મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ GSTના એક વર્ષ બાદ પણ  વેપારીઓ અને કન્સલટન્ટ સરકારી નિયમોમાં અટવાયા કરે છે. જે અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને અનેક રજૂઆત કરવા છતાં પરિણામ નહીં આવતા દેશભરના જીએસટી ટેકસ પ્રેકટીશનર તા 14-15 જુલાઈના રોજ અમદાવાદમાં મળી રહ્યા છે, આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય બાદ તા 21મી જુલાઈના રોજ દિલ્હી ખાતે મળી રહેલા જીએસટી કાઉન્સીલમાં રજૂઆત કરવામાં આવશે.

ટેકસ કન્સલટન્ટ નિગમ શાહે આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, જીએસટીનો અમલ શરૂ થયો તેનો એક વર્ષ પુર્ણ થઈ ગયું પણ ટેકસ ભરનાર વેપારી અને ટેકસ કન્સલટન્ટની સમસ્યાનો અંત આવ્યો નથી. જીએસટીના કાયદાની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ થઈ શકે તેવી વ્યવસ્થા હજી સુધી તંત્ર ઊભુ કરી શકાયું નથી. રિફંડનો પ્રશ્ન સૌથી મોટો છે કારણ કાયદામાં એક સુત્રતા નહીં હોવાને કારણે અલગ અલગ અધિકારીઓ રિફંડ માટે અલગ અલગ દસ્તાવેજોની માગણી કરી રહ્યા છે. પંદર દિવસમાં રિફંડ મળી જાય તેવો નિયમ છે, પણ ઓનલાઈન વ્યવસ્થા ચાલતી નહીં હોવાને કારણે મેન્યુલી રિફંડ ચુકવાઈ રહ્યું છે.

ટેકસ એડવોકેટ અક્ષત શાહે જણાવ્યું હતું કે, જીએસટી ટેકસ કન્સલટન્ટનું કેન્દ્ર સંગઠન નહીં હોવાને કારણે દરેક રાજ્યના પ્રેકટીશનર પોતાની રજૂઆત પોતાના રાજ્યમાં કરે છે, પરંતુ રાજ્યનો દાવો છે કે સમગ્ર મામલો કેન્દ્ર સરકાર હસ્તક છે, તેના કારણે ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિએશનની મદદથી તા 14-15ના રોજ દેશભરના જીએસટી પ્રેકટીશનરનું સત્ર બોલાવામાં આવ્યું છે.

શાહે જણાવ્યું હતું કે, જીએસટીના અનેક પ્રશ્ન છે જેમાં ઓડીટ સર્ટીફીકેટ આપવાની સત્તા ચાર્ટડ એકાઉન્ટન્ટને આપવામાં આવી છે, પરંતુ દેશમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સંખ્યા બહુ ઓછી છે જ્યારે વેપારીઓની સંખ્યા વધારે છે, તેના કારણે અમારી માગણી છે કે ટેકસ પ્રેકટીશનર અને ટેકસ એડવોકેટ પણ ઓડીટ સર્ટીફીકેટ આપવાની સત્તા આપવી જોઈએ. આ પ્રકારની તમામ સમસ્યાઓ માટે દેશભરના જીએસટી પ્રેકટીશન એકત્રીત થશે અને સત્ર બાદ કેન્દ્ર સામે રજૂઆત કરવામાં આવશે.