મેરાન્યૂઝ નેટવર્ક, ઓખા: અરબી સમુદ્રમાં આવેલ ભારત-પાકિસ્તાન વચ્ચેની આઇએમબીએલ હંમેશા વિવાદમાં જ રહી છે.  કોઈ ચોક્કસ પ્રમાણ ન હોવાથી વારેવારે બંને દેશના માછીમારો સીમા ઉલંઘન કરતા આવ્યા છે. જેને લઈને બંને દેશની સુરક્ષા એજન્સીઓ અવારનવાર એકબીજા દેશના માછીમારોની ખલાસીઓ સાથેની બોટને પોતાના દેશમાં ઉઠાવી જાય છે. પરંતુ પાકિસ્તાની મરીન એજન્સી અનેક વખત ભારતીય સીમમાં પ્રવેશી ભારતીય બોટને ઉઠાવી જતી આવી છે.

ગઇકાલ બુધવાર આજે સવારે અરબી સમુદ્રમાં ભારતીય સીમમાં માછીમારી કરી રહેલ ત્રણ ભારતીય બોટ પર પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવાના આશયથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. જો કે આ ઘટનામાં પાક એજન્સીનો પ્રયાસ વિફળ નીવડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ અન્ય એક બોટ અને ખલાસીઓને પાક એજન્સી ઉઠાવી ગઈ હોવાની વિગતો જાણવા મળી છે.

આ બનાવ અંગે કોસ્ટ ગાર્ડ એજન્સી તરફથી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. સુત્રોનું માનવામાં આવેતો ભારતીય જળ સીમમાં માછીમારી કરતી ત્રણેય બોટ ઓખાની હોવાનું અને બોટમાના તમામ ખલાસીઓ સલામત છે. અપહરણ કરાયેલ બોટ પણ ઓખાની હોવાની વિગત સામે આવી છે.  જો કે આ બાબત અંગે બંને દેશની એજન્સીઓ દ્વારા સત્તાવાર કંઈ કહેવાનું ટાળ્યું છે.

પાકિસ્તાની મરીન એજન્સી અને માછીમારો દ્વારા અવારંવાર આઇએમબીએલનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પાકની નાપાક હરકતોને લઈને ગુજરાતના અનેક માછીમારો અને ભારતીય બોટો પાકિસ્તાનમાં સબડી રહી છે. તાજેતરમાં અપહૃત્ય ભારતીય બોટની પાકિસ્તાનમાં જ હરાજી કરી નાખવાની વાત સામે આવી હતી. પાકની વધુ એક નાપાક હરકત ભારતીય સુરક્ષાવ્યવસ્થામાં છીંડા પડી શકે. આ બાબતને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પણ ગંભીર ગણી પાકની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પાક મરીન એજન્સી દ્વારા ભારતીય જળ સીમમાં ઘુસી પરાણે ભારતીય બોટને પાકિસ્તાન લઇ જવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે ગઇકાલે પાક એજન્સી દ્વારા વધુ એક  ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આઇએમબીએલ નજીક જ ભારતીય જળ સીમા પર માછીમારી કરતી ઓખાની ત્રણ બોટને પાક મરીન એજન્સી દ્વારા આંતરી લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને ભારતીય બોટના ખલાસીઓ તુરંત બોટને ઓખા બંદર તરફ હંકારી હતી. જેથી પાક એજન્સીના જવાનો દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.  બે રાઉન્ડ કરવામાં આવેલ ફાઈરિંગમાં પાક એજન્સીએ બોટમાની ઇંધણ અને પાણીની ટાંકીને નિસાન બનાવી હતી, જો કે આ બનાવમાં પાક એજન્સી નિષ્ફળ નીવડી હતી.

સુત્રોનું માનવામાં આવેતો ત્રણેય બોટ પરત સલામત ઉગરી ગઈ છે. જો કે અન્ય એક  ઓખાની બોટ પાક એજન્સીની ચુંગાલમાં ફસાઈ હોવાની અને પાકિસ્તાન લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ ઘટનાને લઈને ઓખા, પોરબંદર અને વેરાવળ સહિતના બંદરો પરથી માછીમારી કરવા ગયેલી અને અરબી સમુદ્રમાં રહેલ અનેક બોટમાંના ખલાસીઓના પરિવારજનોમાં થોડી ચિંતા પ્રસરી છે. અપહરણ કરી જવાયેલી બોટ અંગે પાક દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.