્રાઈમ બ્રાન્ચની અરજી કોર્ટે ૧૫મી જાન્યુઆરીના રોજ અલ્પેશ કથીરિયાના રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરતો હુકમ કર્યો હતો. આ જામીન રદ થવાની સાથે જ અલ્પેશ કથીરિયા ભૂગર્ભમાં નાસી ગયો હતો.

આથી અલ્પેશની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજયમાં વિવિધ સ્થળો પર દરોડા પાડી તેના સગા સંબંધી તેમજ મિત્રો વર્તુળોની પણ પૂછપરછ કરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અલ્પેશ કથીરિયા વેલંજા ગામે મિત્ર આશિષ વઘાસિયાના મેરેજ પ્રસંગમાં હાજરી આપવા માટે આવવાનો છે.તેના આધારે લગ્ન સ્થળમાં ખાનગી વોચમાં ગોઠવાયેલી ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશ કથીરિયા આવવાની સાથે જ દબોચી લીધો હતો.

અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ અવાર નવાર કોઈના કોઈ મુદ્દે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી જામીન શરતોનો ભંગ કર્યો હતો જે મુદ્દાને ટાંકીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરવા માટે અરજી કરી હતી જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ કરતો હુકમ કર્યો હતો રાજદ્રોહના કેસમાં જમીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા ભુર્ગભમાં નાસી ગયો હતો જેથી તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજયના તમામ શહેર જિલ્લા તેમજ રેલવે પોલીસને પત્રો લખ્યા હતા.

અલ્પેશ કથીરિયાને જામીન આપવામાં આવે અને પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો પાછા ખેંચવાની માંગણી સાથે પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને કાર્યકર નિકુંજ કાકડિયા ૧૨મી ફેબ્રુઆરીથી નાના વરાછા સવજી કોરાટ બ્રિજ પાસે રુક્મિણી સોસાયટીની વાડી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં ધાર્મિકની તબીયત લથડતાં તેને સારવારર્થે હોસ્પિટલ ખલેડવામાં આવ્યો છે.