જયેશ શાહ (મેરાન્યૂઝ.ગાંધીધામ): લોકસભા માટેની ચૂંટણીની તૈયારીઓ ઝડપ પકડી રહી છે ત્યારે જ ગુજરાત સરકાર અને ભારતીય ચૂંટણી પંચનો એક સંયુક્ત ભાંગરો ધ્યાનમાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારીનું નામ ચૂંટણી નિરીક્ષકમાં નાખી દેવામાં આવ્યું છે. માત્ર ચીફ ઈલેકશન ઓફિસર જ નહીં પરંતું લાંબી રજામાં ગયેલા આઈએએસ અધિકારીથી માંડીને રાજ્યનાં કેટલાક જિલ્લાના કલેકટર તથા ડીડીઓના પણ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સીધી દેખરેખ હેઠળવાળા અને સમગ્ર રાજ્યના વહિવટની ધુરા જે વિભાગના હાથમાં છે તેવા સામાન્ય વહીવટ વિભાગનાં એક ઉપ સચિવની બે દિવસ પહેલા કરી નાખવામાં આવેલી ટ્રાન્સફર પાછળ આ મોટો ભાંગરો કારણભૂત હોવાની ચર્ચા હાલ સચિવાલયમાં મુદ્દો બન્યો છે.

દેખીતા કોઇપણ કારણ વગર જ્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 16મી માર્ચના શનિવારે જ્યારે અમિત ઉપાધ્યાય નામના એક ઉપ સચિવની ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતાં સમગ્ર મામલામાં મોટા અધિકારીઓની ભુલમાં નાનાનો ભોગ લેવાયો હોય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. 

બીજી તરફ સમગ્ર મામલાને હળવાશથી રાજ્યનાં મુખ્ય સચિવ જયદીપસિંગે ભૂલને સુધારી લેવામાં આવી હોવાનું જણાવીને ભુલ પાછળ લિસ્ટ અપડેટ ના થયુ હોવાનું ઉમેર્યું હતું અને તેમણે આ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરીને તેમાં સુધારો કરાવી દીધો હોવાનું અંતમાં જણાવ્યું હતું.

તારીખ આઠમી માર્ચના દિવસે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે સનદી અધિકારીઓને ઇલેકશન ઓબઝરવર તરીકેની કામગીરી સોંપવાની છે તેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં સીઇઓ ડૉક્ટર મુરલી ઉપરાંત લાંબી રજામાં ગયેલા આઈએએસ ઓફિસર કૃષ્ણ કુમાર નીરાલા સહીત દ્વારકા કલેકટર નરેન્દ્ર મીના, દાહોદના ડીડીઓ આર.કે.પટેલ ઉપરાંત એવા કેટલાક અધિકારી એવા છે જે ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સીધા અથવા આડકતરી રીતે સંકળાયેલા છે. આવી સ્થિતીમાં તેઓ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક તરીકે કેવી રીતે કામ કરી શકે તે એક મોટો પ્રશ્ન છે.