પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  

નરેન્દ્રભાઈ

હવે તમે દેશના વડાપ્રધાન છો તેના કારણે તમને દેશના વડા તરીકે તમામ પ્રકારનો માનમરતબો મળવો જોઈએ. તમે જ્યારે વડાપ્રધાન થયા ત્યારે હું મારા મિત્રોને મજાકમાં  કહેતો કે હવે હુ પ્રાઈમ મિનિસ્ટર ઓફિસમાં ફોન કરૂ તો બસ મારે માત્ર પ્રશાંત દયાળ જ કહેવાનું છે. કારણ દેશના પ્રધાનમંત્રી મને ઓખળે છે. મને બરાબર યાદ છે કે હું પત્રકારત્વમાં દાખલ થયો તે જ અરસામાં તમે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાંથી ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે આવ્યા હતા. તમારા આગમનને કારણે દેશી પધ્ધતિથી ચાલી રહેલી ગુજરાત ભાજપમાં જાણે નવો પ્રાણ ફિંકાયો હતો અને તમે આવ્યા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી વિવિધ શહેરમાં ભાજપની વિજય પતાકા લહેરાવા લાગી હતી. હું  વ્યક્તિગત રીતે પણ તમારાથી પ્રભાવિત હતો.

તમારા તરફ આકર્ષિત થવા પાછળના કારણો અનેક હતા. જેમાં મોટા અંશે કોંગ્રેસ પણ જવાબદાર હતી. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાંબા સમયથી હતું. કોંગ્રેસના ઘણા નેતાઓ ભ્રષ્ટ અને ઐયાશ થઈ ગયા હતા. આટલુ જ નહીં સત્તા ઉપર રહેવા માટે કોંગ્રેસે મુસ્લિમ ગુંડાઓનો ભરપુર ઉપયોગ કર્યો હતો. જેમાંથી લતીફ જેવા ગુંડાનો જન્મ થયો અને લતીફે ગુજરાતને બાનમાં લીધુ હતું. મારા જેવા નાના પત્રકારો અને એક એક હિન્દુ માનવા લાગ્યો હતો કે કોંગ્રેસ એટલે મુસ્લિમોની પાર્ટી. જો કે આ વાત અમારા મનમાં ઠસાવવામાં તમારી ભુમિકા મહત્વની હતી. જેનું પરિણામ તમને 1995માં મળ્યું અને કોંગ્રેસ ક્રમશ: ગુજરાતમાંથી સાફ થઈ. અમને બહુ સારૂ લાગ્યુ હતું. ભાજપ સત્તા ઉપર આવે તેવી મનથી ઈચ્છા હતી.

તમે પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી છો તેવો તમારો દાવો છે. તમારી ડિગ્રી અંગે ભલે વિવાદ હોય પણ તમે સાબિત કરી આપ્યુ કે તમે કોંગ્રેસને જ નહીં તમારા નેતાઓને પણ પોલિટિક્સમાં મ્હાત કરી શકો તેમ છો. 1990માં અયોધ્યા યાત્રામાં તમે લાલકૃષ્ણ અડવાણીના સારથી હતી. તમારા આયોજનને કારણે સમગ્ર દેશમાં હિન્દુત્વનું મોજુ ફરી વળ્યુ હતું. જો કે તમે જેમના સારથી હતા તેવા અડવાણી સહિતના નેતાઓ જેમાં મુરલીમનોહર જોષી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી જેવા દિગ્ગજ નેતાઓને પણ તમે પુરા કરી નાખ્યા. ખેર તે જુદી વાત છે. તમારા આંતરિક વિવાદમાં અમારે બોલવુ જોઈએ નહીં કારણ તેમણે જેવુ કર્યુ તે હવે ભોગવી રહ્યા છે. તમે દેશના નેતાઓનો પહેલા ઉપયોગ કર્યો અને ગુજરાતમાં કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, અશોક ભટ્ટ, વજુવાળા  કાશીરામ રાણા, જયનારાયણ વ્યાસ જેવા નેતાઓને ખતમ કરી નાખ્યા. જો કે આ યાદી બહુ લાંબી છે એટલે બધાના નામ લખતો નથી.

તમારી આંગળી પકડી ભાજપમાં આવેલા સંજય જોષી તો બહુ બદનામ થઈ ગયા અને તેમને ભાજપ છોડી દેવુ પડ્યું. તમને એલિસબ્રીજ વિધાનસભાની બેઠક ખાલી કરી આપવાની ના પાડનાર હરેન પંડ્યાની હત્યા થઈ ગઈ. 2002માં તમે મુખ્યમંત્રી થયા ત્યાર પછી જેમણે પણ તમારી સામે આંખ ઉંચી કરી તેઓ ક્યા ખોવાઈ ગયા તેની ખબર જ પડી નહી. જો કે તેમાંથી કેટલાંકની સ્થિતિ જેમાં ગોરધન ઝડફિયા, સુનીલ ઓઝા, ગીરીશ પરમાર જેવા નેતાઓની સ્થિતિ એટલી ખરાબ થઈ કે તમારી સામે સભાઓ કર્યા પછી કમલમના નાક રગડી પાછા આવવુ પડ્યું. જેઓ અકડુ હતા તેઓ ખોવાઈ ગયા. જયનારાયણ વ્યાસ જેવા નેતાઓ જેમને તમે પુરા કરી નાખ્યા અને જે તમારો પડછાયો પણ લેવા માગતા નથી તેવા નેતાઓ પોતાની ધાર્મિક ટીવી ધારાવાહિક છોડીને પણ ચૂંટણી વખતે તમારા બચાવમાં ભાજપના પ્રવક્તા તરીકે આવી જાય છે.

તમે ખરેખર શતરંજના માહિર ખેલાડી છો. તમારો જેવો ખેલાડી તો દેશને ઈન્દીરા ગાંધી પછી તમે જ મળ્યા છો. મીડિયાવાળા ભલે તમારી ઉપર 2002ના તોફાનો તમે કરાવ્યા તેવો આરોપ તમારી ઉપર મુકતા હોય પણ હું તેની સાથે સંમત નથી. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસ સળગી ત્યારે આપણે ત્યાં જ મળ્યા હતા, ત્યાર પછી તોફાનો હિન્દુઓના ગુસ્સાનું પ્રતિબિંબ હતું. હિન્દુઓનો ગુસ્સો તમારી અને તમારી ભાજપ સરકાર ઉપર હતો. હિન્દુ સરકાર હોવા છતાં 57 હિન્દુઓ સળગી ગયા હતા. તમારા માટે શાંત રહેવુ જરૂરી હતું, શાંત રહેવામાં જ તમારો ફાયદો હોવાના કારણે રાજ્યમાં 2000 લોકો મરી ગયા. તમારી ઉપર હિન્દુ હોવાનો આરોપ  મુકાયો પણ તમને તેમા ફાયદો દેખાયો. 2002ની ચૂંટણીમાં તમે મીયા મુશરફને ગાળો આપી ચૂંટણી જીતી લીધી, 2007માં તમારો સુર બદલાયો.

તમને ખબર હતી કે હિન્દુ નેતાની છબી હવે તમને ફાયદો કરાવી શકે તેમ નથી એટલે તમે સદભાવના ઉપરવાસ શરૂ કર્યા. તમને રંગ બદલતા આવડે અને તેનો સંકોચ પણ થતો નથી. જો કે તમે રાજકારણી છો એટલે કદાચ આ ધંધાની અનિવાર્યતા હશે. દેશને કોગ્રેસ મુક્તની વાત કરતા તમે કોંગ્રેસીઓને જ ભાજપમાં ભરતી કરવાની શરૂઆત કરી. ભાજપ દેશના રાજકારણની ગંગા છે તેમાં આવનાર દેશનો કોઈ પણ પક્ષનો ભ્રષ્ટ નેતા પવિત્ર થઈ જાય છે. તમે દેશના અનેક નેતાઓને પવિત્ર કર્યા છે તે તમારી આધ્યાત્મક સિધ્ધી છે. તમને ખબર પડી કે હવે ભગવાન રામના સહારે સમુદ્ર પાર થાય તેમ નથી એટલે તમે ગુજરાતના પાટનગરમાં આવેલા 100 કરતા નાના મોટા મંદિરો વિકાસના નામે તોડી નાખ્યા.

અમે પણ રૂઢીચુસ્ત લોકો નથી. રસ્તા ઉપર અચાનક  પ્રગટ થઈ ગયેલા ભગવાન રસ્તો રોકી બેસે તે અમને પણ મંજુર ન્હોતુ. મંદિરો તોડ્યા કંઈ વાંધો નહીં પણ આ વાત તમારા સાથી ડૉ. પ્રવિણ તોગડીયાને ખટકી. જો કે આમ તો તમે એક જ દુકાનના ભાગીદાર હતા પણ પછી ધંધામાં વાંધો પડ્યો, વાંધો શુ પડ્યો તે વાત તમે બંન્ને જાહેરમાં બોલી શકો તેમ નથી. તમને ખબર પડી કે હિન્દુત્વની દુકાનમાં તોગડીયા તમારો ધંધો બગાડી શકે છે તમે તેમનું નિયોજન કરી નાખ્યું. બરાબર છે, તમે તેમને અડવાણી તરફ મોકલી આપ્યા, આ બધા કૌવત વગરના નેતાઓ તમારૂ કંઈ બગાડી શકે તેમ નથી કારણ તમારો સુર્ય અત્યારે ઉચ્ચનો છે. તમે જ્યોતિષના જાણકાર છો, બગલામુખીની પુજા પણ કરાવો છો, કરાવતા રહો, ભગવાન રામને બાજુ ઉપર મુક્યા કારણ તમારે રામ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી.

2012ની ચૂંટણી તમે વિકાસના નામે લડી કારણ ઉંટની નજર રણ તરફ જ હોય તેમ તમે દિલ્હી જોઈ રહ્યા હતા. તમે 2014માં પ્રધાનમંત્રી થયા, તમને ગાળો આપવાનો હવે કોઈ અર્થ ન્હોતો, તમને કોઈ પસંદ કરે કે ન કરે પણ દેશની જનતાએ તમને પસંદ કર્યા અને સુકાન સોંપ્યુ હતું, તે વાસ્તવિકતા હતી. તમે દેશના રાજકારણ-અર્થકારણને સમજો તે માટે તમને કામ કરવાનો સમય મળે તે જરૂરી હતો. તમારાથી ભુલો પણ થવાની હતી પણ તે માટે અમે તૈયાર હતા. અમને આશા હતી કે ખરેખર અમારા જીવનમાં સારા દિવસો આવશે. તમે નોટબંધી લાવ્યા ત્યારે પણ મેં કહ્યુ માત્ર નરેન્દ્ર મોદીનો નિર્ણય છે માટે આપણે નોટબંધીની ટીકા કરીએ તે વાજબી નથી. તેના પરિણામો સુધી રાહ જોવી જોઈએ અને પરિણામો દેશે જોઈ લીધા છે.

ભુલ શાસન કરનારથી જ થાય કંઈ વાંધો નહીં, અમે પાંચ વર્ષ સુધી વિકાસની રાહ જોતા રહ્યા, અમને હતું કે 2019 પણ તમે તમારા વિકાસના  ત્રાજવે લડશો પણ અચાનક તમે ભગવાન રામને યાદ કર્યા. આમ તો રામનું નામ સારા પ્રસંગે અને મરણ પ્રસંગે લેવાય છે. તમે ક્યા સંદર્ભમાં રામનું નામ લેવાની શરૂઆત કરી તેની ખબર નથી. અમે હિન્દુ છીએ, ભગવાન રામમાં અમારી પણ શ્રધ્ધા છે પણ અમે મુર્ખ નથી. અયોધ્યામા રામ મંદિર બને તો અમને ગૌરવ છે પણ તમારૂ ટાઈમીંગ શંકાસ્પદ છે. આમ તો ભાજપ માટે સંઘ સર્વોપરી હોય છે પણ સંઘમાં ખસીકરણનો કાર્યક્રમ કરી નાખ્યો પણ કોણ સર્વોપરી છે તે કહેવુ મુશ્કેલ છે. મોહન ભાગવતને પણ ચાર વર્ષ સુધી મંદિર યાદ આવ્યુ નહીં હવે પોતાને ધર્માધિકારી સમજતા સાધુઓ અયોધ્યામાં ચીપીયા પછાડી રહ્યા છે. એક જમાનામાં આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ પણ આવુ જ કરતા હતા. કદાચ હવે તેમનું પેટ ભરાઈ ગયુ લાગે છે.

અમને ખબર છે 2019માં હવે ભગવાન રામ જ તમને તારી શકે તેમ છે. પણ જરા પડોશી દેશો તરફ નજર કરો, જેમણે ધર્મનો સહારો લઈ રાજદંડ મેળવ્યો તેમનું ભવિષ્ય બહુ સારૂ રહ્યુ નથી. તમે કુશળ રહો અને દેશને સુખી કરો તેવી અભિલાષા છે. પણ યાદ રાખજો અમે હિન્દુ છીએ મુર્ખ નથી અને હિન્દુઓને મુર્ખ સમજવાની ભુલ કરતા નહીં. જેમ કોંગ્રેસે મુસ્લિમને મુર્ખ સમજ્યા અને તેનું પરિણામ ભોગવી રહી છે. બધા દિવસો સરખા હોતા નથી અને દિવસો સરી જતા વખત પણ લાગતો નથી. તમારા જેવી માનસીક દશા ઈન્દીરા ગાંધીની હતી અને ગુજરાતી તરીકે અપેક્ષા કે તમે ઈન્દીરાની જેમ  અમને તુચ્છ ગણવાની ભુલ કરતા નહીં  કારણ પ્રજાની લાઠીમાં પણ અવાજ હોતો નથી.

તમારો

પ્રશાંત દયાળ