મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં બનેલા નિર્ભયા દુષ્કર્મના ચકચારભર્યા બનાવ વખતે સમગ્ર દેશે એક થઇ આરોપીઓ સામે આક્રોશ વરસવ્યો હતો. બરાબર છ વર્ષે ફરી એકવાર સમગ્ર દેશમાં કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મના બનાવોથી ઉભા થયેલા રોષમાં તમામ દેશવાસીઓ તેને કલંકરૂપ ગણાવી ફિટકાર વરસાવી રહ્યા છે. સમગ્ર દેશના આ આક્રોશપૂર્ણ જુવાળમાં ગુજરાતના સુરત કે રાજકોટમાં બાળાઓ ઉપર બનેલા બે-બે દુષ્કર્મ ક્યાંક ઢંકાઈ ગયા હોય તેવું લાગે છે. પણ ભારત માટે શરમજનક અને કલંકરૂપ બાબત એ છે કે, સમગ્ર દેશમાં દરરોજ સરેરાશ ૧૦૭ મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની રહી છે. જેમાં ૪૬ મહિલાઓની ઉમર ૧૮ વર્ષથી ઓછી છે. રેપ ઇન ઇન્ડિયાના આ આંકડાઓમાં વડાપ્રધાનથી લઇ રાષ્ટ્રપિતા ગુજરાતી હોવાનું આપણે ગૌરવ લઈએ છીએ તે ગુજરાતમાં પણ દરરોજ સરેરાશ ૩ થી ૪ બળાત્કાર થાય છે.

સમગ્ર દેશમાં બેન્ક કૌભાંડની ખીલી ઉઠેલી મૌસમ વચ્ચે કઠુઆ અને ઉન્નાવના દુષ્કર્મ બનાવોએ વૈશ્વિક સ્તરે ભારતને શરમ અને કલંકિત સ્થિતિમાં મૂકી દીધો છે. ૨૦૧૨માં દિલ્હી ખાતે બનેલા નિર્ભયા દુષ્કર્મના બનાવે સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે ઝનુન સાથેનો આક્રોશ ઉભો થયો હતો. ફરી એકવાર છ વર્ષ પછી સમગ્ર દેશમાં કઠુઆ અને ઉન્નાવ સહિત સુરત અને રાજકોટના માસુમ બાળાઓ ઉપરના બળાત્કારોથી રેપ ઇન ઇન્ડિયા સામે અભૂતપૂર્વ દેખાવો થઇ રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં બે-પાંચ વર્ષે આવા ખાસ બનાવો વિરુદ્ધ કેન્ડલ માર્ચ સહિતના દેખાવો વગેરે સાથે રોષ વ્યક્ત થાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે,સમગ્ર દેશમાં દરરોજ સરેરાશ ૧૦૭ મહિલાઓ દુષ્કર્મનો શિકાર બને છે. તેમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરની પીડિતાની સંખ્યા ૪૬ જેટલી છે. એનસીઆરબીના સ્ત્રોત પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ૩૯૦૬૮ મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ થયું હતું. જેમાં ૧૬૮૩૬ પીડિતાઓની ઉમર ૧૮ વર્ષથી ઓછી છે.શાંતિ,સલામતી અને સુરક્ષાની વાતો વચ્ચે ગુજરાતમાં માત્ર ચોરી કે લુંટ-ખૂન જ નહિ પણ બળાત્કાર જેવા બનાવોની કોઈ જ સીમા રહી નથી...ગુજરાતમાં પણ દરરોજ સરેરાશ ૩ થી ૪ બળાત્કાર થાય છે. જેમાં રાજ્ય સરકારે જ ગુજરાત વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧૮૮૭ બળાત્કારના બનાવો બન્યા છે.પોલીસ દફતરે નોધાતા દુષ્કર્મના આ કેસ સિવાય નહિ નોધાતા બનાવોની સંખ્યા પણ ઘણી મોટી છે.જેમાં ઘણા બનાવોમાં ધાક-ધમકી સાથે પીડીતાઓનો અવાજ જ દાબી દેવામાં આવતો હોવાથી સલામત ગુજરાતમાં સ્ત્રીશક્તિકરણ આંકડાઓમાં મજબુત લાગે છે. વાસ્તવમાં મહિલાઓનું શોષણ નલિયા૦કાંડથી લઇ માનસી સુધી શરમજનક છે.