પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):

આદરણીય સવજીભાઈ ઘોળકીયા

આપને હું પહેલી વખત આ પ્રકારનો પત્ર લખી રહ્યો છું. પહેલા તો આપને ખુબ અભિનંદન કે આપ અમરેલીમાંથી થોડા વર્ષો પહેલા સુરત આવ્યા અને નાના પાયે શરૂ કરેલી એક નાનકડી શરૂઆતે આજે હરિકૃષ્ણ ડાયમંડનું નામ અને કામમાં  વિશાળ  સ્વરૂપ ધારણ કર્યુ છે, તે આપની મહેનત અને કુનેહને કારણે જ તે શક્ય બન્યુ છે. આપના મારફતે પાંચ હજાર કરતા વધુ રત્નકલાકારો સહિત આપના કર્મચારીઓને રોજગારી પણ મળે છે તે ઉત્તમ કામ છે, તેમાં કોઈ બેમત નથી.

આપણે ક્યારેય મળ્યા નથી પણ આપના અંગે છેલ્લા કેટલાય વર્ષોથી અખબારમાં વાંચ્યુ છે અને મારા સુરતના પત્રકાર મિત્રો પાસેથી જાણ્યુ છે. થોડા દિવસો પહેલા આપ હરિકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને દિવાળી નિમિત્તે 600 કાર આપી રહ્યા છો તેવા સમાચાર વાંચ્યા એટલે સહજ કૌતુક પણ થયુ અને સારૂ પણ લાગ્યુ. કારણ કે આ જમાનામાં ક્યો માલિક પોતાના કર્મચારીની પોતાના પુત્ર કરતા વધુ દરકાર રાખે? આ જાણી મને આપની અને આપના કામ અંગે જાણવાની ઉત્કંઠા વધી હતી. આમ પણ પત્રકારનો જીવ હોવાને કારણે કંઈક નવુ જાણવુ અને તે લોકો સુધી પહોંચાડવુ તે તો અમારા ડીએનએમાં હોય છે.

આપની દરિયાદિલીની સમજવા માટે મેં આપના જ કેટલાંક કર્મચારીઓને સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ  રીતે આપ પોતાના નફામાંથી કર્મચારીઓને છેલ્લાં કેટલાય વર્ષોથી કાર જેવી મોંઘી અને કિમંતી ભેટ આપી રહ્યા છો. હવે તો તમે આ પ્રકારે નવા ઘરની પણ ભેટ આપી રહ્યા છો તેવુ પણ જાણ્યુ છે. આ બધી બાબતો અને તમને સમજવા માટે મેં આપના કેટલાંક કર્મચારીઓનો સંપર્ક કર્યો, કારણ માલિક ગમે એટલો શ્રેષ્ઠ હોય અને કર્મચારીઓને માટે ઉત્તમ કરે તો પણ તેનું સાચુ મુલ્યાંકન તો કર્મચારી જ કરી શકે, કારણ હું પણ કોઈનો કર્મચારી હોવાને કારણે આ વાત જરા તમારા કરતા વધુ સારી રીતે સમજી શકુ છું.

મેં જ્યારે 600 કાર ભેટ આપવાની વાત આપના જુદા જુદા કર્મચારીઓ પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને કંઈક જુદુ જ જાણવા મળ્યુ. થોડીક ક્ષણ તો મને આઘાત લાગ્યો, કારણ તમારા જેવા માલિક અને શ્રેષ્ઠી આટલુ તો જુઠ્ઠુ બોલે  જ નહીં તેની મને પાક્કી ખબર છે, પણ જેમ જેમ સત્ય જાણવા હું આગળ વધતો ગયો તેમ તેમ મને સમજાયુ કે આપ જુઠ્ઠુ તો બોલતા નથી, પણ સાચુ પણ બોલતા નથી. તમે સત્ય અને અસત્યની વચ્ચે ઉભા છો તેવુ સ્પષ્ટ થયુ. તમારી જાહેરાત અને દાવા પ્રમાણે તમે કર્મચારીઓને બોનસ પેટે કાર આપી રહ્યા છો. આ જાહેરાત વાંચી અમારા છાપા અને ટીવીવાળા મિત્રો બહુ રાજી થયા અને અમારૂ કામ પણ લોકોના સુખમાં રાજી થવાનું છે. આપના પ્રસાર અને પ્રચારનું કામ કરતા આપના કર્મચારીઓને ખાસ અભિનંદન આપજો કારણ આપના અર્ધ સત્યને ઉત્તમ પેકેજીંગ કરી તેનું માર્કેટીંગ કરી તેમણે અમને તે માલ વેંચ્યો.

ગુજરાત સહિત દેશભરના ટીવી અને અખબારોમાં આપની સખાવતના સમાચાર આવ્યા. આમ પણ તમે નરેન્દ્ર મોદીની નજીક છો, આવુ તમે જાહેરમાં દાવો પણ કરતા હોવ છો અને આપને ત્યાં આવતા સરકારી અધિકારીઓને દમ મારવા માટે નરેન્દ્ર મોદીને ફોન કરૂ તેવી દાટી પણ મારતા હોવ છો, તેવુ મેં સરકારી અધિકારી પાસેથી પણ સાંભળ્યુ છે. ખેર તે જુદી વાત છે. તમારી કારની ભેટ આપવાની વાતથી નરેન્દ્ર મોદી પણ ખાસ્સા પ્રભાવીત થયા અને તેઓ પણ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આપના કાર્યક્રમનો હિસ્સો બન્યા, કાર્યક્રમ ખુબ સારો રહ્યો. ચાલો સારૂ થયુ તમને ખુબ પ્રતિષ્ઠા મળી પણ મુળ વાત જ્યારે મને કર્મચારીઓ પાસેથી જે જાણવા મળ્યુ તેની ખરાઈ કરવા મેં આપને ફોન કર્યો ત્યારે આપ થોડાક નારાજ થઈ ગયા, આપે મને પડકાર પણ ફેંક્યો કે ક્યો કર્મચારી આવુ કહે છે મને નામ આપ હું તમને કરોડ રૂપિયા આપીશ.

તમારી ઓફર તો લલચામણી હતી. મારા જેવા એક મધ્યમવર્ગીય માણસ માટે તો એક કરોડ રૂપિયા એટલે તો જાણે મારા નામે આખી રિર્ઝવ બેન્ક થઈ ગઈ હોય તેવુ લાગે. હું તમને નામ આપી કરોડ રૂપિયા લઈ પણ લેતો (જો તમે ખરેખર બોલેલુ પાળો તો) પણ પછી મને ખબર હતી કે હું જેનું નામ આપીશ તેની નોકરી તો જતી જ રહેવાની છે. નોકરી જવાની પીડા અને તેનો સંતાપ મેં મારા જીવનમાં અનેક વખત ભોગવ્યો છે એટલે મારી લાલચને રોકી મેં તમને કર્મચારીઓનું નામ આપ્યુ નહીં અને મારી જાણકારીની ખાતરી બાદ તે સ્ટોરી પ્રકાશીત કરી. હા જીએસટીના મુદ્દે ક્યાંક વિગત દોષ પણ રહી જવા પામ્યો હતો છતાં તમારો દાવો સત્યથી ખાસ્સો દુર અને મારી સ્ટોરી સત્યની ખાસ્સી નજીક હતી તેવો દાવો તો હું ચોક્કસ કરીશ. તમારા અંગે લખેલી સ્ટોરી ખાસ્સી વંચાઈ. મને આશ્ચર્ય પણ થયુ કે મારા  meranews.com જેવા નવા અને નાનકડા ન્યૂઝ પોર્ટલ ઉપર આવી વાંચકો કેમ તમારી સ્ટોરી ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં વાંચી રહ્યા છે.

હું ખોટુ બોલતો નથી, તમે પણ હજી મારા meranews.com  પર આવી વાંચકોના આંકડા જોઈ શકો છો, પણ આ સ્ટોરી કેમ વંચાઈ રહી છે તેની મેં તપાસ કરી તો બીજુ સત્ય જાણવા મળ્યુ કે આપનો દાવો ખોટો છે તેવુ સુરતના કોઈ અખબાર લખવા તૈયાર ન્હોતા. અખબાર સંચાલકોનો પણ વાંક નથી દિવાળી માથા ઉપર હોય ત્યારે ધંધો કોણ બગાડે? હું માલિક હોત તો તેમના જેવો નિર્ણય કરતો, આપના માટે કોઈ લખતુ ન્હોતુ અને અમે લખ્યુ માટે ખુબ વંચાયુ હતું. સ્ટોરી પ્રકાશિત થઈ તેનો ખુબ પ્રતિભાવ પણ મળ્યો, પ્રતિભાવ આપનારમાં મોટા ભાગના વાંચકોએ આપની ટીકા કરી જે પણ ફરી સ્ટોરી ખોલી વાંચી શકો છો. હા આપના  કેટલાંક ચાહકોએ ટીકા પણ કરી, રીસતર ગાળો પણ લખી. જો કે  મને મળેલી ગાળો પણ હજી અમે સાઈટ ઉપર સાચવી રાખી છે, કારણ પ્રસંશા કરતો વાંચક ગાળ પણ આપે તો તેને અમે તેનો અધિકાર ગણીએ છીએ. 

કેટલાંક વાંચકોએ પુછ્યુ અને કહ્યુ કે સવજીભાઈ જેવુ કરી તો જુઓ. ત્યારે થયુ કે સવજીભાઈ ધોળકિયા  જેવા મોટા થવુ તો ગમે પણ સવજીભાઈ કર્મચારી સાથે જે કરી રહ્યા  છે તેવુ તો કરવુ નથી. કોઈકે  પ્રતિભાવમાં લખ્યુ કે સવજીભાઈ કાર ભેટ આપે તેમાં તમારી કેમ બળે છે? મેં તેમને તો કંઈ કહ્યું નથી, પણ મારી જાતને  મજાકમાં કહ્યુ અમારી તો કાયમ બળેલી જ રહે છે. વાંચકો તો ઠીક પણ દેશી ગુજરાતીમાં કહીએ તેમ તમને પણ આ સ્ટોરી ખુબ ચચરી ગઈ, તમે તમારી ફેસબુક વોલ ઉપર લખ્યુ કે તમારા વિરોધીઓ ખોટી અફવા ફેલાવી રહ્યા છે, મારી ઉપર ટ્રસ્ટ રાખજો.

સવજીભાઈ તમારા અને મારા કુળદેવીના સોંગદ ખાઈ કહુ છું કે હું તમારા કોઈ વિરોધીને ઓળખતો નથી અને મળ્યો પણ નથી. તમે જો તમારા  વિરોધીઓના નામ આપશો તો ભવિષ્યમાં મારૂ કામ થોડુ આસાન થશે. વાત છે તમારી ઉપર ટ્રસ્ટ મુકવાની તો ગાંધીજી ગયા પણ ટ્રસ્ટીશીપ પણ  ખલાસ થઈ ગઈ છે એટલે આપણે તેની વાત કરતા નથી. તમે કહો છો તમે સખાવત કરી છે અને હું કહુ છું કે તમે ખોટી વાત કરો છો. ચાલો એક તબક્કે માની લઈએ કે હું ખોટો અને તમે જ સાચા છો, તો મારે તમને એટલુ જ કહેવાનું કે સખાવત ક્યારેય ઢોલ વગાડી કરાય નહીં. કોઈને કરેલી મદદ તો ટીનએજર્સ લપાઈ પ્રેમ કરે તેવી જ હોવી જોઈએ. આપણા તો શાસ્ત્રોમાં પણ કહેલુ છે કે દાન તો ગુપ્ત હોય, માલિક અને કર્મચારીનો સંબંધ પિતા-પુત્ર જેવો છે. કોઈ પિતા પોતાના સંતાન માટે જે કંઈ પણ કરે તે તો તેનો પ્રેમ અને ફરજ છે.

કોઈ પિતા ક્યારેય કહેતો નથી કે મેં મારા પુત્રને રોટલી ખવડાવી, મેં મારા પુત્રને ચડ્ડી લઈ આપી, મેં મારા પુત્રને પુસ્તક લઈ આપ્યા, મેં મારા પુત્રને ફિલ્મ બતાડી,  મેં મારા પુત્રને આઈસક્રીમ ખવડાવ્યો. આ બધુ જ કરતા કોઈ પણ પિતાને આનંદ થાય છે માટે તે કરે છે, કારણ પુત્ર તેનો છે. તમે ખરેખર ખરા હ્રદયથી તમારા કર્મચારીઓ માટે કંઈ કરતા હોત તો તમારે ઢોલ નગારા વગાડવાની જરૂર નથી કારણ ખોટુ જેમ છાનુ રહેતુ નથી તેમ સારૂ પણ છાનુ રહેતુ નથી. મારા જેવા પત્રકારો તમારા સુધી પહોંચી જતા હતા અને આદર સાથે લખતા પણ ખરા, તમે પિતા છો અને તમારો કર્મચારી તમારો પુત્ર છે, તમારે તેના માટે કાયમ ઉત્તમ અને તેની જ ભલાઈ માટે કરવાનું છે.

તમે મારી સાથે વાત કરી ત્યારે કેટલાક ભારેખમ અંગ્રેજી શબ્દો પણ બોલતા હતા. તમે કહ્યુ કે તમે કર્મચારીઓને ઈન્સેન્ટીવમાં કાર આપી રહ્યા છો, સવજીભાઈ આ તો કેવી વાત થઈ, હું મહેતન કરી પૈસા કમાઉ, બેન્કમાં જમા કરાવુ અને મારા પૈસા જમા થઈ જાય પછી હું તેમાંથી કાર અથવા ઘર ખરીદુ તો નરેન્દ્ર મોદી કહેશે કે તેમણે મને ઘર અને કાર  લઈ આપ્યા. હું કહીશ મોદી સાહેબ જુઠ્ઠુ બોલશો નહીં. તો તેઓ કહેશે કેમ તમે મારી બેન્કમાં પૈસા ન્હોતા મુક્યા તો મેં  જ તમને  પૈસા આપ્યા તેવુ જ કહેવાયને? સવજીભાઈ તમારી દલીલ આવી છે. તમારા એક નાનકડા રત્નકલાકારની અભણ પત્નીને પણ સમજાય છે  તેનો પતિ રાત દિવસ અને તહેવાર જોયા વગર મહેનત કરે છે ત્યારે તેને તમે કાર આપી રહ્યા છો, તે પણ તેના પોતાના જ પૈસામાંથી છતાં તે સ્ત્રી બોલતી નથી કારણ તમે તેના માલિક છો.

ખેર જરા લાંબુ લખાઈ ગયુ, તમે નારાજ તો જરૂર થશો પણ મેં કહ્યુ તેની ઉપર એક વિચાર પણ કરજો. તમારા પરિવાર સાથે પણ એક વખત વાત કરજો અને નક્કી કરજો કે આવતા વર્ષે તમારા કર્મચારીનું બોનસ તેને રોકડમાં આપ્યા પછી પણ તમે તમારો નફો ઓછો કરી તેને કોઈ પણ એક સારી ભેટ આપજો અને તે વાત છાની રાખજો કારણ મારા ગુરૂ અને જાણિતા કવિ ધુની માંડલીયાની પંક્તિ ટાંકી પત્ર સમાપ્ત કરૂ છું  ‘એ હવા તારી સખાવતને સલામ ક્યાંય તારા નામની તકતી નથી ...., દિવાળીની આપને આપના પરિવાર અને કર્મચારીને ખુબ શુભેચ્છાઓ. 

આપને નારાજ કરનાર આપનો દોસ્ત 

પ્રશાંત દયાળ 

મેરાન્યૂઝ દ્વારા સવજી ધોળકિયાએ વિશે કરેલ અગાઉની સ્ટોરી વાંચવા નીચેની હાઇપર લિંક પર ક્લિક કરો.

સુરતના સવજી ધોળકિયાએ હિરાઘસુઓની સાથે PM મોદીને પણ મુર્ખ બનાવ્યા: જાણો કેવી રીતે