મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: મહારાષ્ટ્રના ખેડૂતો ફરી એક વખત સંપૂર્ણ લોન માફી સહિતની માગણીઓને લઇને રાજ્યની ભાજપ સરકાર વિરૂદ્ધ રસ્તા ઉતરી આવ્યા છે. નાસિકથી 30 હજારથી વધુ ખેડૂતો કૂચ કરીને મુંબઇમાં આવી પહોંચ્યા છે અને સોમવારે મહારાષ્ટ્રની વિધાનસભાને ઘેરશે. આ ખેડૂતોને શિવસેના અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના નાસિકથી નિકળેલા હજારો ખેડૂતોનો મોરચો આજે રવિવારે મુંબઇ પહોંચ્યો છે. થાણે થઇને ખેડૂતો હવે મુંબઇમાં વિધાનસભા ભવન પહોંચવાની તૈયારી કરી રહ્યાં છે. સોમવારે વિધાનસભા ઘેરવાની યોજના છે. બીજી તરફ પોતાની વિવિધ માગણીઓ લઇને મુંબઇ પહોંચેલા ખેડૂતોને રાજકીય પક્ષો દ્વારા સમર્થન મળવાનું શરુ થઇ ગયુ છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની માગણીઓ વિશે વાતચીત કરી. કોંગ્રેસ દ્વારા પણ ખેડૂતોના આ આંદોલનને સમર્થન અપાઇ ચુક્યુ છે. એમનેસએસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ ખેડૂતો સાથે ટૂંક સમયમાં મુલાકાત કરશે તેવી શક્યતા છે.

બીજી તરફ મુંબઇ પોલીસનું કહેવુ છે કે ખેડૂતો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ તેમને આઝાદ મેદાન પર જ રોકી લેવામાં આવશે અને તેમને રોકવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. તો ખેડૂતોએ પણ નક્કી કરી લીધુ છે કે વિધાનસભા ઘેરવામાં આવશે. ત્યારે હવે આવતીકાલ સોમવારે મુંબઇમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો ઘર્ષણ થશે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે.

કિસાન સભાના અધ્યક્ષ ડૉ. અશોક ઢવલેના જણાવ્યા અનુસાર 30 હજાર જેટલા ખેડૂતોના આ મોરચાને શિવસેના, એમએનએસ, આમ આદમી પાર્ટી, રિપબ્લિકન પાર્ટી, કુણબી સેના, આગરી સેના અને કુણબી પ્રતિષ્ઠાન દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે.