અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જે પુરુ થયા બાદ મે મહિનામાં આગામી વર્ષે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ થનાર છે. ગુજરાતના ત્રણ આઈપીએસ અધિકારીઓ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાના હતા પરંતુ હવે માત્ર એક આઈપીએસ અધિકારી જ એસપીજીમાં પ્રતિનિયુક્તિ પર જશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા 1997 બેચના આઈપીએસ અને રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંગ ગહેલોત, 1998 બેચના ગુપ્તચર વિભાગના આઈજી રાજીવરંજન ભગત અને 2005 બેચના એટીએસના એસપી હિમાંશુ શુક્લા કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાના હતા. રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંગ ગહેલોત અને ગુપ્તચર વિભાગના આઈજી રાજીવરંજન ભગત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)માં જવાના હતા જ્યારે એટીએસના એસપી હિમાંશુ શુક્લા રૉ માં જવાના હતા.

આ ત્રણેય આઈપીએસ અધિકારીની પસંદગી પણ કરી દેવામાં આવી હતી. માત્ર કેન્દ્રમાંથી મંજુરી આવવાની જ બાકી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા આ ત્રણેય અધિકારીઓની પ્રતિનિયુક્તિ ગત ડિસેમ્બર મહિના સુધી ટાળવામાં આવી હતી. હવે ચૂંટણી પુરી થતાં ત્રણ આઈપીએસ અધિકારી પૈકી એક માત્ર રાજીવરંજન ભગતની જ એસપીજીમાં પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાનું સત્ર પુરુ થયા બાદ તેમને છૂટા કરી દેવામાં આવશે તેવું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે.

એટીએસના એસપી હિમાંશુ શુક્લાને પણ રૉ માં પ્રતિનિયુક્તિ પર જવાની ઈચ્છા છે પરંતુ રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણીઓ આવતા વર્ષે આવતી હોવાથી તેમને છોડવા માગતી નથી. જ્યારે રાજકોટ પોલીસ કમિશનર ગહેલોતે પ્રતિનિયુક્તિ પર જવાનો વિચાર હાલ પુરતો માંડી વાળ્યો હોવાનું જાણવા મળ્યું છે.