મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આગામી ૨૭મી નવેમ્બરથી ૧લી ફે્બ્રુઆરી ૨૦૧૯ સુધી યોજવામાં આવ્યો છે. ૪૫ દિવસ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને શાળા એ નહી જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. જેમાં ગયા વર્ષે ૨૨,૯૩૨ બાળકોને હૃદયરોગ, ૩૫૦૮ને કિડની અને ૧૮૪૩ને કેન્સર જેવા ગંભીર રોગમાં સારવાર આપવામાં આવી હતી.

આજે ગાંધીનગર ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી અને આરીગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ હેઠળ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ, અંધજન, બહેરામુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ૧,૧૧,૧૪૬ સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરાશે. ગયા  વર્ષે ૧,૫૫,૧૪,૮૯૯ બાળકોના આરોગ્યની તપાસ કરી ૧૯,૬૧,૮૯૦ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જ્યારે ૧,૮૪,૧૪૮ બાળકોને અપાયેલી સંદર્ભ સેવામાં ૬૨૬ ક્લેપ લીપ/પેલેટ, ૫૩૦ ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઇમ્પલાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી. આ ઉપરાંત ૯૯,૨૧૦ બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, બાળકો-ભૂલકાંઓના આરોગ્યની તપાસનો આ કાર્યક્રમ સરકારી સેવામાં આત્મસંતોષ માટેનો સફળ કાર્યક્રમ બની રહ્યો છે. આરોગ્ય સચિવ અને કમિશનર જયંતી રવિએ કહ્યું કે, આ કાર્યક્રમમાં ૧૭૦૦ મેડીકલ ઓફિસર, ૧૩૦૦ આયુષ ડોક્ટર, ૧૨,૮૨૪ ફિમેલ હેલ્થ વર્કર, ૧૦,૧૪૧ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ૨૨૫૫ સ્ટાફ નર્સ,૧૬૨૯ આરબીએસ ડોક્ટર, ૧૧૫ આરબીએસ ફાર્માસીસ્ટ, ૩૫૪ આરબીએસ ફિમેલ હેલ્થ વર્કર, ૭૨,૨૧૩ આંગણવાડી કાર્યકર બહેનો, ૨૩૮૮ મુખ્ય સેવિકા બહેનો, ૫૫,૩૪૬ આશા બહેનો તથા ૨૨,૫૧,૪૪ પ્રાથમિક શિક્ષકો સેવા આપશે.