મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સામાન્ય માણસ અને વગદાર માણસો માટે કાયદો અલગ-અલગ હોવાની વાતથી સામાન્ય રીતે સૌ-કોઈ વાકેફ હોય છે. પરંતુ શહેરમાં આ વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ટ્રાફિકને નડતરરૂપ હોય તે રીતે પાર્ક કરેલા વાહનો પોલીસની ટૉ-વેન દ્વારા ડિટેઇન કરવામાં આવતા હોય છે. અને વાહન માલિકે નિયમ અનુસાર દંડ ભરીને પોતાનું વાહન પરત લેવા જવું પડે છે. પરંતુ શહેરના યુનિ. રોડ પરના સુમતિનાથ જિનાલય નજીકથી પોલીસે ટૉ કરેલા સાત વાહનો માટે સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો. જેને લઈને પોલીસે આ તમામ વાહનો કોઈપણ પ્રકારનો દંડ લીધા વિના સામે ચાલીને સ્થળ પર પરત મુકવા જવાની ફરજ પડી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પરના શ્રીરામ પાર્કમાં આવેલા સુમતિનાથ જિનાલયમાં પર્યુષણ પર્વ માટે આવેલા ભાવિકોએ આસપાસ રહેતા લોકોના ઘર પાસે પોતાના વાહનો પાર્ક કર્યા હતા. જેને પગલે સ્થાનિક લોકોએ 100 નંબર પર ફોન કરતા ટ્રાફિક પોલીસની ગાડી આવી સાત વાહનો ટોઇંગ કરી ગઇ હતી. આ મામલે જૈન સમાજના અગ્રણીઓએ પહેલા પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા તેઓ દંડ લીધા વગર વાહનો છોડવા સહમત થાય હતા. પરંતુ અગ્રણીઓએ દ્વારા પોલીસ જ આ વાહનો પરત આપવા આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી હતી. અને અંતે સામાન્ય શહેરીજનો પર રોફ જમાવતી પોલીસે ડિટેઇન કરેલા વાહનો પરત આપવા જવું પડ્યું હતું.

આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ચાલતા વિવાદને કારણે કોઇએ ફોન કરતા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ટોઇંગ કરી હેડક્વાર્ટર લઇ જવાયા હતા. પરંતુ દેરાસરના ભાવિકો પૂજા માટે ગયા હતા અને વાહનો અડચણરૂપ ન હોવાને કારણે દંડ વસૂલ કર્યો નથી. જો કે ટ્રાફિક પોલીસ જપ્ત કરેલા વાહન પરત મૂકવા ગઇ હોવાની વાતથી પોતે અજાણ હોવાનું અને સીએમ કાર્યાલયથી કોઈ ફોન આવ્યો ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

જ્યારે સુમતિનાથ જિનાલયના ટ્રસ્ટી નિલેશ કોઠારીએ જણાવ્યા અનુસાર આ જિનાલય શેરીમાં હોવાથી પાર્ક થયેલા વાહનો ટ્રાફિકને નડતા નથી. છતાં ટ્રાફિક પોલીસ દ્વારા અહીંથી સાત વાહનો લઈ જવાયા હતા. સામે રહેતા લોકોએ ફરિયાદ કરી હતી. જેમાં માત્ર એક વાહન તેમને નડતરરૂપ હોવા છતાં પોલીસ જિનાલયની દીવાલ પાસે પાર્ક કરેલા વાહનો લઇ જતા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેને પગલે ટ્રાફિક પોલીસની ગાડી દ્વારા ડિટેઇન કરેલા વાહનો પરત આપી જવાયા હતા.