ભુપેન્દ્રસિંહ બાપુ

વંદેમાતરમ

ગુજરાતમાં સંધ અને ત્યાર બાદ જનસંઘ ત્યાર  પછી 1980માં ભાજપની સ્થાપના થઈ તેના સાક્ષી હવે ગુજરાત ભાજપમાં બહુ ઓછા લોકા રહ્યા છે. તે પૈકીના આપ એક અને મુખ્ય માણસ છો. આજે ગુજરાત વિધાનસભામાં મંત્રીમંડળની બેઠકમાં આપ ભલે ત્રીજા નંબરે બેસતા હોવ પણ તેના કારણે તમારી સિનિયોરીટી અને જુના માણસ તરીકેની સંવેદનશીલતા ઘટી જતી નથી. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું અને પ્રજા પરેશાન હતી ત્યારે ભાજપને ગુજરાત વિધાનસભા સુધી લાવવા માટે તમે તમારા પગના તળીયા પણ ઘસી નાખ્યા છે તેમાં કોઈ બેમત નથી. જ્યારે તમને મંત્રીમંડળમાં શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો ત્યારે મનને એક પ્રકારની અજાણી ટાઢક થઈ હતી. છેલ્લાં વીસ વર્ષમાં ભાજપના શાસનમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયુ તેમાં હવે તમારા આવવાથી બ્રેક વાગશે તેવી ઉંડે ઉંડે આશા હતી.

બાપુ તમે જ્યારે ભણતા હતા ત્યારે તમારી શાળાની ફિ એક-બે રૂપિયા હશે અને તમારા બાળકો ભણ્યા ત્યારે દસ-વીસ રૂપિયામાં ભણ્યા હશે. તમારૂ શિક્ષણ તમારા પિતાને અને તમારા બાળકોનું શિક્ષણ તમને ક્યારેય ભાર રૂપ લાગ્યુ ન્હોતુ, પણ આજે તમારા પૌત્રની કેટલી ફિ છે તે એક વખત તમારા પરિવારને પુછી લેશો. બાપુ છેલ્લાં વીસ વર્ષમાં ગ્રાન્ટેડ સ્કૂલ શિક્ષણના વ્યાપારીકરણમાં ટકી શકી નહીં અને ક્રમશ: બંધ થવા લાગી, ત્યારે સરકારી શાળાઓની સ્થિતિ અંગે તો બોલવા જેવુ જ રહ્યુ નથી. વાંક માત્ર તમારો પણ નથી, મારા અને તમારા પિતાને ક્યારેય આપણે ફાંકડુ  અંગ્રેજી બોલીએ તેવી ઈચ્છા ન્હોતી. પણ હવે દરેક માતા-પિતાને એવુ લાગવા માંડ્યુ કે તેના બાળકને ગુજરાતી નહીં આવડે તો ચાલશે પણ અંગ્રેજી તો શ્રેષ્ઠ આવડવુ જ જોઈએ.

તેનો ફાયદો શિક્ષણને માત્ર વેપાર સમજનાર સંચાલકોએ ખુબ ઉઠાવ્યો. પહેતા તો દેખાદેખીમાં ટાઈ પેન્ટવાળી સ્કૂલમાં પોતાના બાળકને ભરતી કરાવી દીધા અને પણ ધીરે ધીરે બાળકની કમર ભારે સ્કૂલ બેગ અને પિતાની કમર ચાર અને પાંચ આંકડામાં લેવાની મોટી ફિને કારણે વાંકી વળી ગઈ. હવે વાલી પાસે ફિ ભરવા સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી, કારણ જે ગ્રાન્ટેડ શાળાઓ હતી તે બંધ થઈ ગઈ છે અથવા બંધ થવાના આરે છે. બાપુ આ સ્થિતિ ભયજનક છે. સરકારનું કામ શાસન કરવાનું છે પણ સરકાર જ શાસનકર્તા છે તેવી  પ્રતિતી દરેક ક્ષેત્રમાં થવી જોઈએ. શિક્ષણ વિભાગમાં તો એવુ થયુ જાણે શિક્ષણને અને સરકારને કોઈ નિસ્બત જ નથી તેવી દશામાં તમારો વિભાગ આવી ગયો. શિક્ષણ વિભાગ માનવા લાગ્યો કે તેમની જવાબદારી માત્ર ઝુપડપટ્ટીના ગરીબ બાળકો ભણાવવાની છે અને તે શાળાઓની પણ સ્થિતિ શુ છે તમે જાણો છો.

સમાજનો બહુ મોટો વર્ગ મધ્યમ વર્ગી છે, તેની  સમસ્યા જ મધ્યમ વર્ગના હોવાની છે. તે પોતાના બાળકને કહી શકતો નથી તે તેના પાસે પૈસા નથી અને તે વર્તમાન સમયમાં વધી રહેલી રહેલી ફિ સાથે તાલમેલ પણ કરી શકતો નથી. કોઈ સંચાલક શિક્ષણને વેપાર સમજે તેમા પણ વાંધો નથી પણ વેપારમાં પણ પોતાના કેટલાક નિયમ છે. કરિયાણાની સામાન્ય દુકાનમાં મળતા ઘઉંના લોટ અને મોલમાં મળતા ઘઉંના લોટમાં સામાન્ય ફેર હોય છે. પણ મોલમાંથી માત્ર શ્રીમંતો જ ખરીદી શકે એટલો ભાવનો તફાવત હોતો નથી. તો પછી ગ્રાન્ટેડ સ્કૂલો અને ખાનગી શાળામાં ફિ નો તફાવત આટલો મોટો કેમ છે? બાપુ આવુ થવા પાછળના કારણથી પણ તમે વાકેફ છો. આ શાળા સંચાલકો બહુ ચાલાક છે. તેમને પોતાની કોઈ સ્કૂલમાં તમારા ભાજપવાળાને ભાગીદાર બનાવી દીધા તો ક્યાંક કોંગ્રેસવાળાને ભાગીદાર બનાવી દીધા.

આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે રાજ્યની સાંઈઠ ટકા કરતા વધુ સ્કૂલો ભાજપ અને કોંગ્રેસના નેતાઓની થઈ છે. જેના કારણે તમારા અધિકારીઓ પણ તેમની સામે પગલાં ભરી શકતા નથી. મામલો પેચીદો છે તેની ના નથી. પણ સરકાર પેચીદો મામલો છે તેમ કહી હાથ ખંખેરી શકે નહીં. ગત ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવતી હોવાને કારણે આપણે ઉતાવળમાં કાયદો બનાવી દીધો અને આપણે ગુજરાતના શિક્ષણ જગત માટે ઐતિહાસિક કાયદો બનાવી દીધો તેવા હોડિંગ પણ લગાવી દીધા હતા, ત્યારે વાલીઓ અને બાળકો ખુશ થયા હતા પણ બાપુ તમે જાણતા હતા ફિ નિર્ધારણનો કાયદો દારૂબંધીના કાયદા જેવો પાંગળો અને સરકારની ઈચ્છા શક્તિના અભાવ સાથેનો હતો. તમે ફિ નક્કી કરવાનો કાયદો તો બનાવ્યો પણ કાયદો પાંગળો પુરવાર થયો.શાળા સંચલાકો તમને ગાંઠતા નથી, એક શિક્ષણ મંત્રી તરીકે અને એક ક્ષત્રિય તરીકે પણ તમને કાયદો તોડનાર સામે ગુસ્સો આવવો જોઈએ પણ તેવુ થયુ નથી.

આ દેશની ન્યાય વ્યવસ્થા કેવી છે તે મારે કહેવાની જરૂર નથી કારણ તમારી પાસે કાયદા વિભાગ પણ છે. જે પિતા ન્યાય માંગવા માટે કોર્ટમાં જાય ત્યારે તેના પૌત્રને ન્યાય મળે છે. ફિ નક્કી કરવાના કાયદાને સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને બીજી તરફ વાલીઓના ખીસ્સા બળજબરીપુર્વક ખાલી કરવાની પ્રવૃત્તી ચાલુ રાખી છે, સંચાલકો વાલીના લમણે બાળકને નાપાસ કરવામાં આવશે તેવી ધમકી રૂપી રીવોલ્વર મુકી ઉભા છે અને તમે મામલો કોર્ટમાં છે તેમ કહી તમાશો જુઓ તે મને વાજબી  લાગતુ નથી. હું સરખામણી કરતો નથી, માત્ર આપનું ધ્યાન દોરુ છું. દિલ્હીમાં કેજીરવાલ સરકારે ઉંચી ફિ  લેતી શાળાઓ સરકાર હસ્તક લઈ લીધી છે તેવુ ગુજરાતમાં કેમ થઈ શકે નહીં. પૈસા બધાને કમાવવા છે પણ રાજ્ય કોઈને લુંટ કરવાનો પરવાનો આપી શકે નહીં. બાપુ તમે કહો છો કે મામલો સુપ્રિમ કોર્ટમાં છે. તો અહીં સવાલ પુછવાનું મન થાય છે કે તમે સુપ્રિમ કોર્ટના બધા આદેશ માનો છો? ફિલ્મ ‘પદ્માવત’ ને ગુજરાતમાં રિલિઝ કરવાનો સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો ત્યારે તમે આદેશના પાલનની જગ્યાએ પ્રજાની લાગણીની સાથે છીએ કહીને થિયેટર્સ માલિકોને પોતાની તરફી કરી લઇ ફિલ્મ રિલિઝ થવા દીધી ન હતી. ત્યારે ફી વધારા મામલે તમે પ્રજાની લાગણી સાથે કેમ નથી દેખાતા?

પ્રજા લૂંટાતી હોય ત્યારે શાસક હાથ ઉપર હાથ રાખી બેસી શકે નહીં, લૂંટ કેવી રીતે રોકી શકાય તે જોવાનો પ્રશ્ન રાજ્યનો છે કારણ પ્રજાએ તમને શાસન સોંપ્યુ છે તો શાસનનો દંડ પણ તમારા હાથમાં હોવો જોઈએ. બાપુ આજે તમારા અને તમારા પુત્રની આર્થિક સ્થિતિ એક મધ્યમવર્ગના માણસ જેવી હોત તો તમારા પૌત્રની આટલી મોંઘી ફિ પરવડતી ? વધારે કંઈ લખાઈ ગયુ હોય તો ક્ષમા કરશો પણ એક વખત પોતાના અંતરાત્મા સાથે વાત કરી જે થઈ રહ્યુ છે તે યોગ્ય છે? તે અંગે વિચાર કરશો. તમારી પાસે અપેક્ષા છે માટે પત્ર લખી રહ્યો છું બાકી તમારી સાથે હરોળમાં બેસનાર અન્ય પાસે તો અપેક્ષા રાખવી પણ મુર્ખતા છે.

આપનો

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ)