મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશમાં અનેરી શ્રધ્ધા ધરાવતા અનેક ભક્તોની માનતા ફળીભૂત થઇ છે. કોઈ ભક્ત પગપાળા દ્વારિકા પહોંચે છે તો કોઈ ભક્તો ધજા ચઢાવી પોતાની માનતા પૂર્ણ કરતા આવ્યા છે. બીજી તરફ એવા પણ ભક્તો છે જે પોતાની માનતા પરિપૂર્ણ થતા સોના-ચાંદીના આભુષણો પ્રભુના ચરણોમાં અર્પણ કરી પોતાની ભક્તિની મિશાલ રજુ કરતા આવ્યા છે. ભક્તોમાં અનેરું સ્થાન ધરાવતા આવા જ એક પોરબંદરના એક ભાવિકે ભગવાનને સોનાથી મઢેલો મુકુટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

ચાર ધામ પૈકીના એક એવી ભગવાન દ્વારિકાધીશની કર્મ ભૂમિ દ્વારિકામાં દરરોજ દેશ-વિદેશથી ભાવિકોનો પ્રવાહ આવે છે. ભગવાન કાળીયા ઠાકોરના દર્સન કરી, ગોમતીજીમાં પવિત્ર ડૂબકી લગાવી અનેક ભક્તો પુણ્યતાનું ભાથું બાંધે છે. હિંદુ ધર્મના તમામ સમ્પ્રાદયોમાં કૃષ્ણ અલગ અલગ સ્વરૂપે પૂજાય છે. અબાલ-વૃદ્ધ તમામના હદયમાં બિરાજતા ભગવાન દ્વારિકાધીશ પણ ભક્તોની ધારેલી મનોકામના પૂર્ણ કરતા આવ્યા છે. એવા અનેક ભક્તોએ માનતા પૂર્ણ થતા પ્રભુના ચરણોમાં મહામુલી ચીજ વસ્તુઓ ધરી પોતાની માનતા ચઢાવતા આવ્યા છે. આજે પોરબંદરના રાજુભાઈ ખાખરીયા નામના ભાવિકે પ્રભુના ચરણોમાં સોનાથી મઢેલ અંત્યંત આકર્ષિત મુકુટ ભગવાનને અર્પણ કર્યો હતો. રાજુભાઈએ દ્વારકા પહોચી સસ્ત્રોક્ત વિધિથી પરિવારની હાજરીમાં પોતાનો ભક્તિભાવ પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં ધર્યો હતો. એંસી ગ્રામ સોના દ્વારા આભૂષિત મુકુટ ભાવિક પરિવારે પ્રભુ કાળીયા ઠાકોરને ચઢાવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. હાલ દેવસ્થાન સમિતિના કબજામાં ભગવાનને ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલ લગભગ એસી કિલા આસપાસ સોનું હોવાનું જાણવા મળ્યું છે.

કઈ રીતે થાય છે મંદિરનું સંચાલન?

ભગવાન દ્વારકાધીશના મંદિરના સંચાલન માટે સરકાર દ્વારા દેવસ્થાન સમિતિની રચના કરવામાં આવી છે. જેના હોદ્દેદારો અને કર્મચારીગણ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. જયારે પ્રભુની પૂજા સ્થાનિક ગુગળી બ્રાહ્મણ પરિવારો સંભાળે છે, આમ જોવા જઈએ તો આ મંદિર હાલ પુરાતત્વ ખાતાની દેખરેખમાં આવે છે. દેવસ્થાન સમિતિએ મંદિર કે પરિસરને નવું રૂપ આપવું હોયતો પુરાતત્વ ખાતાની મંજુરી અનિવાર્ય બની જાય છે.

સોના-ચાંદી અને રોકડનો આ રીતે પડે છે ભાગ

દ્વારકધીશ મંદિરના સમગ્ર સંચાલનની વિગતો જાણ્યા બાદ પ્રભુને અર્પણ કરાતી ચીજ-વસ્તુઓની પણ વહેચણીના વિભાગ નક્કી કરી દેવાયા છે. જેમાં સોના-ચાંદીના તમામ આભુષણો દેવસ્થાન સમિતિ હસ્તક રહે છે. જયારે રોકડ દાન પૂજા અર્ચના કરતા ગુગળી પરિવારને ફાળે જાય છે.કુલ દાનના ૧૫ ટકા દેવસ્થાન સમિતિમાં જમા થાય છે એમ સમિતિના સુત્રો માંથી જાણવા મળ્યું છે.

એક વખત થયો હતો વિવાદ

ભગવાન દ્વારિકાધીશને દરરોજ પાંચ ધજા ચડે છે, ધજા ચઢાવવાની ભકતોની પરપરા બની ગઈ છે. ધજા ચઢાવવા વરસો સુધી વારો પણ નથી આવતો, ચાલુ દાયકા દરમિયાન એક ભક્ત દ્વારા ચાંદીની ધજા ચઢાવવામાં આવી હતી. નિયમ મુજબ ધાતુમાં દેવસ્થાન સમિતિનો કબજો ગણાય, પરંતુ ધજા પર ગુગળી બ્રાહ્મણ પરિવારોનો હિસ્સો રહેલો છે. તેથી આ ચાંદીની ધજાની માલિકી અંગેનો મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો.