મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરથી ૧૭ કિમી દુર આવેલું ૧૮૬૫ લોકોની વસ્તી ધરાવતું લીંબાડીયા ગામ સમગ્ર દેશમાં વિકાસના કાર્યોમાં અગ્રક્રમે હોઈ વર્ષ ૨૦૦૯માં  ગામને રાષ્ટ્રપતિ એવાર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે  સરકારના આયોજનના અભાવે ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો આક્ષેપ ગામના સરપંચે કર્યો  છે અને ગામમાં પડતી મુશ્કેલીઓ વિષે પણ મેરાન્યુઝ સાથે ચર્ચા કરી હતી.

લીંબાડીયા ગ્રામ પંચાયતમાં સતત ૩ ટર્મથી  સરપંચ તરીકે ચૂંટાયેલા હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે ગામમાં CCTV કેમરા, CC રોડ, કચરાના નિકાલની વ્યવસ્થા, ATM મશીન જેવું RO વોટર મશીન જેવી તમામ ખાસ સુવિધાઓ ગામમાં વિકસાવી છે. પરંતુ સરકાર દ્વારા આયોજન કરવામાં આવતી સેવાઓ જેવી કે, ગટર લાઈન, સરકારી સ્કૂલ, આરોગ્ય કેન્દ્ર જેવી અગત્યની બાબતોને કારણે ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો  છે. ગામની બાજુમાંથી જ નર્મદા કેનાલ પસાર થાય છે, જેની સાથે સાથે વરસાદી પાણીના નીકાલની કેનાલ પણ છે જેમાં ગામનું ગટરનું પાણી જાય છે તો નર્મદા કેનાલ દ્બારા, કેનાલ પર માત્ર તેમનો હક છે અને ગામના પાણીનો નિકાલ તેમાં નહી કરવા ગ્રામ પંચાયતને નોટીસ આપવામાં આવે છે. જે તે સમયે જ્યારે કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના લોકોની જમીન પણ કેનાલ બનાવવા માટે સરકારે લીધી હતી અને આજે એજ ગામને નોટીસ આપવામાં આવે છે.

આ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું મકાન ૩૫ વર્ષ જૂનું હોવાથી ક્લાસરૂમમાં પ્લાસ્ટર ઉખડી રહ્યું છે અને પોપડા  ઉખડી જવાને કારણે  વરસાદી પાણી પણ પડી રહ્યું છે. ગામમાં એક જ સરકારી સ્કૂલ છે જેમાં ૨૦૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેઓ વરસાદના ટપકતા પાણીમાં પણ અભ્યાસ કરવો પડે છે અને સરકાર દ્વારા આનું કોઈ આયોજન કરવામાં આવતું નથી.  

સરપંચે જણાવ્યું હતું કે, જો ગ્રામ પંચાયતને સત્તા આપી દેવામાં આવે તો આવનાર વર્ષોમાં જાતે ખેડૂતોના ખાતામાં ૫ લાખ જમાં કરવી શકે એવું આયોજન   છે અને આ માત્ર વાતો નહી પરંતુ કરીને બતાવવાની ગેરંટી આપું છું. ગામના કામોને ઉપરની કક્ષાએ લઇ જવામાં આવ્યા છે જેથી આયોજન બરાબર થતું નથી અને તેના કારણે ગામડાઓનો જરૂરી એવો વિકાસ થઈ શકતો નથી.