મેરાન્યૂઝ નેટવર્ક મોરબી: કોંગ્રેસના સૌરાષ્ટ્રના નેતાઓની નારાજગી વધી રહી છે એક પછી એક સિનિયર કોંગ્રેસી નેતાઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. પહેલા કુવરજીભાઈ બાવળિયા, બાદમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને હવે વાંકાનેરના ધારાસભ્ય મોહમદ જાવીદ પીરઝાદા પણ રીસાયા છે.

વાંકાનેરના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન અને ધારાસભ્ય મોહમદ જાવીદ પીરઝાદાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લના એક બે નેતાઓ પોતાની મરજી મુજબ જ કરે છે. તેમજ પ્રદેશ કોંગ્રેસને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બંને નેતાઓ પાલિકા તથા જીલ્લા પંચાયતમાં પણ પોતાના નજીકના લોકોને જ પદ પર બેસાડે છે. જેનાથી કોંગ્રેસને વધુ નુકશાન થશે અને પોતે આ અંગે આવતા અઠવાડિયે હાઇકમાન્ડને પણ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. જો કે હાઇકમાન્ડ પણ તેમની વાત નહિ સાંભળે તો શું કરશો? તેના જવાબમાં પીરઝાદાએ કહ્યું કે, મારા ટેકેદારો જેમ કહેશે તેમ કરીશ, ઘરે બેસી જઈશ પણ ભાજપમાં નહીં જોડાવું. જો કે પીરજાદા ક્યા બે નેતાથી નારાજ છે તે જણાવ્યું નહોતું.

આ સમગ્ર ઘટના પાછળ હાલમાં યોજાયેલી મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીનો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કાગથરાએ પ્રમુખ પદ માટે જે નામનું મેન્ડેટ આપ્યું તેનો વિરોધ થયો હતો અને કોંગ્રેસના 16 સભ્યોએ બગાવત કરી જીલ્લા પંચાયતની સતાની કમાન સભાળી હતી. હાલમાં આ 16 બાગી સભ્યોને પક્ષ દ્વારા કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને આ બાગી સદસ્યોને પીરઝાદાનું સમર્થન હોવાનું કોંગ્રેસી આગેવાનો કહી રહ્યા છે.