મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ નોટબંધી અને ત્યાર બાદ જીએસટીના મારથી સુરતનો કાપડ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે. પ્રતિદિન ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતમાં અત્યારે અઢી કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. મશીનો સ્ક્રેપ થવાં લાગ્યાં છે. વેપારીઓ દુકાન બંધ કરી રહ્યા છે. કારીગરો બેકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં કાપડ ઉદ્યોગને બચાવવા માટે ખાસ નીતિ જાહેર કરવાની માગણી સાથેનો પૂરો અહેવાલ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશન (ફોસ્ટા)એ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીને પાઠવ્યો છે.

પત્રમાં ટેક્સટાઈલને લગતી તમામ સમસ્યાનો ચિતાર આ અહેવાલમાં રજૂ કરાયો છે. જેમાં 6.5 પાવર લુમ્સમાંથી 89 હજાર મશીનો ભંગારમાં ગયાં છે, એક્સપોર્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, નવી દુકાનો શરૂ થવાનું બંધ થયું છે અને ભાડાની દુકાનો છે તેની પણ સંખ્યા ઘટી રહી છે, કામ બંધ થઈ જવાના કારણે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જીએસટી પછી વેપારીઓનું પેમેન્ટ મોડું આવતું થઈ ગયું છે વગેરે સમસ્યાનો સમાવેશ થાય છે.

આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે  કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી નવી નીતિ જાહેર કરી છે તેવી રીતે ગુજરાતમાં પણ નવી નીતિ જાહેર કરી કાપડ ઉદ્યોગને મરણ પથારીએથી બેઠો કરવાની રજૂઆત કરવામાં આવી છે.