પ્રદિપસિંહ કુશળ હશો 

‘વંદેમાતરમ’  આમ તો તમને જ્યારે  ટોળુ જુવો ત્યારે વંદેમારત યાદ આવે છે, બાકી તમારે મન ‘વંદેમારતમ’ કેટલું મહત્વનું છે તે હું સારી રીતે જાણું છું. આમ તો વિજય રૂપાણીના સમાચાર બાદ તમે જે ધમકીભરી ભાષામાં પોસ્ટ મુકી તેનો કોઈ જવાબ આપવાના મુડમાં હું ન્હોતો, તેનું પહેલું કારણ તો એવું હતું કે તમારા અંગે કંઈ પણ લખવા માટે તમારૂ કદ બધી રીતે નાનુ છે અને તમારા માટે સમાચારમાં જગ્યા ફાળવવી જોઈએ તેવું પણ મને લાગતું ન્હોતું, આમ છતાં મારા સાથી પત્રકાર દ્વારા અમદાવાદ મીરરમાં સમાચાર લખવામાં આવ્યા તેના કારણે હવે હું લખું છું. વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે રહે અથવા જાય તેની સાથે એક પત્રકાર તરીકે અમને કોઈ ફેર પડતો નથી, પણ એક સાદી સમજ આપુ કે જે જન્મે છે તે તમામનું મૃત્યુ થાય છે તેમ જે મુખ્યમંત્રી બને છે તે તમામને એક દિવસ ગાદી છોડવી પડે છે, મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન થવાનું બધાની તકદીરમાં હોતુ નથી. છતા રૂપાણી માટે તમને કેમ માંઠુ લાગ્યું તેની મને ખબર નથી.

બીજા એક ક્રિકેટના સાદા નિયમની સમજ આપું, જો તમારે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જોઈતું હોય તો તમારે ધોનીની નહીં પણ વિરાટ કોહલીની ટીશર્ટ પકડવી પડે, તમને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોતાનો ઝભ્ભો પકડવા દેતા નથી, તે તમારી આખી ભારતીય જનતા પાર્ટી જાણે છે, તેના કારણે તમારી પાસે હાલમાં વિજય રૂપાણીનો ઝભ્ભો પકડવા  સિવાય કોઈ વિકલ્પ નથી અને તેની પણ અમને ખબર છે. તમે વિજયભાઈનો ઝભ્ભો પકડો કે ભરત પંડયાનો ઝભ્ભો પકડો તે અમારો વિષય નથી. ખાલી નરેન્દ્ર મોદી જેવો ઝભ્ભો પહેરાવાથી આપણે નરેન્દ્ર મોદી થઈ જતા નથી. નરેન્દ્ર મોદી થવા માટે વર્ષો સુધી ઘરની બહાર રહેવું પડે છે, સંઘની ઓફિસમાં જમીન ઉપર સુઈ જવું પડે છે. તમે જે નરેન્દ્ર મોદીને જોયા છે તે સીધા લાલ લાઈટવાળી કારમાં જ ફરતા જોયા છે, પણ અમે નરેન્દ્ર મોદીને ગીરીશ દાણી અને મનોજ ભીમાણી દ્વારા મિત્રતામાં આપેલી કારમાં પણ ફરતા જોયા છે.

હવે મુળ વાત ઉપર આવી જઈએ, વિજય રૂપાણી રાજીનામુ આપશે તેવા સમાચાર પ્રસિધ્ધ થયા તેની સામે તમારો મુળ વાંધો છે, અમારી પાસે જે માહિતી આવી તે અમે પ્રસિધ્ધ કરી, તમારી જાણ માટે અમારી પાસે માહિતી આવી તે તમારા ભાજપના સુત્રમાંથી જ આવી છે. આ માહિતી અમને કોઈ કોંગ્રેસના મનિષ દોશી અથવા જયરાજસિંહ પરમારે આપી નથી. આ માહિતી ખોટી છે તેવું તમે કહી શકો, આ અફવા છે તેવું પણ તમે કહી શકો કારણ જેમ અમારો સ્ટોરી લખવાનો અધિકાર છે તેમ તમને તમારી ભાષામાં અમને વખોડવાનો પણ અધિકાર છે. ભાજપ સોશિયલ મીડિયા સેલ પાસે સારા ડીઝાઈનર હોવાને કારણે તમે સારી ડીઝાઈનમાં પોસ્ટ બનાવી મુકી તેની સામે પણ વાંધો પણ નથી. તમને તમારી નારાજગી બતાવવાનો પુરો અધિકાર છે.

પણ તમે તેના કરતા એક પગલુ આગળ વધ્યા, તમે કહી દીધું કે શાનમાં સમજી જાઓ, આ તમારી ધમકીની ભાષા થઈ, તમને લાગે છે કે કેટલાક પત્રકારો કોંગ્રેસના ઈશારે આવી સ્ટોરી લખે છે, પણ ભાઈ કોંગ્રેસને વિજય રૂપાણીના જવાથી ફેર પડતો નથી, કોંગ્રેસને તો ભાજપની આખી સરકાર જાય તો ફાયદો થાય તેવું તમને વોર્ડ કક્ષાનું સામાન્ય રાજકારણનું ગણિત પણ સમજાતુ નથી. તમારા રાજકિય જન્મ પહેલાથી હું પત્રકારત્વમાં છું, તમારી ભાજપની ખાનપુર ઓફિસે માત્ર પાંચ પત્રકારો આવતા હતા, તે પૈકીનો એક હું પણ છું, ત્યારે પત્રકારોના ટોળા પાલડીની કોંગ્રેસ ઓફિસે જતા હતા, કારણ સરકાર કોંગ્રેસની હતી અને કોંગ્રેસ પણ તમારી જેમ ભ્રમમાં હતી કે અમારો કોઈ વિકલ્પ નથી. તમારી જેમ વર્ષો સુધી સત્તામાં રહેવાને કારણે કોંગ્રેસના શાસનમાં પણ અરાજકતા વ્યાપી ગઈ હતી.

અત્યારે અમે ભાજપ સામે રિપોર્ટિંગ કરીએ છીએ ત્યારે આ જ પ્રકારનું અમે કોંગ્રેસ સામે પણ લખતા હતા. ખેર ત્યારે કદાચ તમે છાપા પણ વાંચતા થયા નહીં હોવ... તેના કારણે પત્રકારોએ કોંગ્રેસ સામે કેટલું લખ્યું તેની તમને ખબર જ નથી. હવે તમારી પાસે માહિતીના અભાવ અને સમજની સમસ્યાને કારણે તમે અમને કોંગ્રેસ સાથે જોડી દો તે વાજબી નથી. અમે કોંગ્રેસ સામે કેટલુ લખતા હતા, તેના સાક્ષી હવે તમારા થઈ ગયેલા નરહરિ અમીન, જયંતિ પરમાર અને હિતેશ પોચીને પુછી શકો છો, કદાચ તે માહિતી તમને  ભવિષ્યમાં પણ અમારી વિરૂધ્ધ કોઈ પોસ્ટ મુકતા પહેલા કામ આવશે. આમ તો હું તમને કહેવાનો હતો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પુછી લો, કારણ કોંગ્રેસને સત્તામાંથી કાઢવા માટે અમે અનેક દિવસો સાથે કામ કર્યું અને રિપોર્ટિંગ કર્યું હતું, પણ મને ખબર છે તમારી પહોંચ મોદી અને અમિત શાહ સુધી નથી માટે...

આજે ગુજરાતની પ્રજાના મનમાં કોંગ્રેસ માટે જે ધૃણા છે તેમાં તમારી  મહેનત નહીં પણ ગુજરાતના પત્રકારોએ કોંગ્રેસ વિરૂધ્ધ લખેલી સ્ટોરીઓ છે, પણ ત્યારે તમે બહુ નાના હતા, એટલે તમને ખબર નથી અને જેમને ખબર છે તેવા તમારા રાજ્ય અને કેન્દ્રના નેતાઓ પોતાના જુના દિવસો ભુલી ગયા છે. ઈન્દીરા ગાંધીના શાસનમાં પણ આવુ જ હતું, ઈન્દીરાનો સુર્ય મધ્યાને તપતો હતો, ત્યારે કોંગ્રેસીઓ પણ તમારો જેવો જ વ્યવહાર કરતા હતા. એટલે ભાઈ ભાજપની સરકાર ના હોય ત્યારે આપણે પાસે ચાર મિત્રો અને ચાર માણસો આપણે કેમ છો.. પુછે એટલે સારો વ્યવહાર તો આપણે રાખી શકીએ. અત્યારે ભાજપનું શાસન શ્રેષ્ઠ છે માટે તમે ચૂંટાઓ છો તેવું પણ નથી, પણ દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ માયકાંગલી અને લકવાગ્રસ્ત છે તેનો તમને ફાયદો થઈ રહ્યો છે.

મને કોંગ્રેસ સત્તામાં આવે તેવું હમણાં તો લાગી રહ્યું નથી, પણ દાઉદ કરતા લતીફ સારો તેવું માની પ્રજા કોંગ્રેસને સત્તા સોંપે તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમારી પેન કોંગ્રેસ સામે પણ આટલી જ ઉગ્રતાપુર્વક લખશે. આમ તો તમે કોઈના માટે સારૂ બોલી શકતા નથી, છતાં તમે ઈશ્વરને પ્રાર્થના કરજો કે અમને સારૂ સ્વસ્થ અને લાંબી ઉંમર આપે જેથી કરી જ્યારે કોંગ્રેસની સરકાર હોય ત્યારે પણ લખવા માટે જીવતા હોઈએ. આમ તો બહુ લાંબો પત્ર લખાઈ ગયો છે, તમે અમને શાનમાં સમજવાનું કહ્યું એટલે તેમને વિગતવાર સમજાવવા પડયા.  ઈશુએ જેમ કહ્યું હતું કે જે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે તેમ હું પણ તમે કહું છું જેની પાસે ગુમાવવા જેવું કઈ ના હોય તેણે પથ્થર હાથમાં લેવો જોઈએ. અમારી પાસે ગુમાવવા માટે સંપત્તી અને ધંધો નથી, તમે અમારા માલિકને કહી અમારી નોકરી  લઈ શકો છો અથવા કોઈ માર્ગ અકસ્માતમાં અમારો જીવ લઈ શકો છો, ઈશ્વર તમને સુઝાડે તેવું કરજો...

પણ તમારી ઉંમર હજી નાની છે, રાજકારણમાં ખુબ મોટા થવાનું છે, તેના માટે શરિરની નહીં મન અને સમજની ઉંચાઈની જરૂરી છે. લાલ બહાદુર શાસ્ત્રીની શારિરીક ઉંચાઈ પણ ઓછી હતી. છતાં તેઓ દેશના શ્રેષ્ઠ રાજકારણી થઈ શકયા કારણ તેમની પાસે સરળ હ્રદય હતું. મને  લાગે છે આટલુ જ બસ છે.

                                                                       તમારો

                                                                     પ્રશાંત દયાળ