મેરાન્યૂઝ નેટવર્ક, બુલંદશહેર: ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌહત્યાની શંકામાં આજે સોમવારે ભડેલી હિંસામાં પોલીસ ઇન્સપેક્ટર સહિત બે લોકોના મોત થયા છે. ઇન્સપેક્ટરની હત્યા પથ્થરમારીને કરવામાં આવી હોવાની શક્યતા છે.

એડીજી લૉ એન્ડ ઓર્ડર આનંદ કુમારે જણાવ્યુ કે આજે સોમવારે સવારે બુલંદશહેરના સ્યાના પોલીસ ટેશન વિસ્તારમાં ગૌવંશ કાપવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જ્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગામના લોકો ખૂબ જ ગુસ્સામાં હતા અને રોડ પર આવી ગયા હતા. ઘટના સ્થળે મહાવ અને ચિગલવાલી સહિત ત્રણ ગામના લોકો આવી ગયા હતા.  લોકોની ફરિયાદ હતી કે ખેતરમાં ગૌવંશના અવશેષ મળ્યા છે. જેથી પોલીસે કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો. પરંતુ રોષે ભરાયેલા લોકો કથિત ગૌવંશના અવશેષો ટ્રેક્ટરમાં ભરીને મુખ્ય રોડ પર આવી ગયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો. વિરોધ પ્રદર્શન હિંસક થયુ અને લોકોએ પોલીસ પર પથ્થરમારો શરુ કર્યો. જ્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. જ્યાર બાદ ભીડે 15થી વધુ વાહનોમાં આગ લગાવી દીધી. હાલ ગૌહત્યાના પુરાવા નથી મળ્યા. આ મામલે તપાસ માટે આઇજી રેંજ મેરઠની અધ્યક્ષતામાં એક એસઆઇટીની રચના કરવામાં આવી છે.