મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શાસ્ત્રોમાં કહેવાયું છે કેઃ ગંગાજીમાં સ્નાન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી, નર્મદાજીના દર્શન કરવાથી અને તાપી મૈયાનું સ્મરણ કરવાથી પાપનો નાશ થાય છે. એ રીતે શાસ્ત્રની દૃષ્ટિએ અનેરું મહાત્ત્વ ધરાવતી અને ઉદ્ભવની દૃષ્ટિએ પણ ગંગાજી, યમુનાજી, નર્મદાજીથી પહેલા એટલે કે 21 કલ્પ (એક કલ્પ એક હજાર યુગનો થાય છે. એટલે  કે કરોડો વર્ષ )પૂર્વે તાપી નદીનો મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાંથી ઉદ્ભવ થયો. 750 કિલો મીટર પાણીનું વહન કર્યા બાદ તાપી મૈયા સમુદ્રમાં ભળે છે. સુરતીજનો માટે જીવાદોરી સમાન તાપી મૈયાની હાલત અત્યારે અત્યંત દયનીય છે. નિર્મળ નીર વહેવાના બદલે માત્ર અને માત્ર ગટરિયું પાણી જ વહે છે. તે પણ માત્ર દસ પંદર ફૂટમાં જ. બાકી તાપી કોરી ધાકોર જોવા મળે છે.

આજે અષાઢ સુદ સાતમના દિવસે તાપી મૈયાનો પ્રાગોટ્ય ઉત્સવ પરંપરા પ્રમાણે મનાવાશે. ઉજવણી માટે ભાજપથી લઈ મહાનગરપાલિકા અને સંખ્યાબંધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ પૂજન અર્ચન કરશે, 108 મીટરની ચુંદડી ઓઢાડશે. માત્ર ઔપચારિકતા પૂર્ણ કરી તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કર્યાનો ઓડકાર સૌ કોઈ ખાઈ લેશે પણ તાપી મૈયાની આજની દુર્દશા દૂર કરવાનું કોઈ વિચારે એ વાત દૂર રહી જશે.

તાપી મૈયાની આવી દયનીય હાલત કરવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે સુરત મહાનગરપાલિકા છે. સુરતની ગટરોના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા બરાબર કરી શકી નહીં એટલે લગભગ 30થી વધુ જગ્યાએ પ્રતિદિન લાખો લીટર ગટરનું પાણી તાપીમાં ઠલવાઈ રહ્યું છે. જેના કારણે તાપીમાં સ્નાન કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ સ્નાન પણ ન કરી શકે તેવી હાલત ખડી થઈ છે. તેવા સંજોગોમાં સૌથી પહેલા તો ગટરનાં પાણી તાપીમાં જતાં રોકવા અત્યંત આવશ્યક છે. આ દિશામાં કોઈ નક્કર  નિર્ણય લેવામાં આવે તો જ તાપી મૈયાના જન્મમ દિવસની ઉજવણી સાર્થક ગણાશે.