મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારત તરફ પોતાનો ઝોંક વધારી રહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ઓરીસ્સામાં જે ગરીબ ખેડૂતના ઘરે જમ્યા હતા તેણે હવે બીજૂ જનતા દળમાં સામેલ થઇ ગયો છે. આ પાછળનું કારણે તેણે જણાવ્યું કે અમિત શાહ તેના ઘરે જમ્યાને એક વર્ષ થયુ છતાં તેને હજુ પણ પોતાનું ઘરનું ઘર નથી મળ્યું. અમિત શાહે અહીંથી જ મિશન 120ની શરુઆત કરી હતી.

ઓરીસ્સાના કુકુદાખાંડી બ્લોક હેઠળ આવેલ હુગલપટા ગામના 45 વર્ષના ખેડૂત નબીન સ્વાંઇએ અમિત શાહને ભોજન કરાવ્યું હતું. ત્યારે અમિત શાહ જિલ્લામાં ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ પ્રચાર માટે આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મુલાકાત લીધાને ઘણો સમય પસાર થઇ ગયો છતાં ખેડૂતની મુશ્કેલીઓ દૂર નથી થઇ. આ અંગે ખેડૂતે કહ્યું કે અમિત શાહે મુલાકાત લીધા બાદ પણ મારી પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. મારી પાસે રહેવાનું ઘર પણ નથી તેથી મને ઘર આપવાનું આશ્વાસન અપાયું હતું. પરંતુ હાલ સુધી કોઈ મદદ મળી નથી. ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાય દ્વારા વિકાસને મહત્વ આપતા મેં બીજૂ જનતા દળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. પટનાયકે મારા માટે બીજૂ પક્કા ઘર યોજના હેઠળ એક ઘર અને રાશન કાર્ડ બનાવી આપવાનો આદેશ પણ આપી દીધો છે. તેથી હું તેમનો આભારી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે નબીન હજુ પણ પોતાના પરિવાર સાથે એવા સ્થાને રહે છે જ્યાં વીજળીનું કનેક્શન નથી અને તેમના ત્રણ પુત્ર ફાનસના સહારે અભ્યાસ કરે છે. તેની પત્ની બીજાના ખેતરોમાં મજૂરી કરે છે તથા તેના 80 વર્ષના પિતા ચોકીદાર છે.