મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દેશની સરકારી બેંકોની નોન-પર્ફોરમિંગ એસેટ મોદી સરકારમાં ૩૨૨ ટકા સુધી વધી ગઈ છે. જ્યારે સરકારી બેંકોની એનપીએ એટલે કે, બેડ લોન વધીને ત્રણ ગણી થઇ ગઇ  છે. એટલે કે, સરકારી બેંકોના ગ્રોસ એનપીએ ર,ર૪,પ૪ર કરોડ રૂપિયા સાડા ત્રણ વર્ષમાં વધીને રૂપિયા ૭,ર૩,પ૧૩  કરોડે પહોંચ્યા છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે વધુમાં વધુ ૬ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે યુપીએ સરકારને દેશની આંકડાકીય રીતે મજબુત જણાતી આર્થિક સ્થિતિ સામે અનેક પડકારોનો સામનો કરવો પડશે. જેમાં ખાસ કરીને ઘરેલું અને વૈશ્વિક કારણોસર રૂપિયો ડોલરની સામે ઐતિહાસિક નીચી સપાટીએ હોવા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને કાળઝાળ મોંઘવારી વચ્ચે બેન્કિંગ સિસ્ટમની અસરોના કારણે આગામી ૬ મહિનામાં ભારતનું અર્થતંત્ર ઠપ્પ થઇ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામી રહ્યું છે. આજે આવેલા એક રિપોર્ટેમાં સરકારી બેંકિંગ સિસ્ટમનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એક આરટીઆઈમાં મધ્યસ્થ બેંકે આપેલા જવાબ પ્રમાણે દેશની સરકારી બેંકોની નોન-પર્ફોરમિંગ એસેટ મોદી સરકારમાં ૩૨૨ ટકા સુધી વધી ગઈ છે.

રિઝર્વ બેંકે આરટીઆઇના જવાબમાં જણાવ્યું છે કે, મોદી સરકારમાં સરકારી બેંકોની એનપીએ એટલે કે બેડ લોન ત્રણ ગણી થઇ ગઇ છે. આરબીઆઇએ કહ્યું છે કે, ૩૦ જુન ર૦૧૪થી ડિસેમ્બર, ર૦૧૭ના અંત સુધીમાં સરકારી બેંકોની એનપીએ વધીને ત્રણ ગણી થઇ ગઇ  છે. ૩૦ જૂન ર૦૧૪ના રોજ સરકારી બેંકોના ગ્રોસ એનપીએ ર,ર૪,પ૪ર કરોડ રૂપિયા હતા. જે સાડા ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર, ર૦૧૭ સુધીમાં વધીને ૭,ર૩,પ૧૩  કરોડે પહોંચ્યા છે. જો કે, એપ્રિલ, ર૦૧૪થી માર્ચ, ર૦૧૮ સુધીમાં સરકારી બેંકો દ્વારા ૧,૭૭,૯૩૧ કરોડની લોન રિકવર કરવામાં આવી છે. આ બેન્કોમાં નાણાંકીય ગણતરીઓ કરવાની બાકી હોવાથી રિઝર્વ બેંકે આંકડા નહીં હોવાના કારણે અત્યાર સુધી આ જાણકારી આપી નહીં હોવાનું કહેવાયું છે.