અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત સરકારે આજે 7 આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. તેમાં અમદાવાદ શહેરના બે આઈપીએસ અધિકારીઓને બઢતી મળતાં હવે તે સ્પેશ્યલ કમિશનર બની ગયા છે. આમ, અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગને હવે અમદાવાદ શહેરમાં જ ત્રણ સ્પેશ્યલ પોલીસ કમિશનર સાથે કામ કરવા મળશે.

1985 બેચના ડીજી રેન્કના સિનિયર આઈપીએસ અધિકારી એ કે સિંગ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે છેલ્લા દોઢેક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેમના તાબા હેઠળના સેક્ટર 1માં ડો. કે. લક્ષ્મીનારાયણ રાવને થોડા સમય પહેલા જ સ્પેશ્યલ કમિશનર તરીકેની બઢતી મળી હતી. આજે ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જયેશ ભટ્ટ અને ટ્રાફીકના જેસીપી નિરજા ગોત્રુ રાવને પણ એડીજીમાં બઢતી મળતાં આ બંને અધિકારીઓ પણ સ્પેશ્યલ કમિશનર બની ગયા છે.હવે એક જ શહેરમાં ડીજી રેન્કના પોલીસ કમિશનરના તાબામાં ત્રણ સ્પેશ્યલ કમિશનર કામ કરશે. પોલીસ કમિશનરની કાર આગળ ત્રણ સ્ટાર લગાવવામાં આવે છે હવે આ જ ત્રણ સ્ટાર આ ત્રણ અધિકારીઓની કારમાં પણ લાગશે. જેથી એક રીતે જોવા જઈએ તો મહદ અંશે સમાન ધોરણ મળ્યું કહી શકાય. થોડા વર્ષો પહેલા રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશનર હતા ત્યારે તેમના તાબા હેઠળ પણ બે સ્પેશ્યલ પોલીસ કમિશનરની નિમણૂંક કરવામાં આવી હતી. હજુ થોડા સમય પહેલા જ 1992 બેચના એસ જી ભાટી નિવૃત્ત થતા પહેલા સુરત શહેરમાં પોલીસ કમિશનર નીચે સ્પેશ્યલ કમિશનર તરીકે રહી ચુક્યા છે.