પ્રશાંત દયાળ  (મેરાન્યૂઝ, અમદાવાદ): આપણે ત્યાં ગુજરાતમાં રહેતા લોકો માટે દારૂ પીવો કાયદેસર શક્ય નથી, તેના માટે ગુજરાત સરકારે જ રસ્તો શોધી કાઢ્યો છે. ગુજરાતના વગદાર અને પૈસાદાર લોકોને કાયદેસર દારૂ પીવા માટે હેલ્થ પરમીટ આપવામાં આવે છે. તેનો અર્થ જેઓ ગુજરાતમાં કાયદેસર દારૂ પીવે છે તેવા વગદાર અને શ્રીમંતો શારિરીક અને માનસીક બીમારીથી પીડાય છે અને તેમની બીમારી દારૂ પીવાને કારણે જ દુર થાય છે અથવા તેમા રાહત મળે છે. માર્ચ 2018માં દારૂબંધીની નીતિમાં ફેરફારનું કારણ આપી નશાબંધી વિભાગે નવી પરમીટ આપવા અને જુની પરમીટ રીન્યુ કરવા ઉપર રોક લગાવી હતી. તાજેતરમાં હવે આ પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. પરંતુ તેમાં પરમીટની માગણી કરનારે પોતે ક્યા ધર્મનો વ્યક્તિ છે તેની જાણકારી પણ માંગી છે. હવે દારૂ પીનાર ક્યા ધર્મનો છે તેની જાણકારી સરકારને કેમ જોઈએ છે તે હજી સ્પષ્ટ થયુ નથી.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં જ રહેતા 70 હજાર વ્યક્તિઓ પાસે હેલ્થ પરમીટ છે. જેનો અર્થ તેઓ બીમાર છે. આ બીમાર ગુજરાતીઓને સરકારી ડોક્ટરે નક્કી કર્યા પ્રમાણે સરકાર માન્ય દુકાનમાંથી દારૂ મળતો હતો. માર્ચ મહિના બાદ રાજ્ય સરકારે ફરી નવી પરમીટ આપવાની અને જુની પરમીટ રીન્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ તેના ફોર્મના કોલમ ચારમાં પરમીટની માગણી કરનાર ક્યો ધર્મ પાળે છે તેની જાણકારી પણ માંગી છે. આમ તો દારૂ પીનારી વ્યક્તિ ક્યો ધર્મ પાળે છે તેનો આ બાબત સાથે સીધો કોઈ સંબંધ નથી. 70 હજાર પરમીટ ધારકોમાંથી 99 ટકા પરમીટ ધારકો હિન્દુ છે. આમ છતાં પરમીટ ધારકનો ધર્મ હવે રાજ્ય સરકાર જાણવા માગે છે.

જો ગુજરાતનો કોઈ ગરીબ બીમાર પડે તો તેને પરમીટ મળી શકતી નથી. પરમીટના નિયમ પ્રમાણે જેમને પરમીટ જોઈએ તેઓ માસીક 25 હજાર કમાતો હોવો જોઈએ અને તેના પુરાવા રૂપે તેને ઈન્કમટેક્સ રીર્ટન પણ રજુ કરવુ પડે છે અથવા તેની પાસે પાંચ વીધા જમીન હોય તો તેનો પુરાવો પણ રજુ કરવો પડે છે. આમ આ નિયમ પ્રમાણે ગુજરાત સરકારે કોઈ ગરીબને દારૂ પીવાનો કાયદેસર પરવાનો આપવા માગતી નથી. પણ હવે વગદાર અને શ્રીમંત પરવાના ધારક ક્યા ધર્મનો છે તેની પણ જાણકારી તેને આપવી પડશે.