મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ખેડૂતોના દેવાં માફ કરવા કેન્દ્ર સરકાર ઉપર દબાણ વધારવાનું કહેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે કે, જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિરાંતે બેસવા કે ઉંઘવા નહીં દઈએ. નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ હોવાનું જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન બતાવે કે તેમણે ખેડૂતોના દેવાં કેમ માફ કર્યા નહીં..?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાફેલ ડીલ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી સરકારની ટાઈપીંગ ભૂલો નીકળવાની શરૂ થઇ છે. જેમાં મોદી સરકારની હજુ વધુ ટાઈપીંગ ભૂલો નીકળશે. આ સાથે તેમણે કહ્યું કે, ખેડૂતોના દેવાં માફી માટે અમે કેન્દ્ર સરકાર ઉપર ભાર દબાણ ઉભું કરીશું. તેમાં જ્યાં સુધી ખેડૂતોના દેવાં માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિરાંતે બેસવા નહીં દઈએ કે નહીં ઉંઘવા દઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારમાં હવે ઘણી જ ટાઈપીંગ ભૂલો નીકળશે. એક પછી એક ટાઈપીંગ ભૂલો દેખાશે. જીએસટી, નોટબંધી સહીત મોદી સરકારના દરેક નિર્ણયમાં ભૂલો હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, નોટબંધી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. નોટબંધીનો હેતુ જ પોતાના મિત્રોમાં પૈસા વહેચવાનો હોવાનો આરોપ મુકતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીનું હિન્દુસ્તાન અમીરોનું હિન્દુસ્તાન છે.

રાહુલે કહ્યું કે, હિન્દુસ્તાનમાં એક તરફ મજદૂર, કિસાનો છે તો બીજીતરફ ૧૫-૨૦ અમીરો છે. મોદીજીએ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ૧૫-૨૦ ધનવાનોના ખિસ્સામાં નાખ્યાં છે. ચૂંટણીમાં કોંગ્રેસની જીત હિન્દુસ્તાનની ગરીબ પ્રજાની જીત હોવાનું જણાવતા તેમને કહ્યું કે, મોદીજીના બે હિન્દુસ્તાન છે... એક હિન્દુસ્તાન ૧૫-૨૦ લોકોનું દેવું માફ કરવાનું અને બીજું ગરીબ લોકો અને ખેડૂતોનું છે. અમે વચન આપ્યું હતું કે દસ દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ કરીશું અને બે રાજ્યોમાં માત્ર ૬ કલાક પહેલા જ ખેડૂતોના દેવાં માફ કર્યા. જ્યારે ત્રીજા રાજ્યમાં ઝડપથી ખેડૂતોનું દેવું માફ કરીશું, પરંતુ મોદીજી સાડા ચાર વર્ષથી પીએમ હોવા છતાં ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી.

આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે બધા જ પક્ષો ભેગા મળીને મોદીજી પાસે ખેડૂતોના દેવા માફ કરાવીને જ રહીશું. આ દેશ ખેડૂતોનો છે, કોઈ ૧૫ ઉદ્યોગપતિઓનો નહીં. કોંગ્રેસ ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, અમે ત્રણ રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે અને આગામી સમયમાં પણ દેવું માફ કરીશું... મોદીજી પાસે પણ કરાવડાવીશું.

રાફેલ ડીલ મામલે તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને રાફેલમાં ચોરી કરવા માટે પૈસા આપવામાં આવ્યા છે તેની તપાસ થશે. મોદીજી રાફેલ મુદ્દા પર ભાગી રહ્યા હોવાનું જણાવતા કહ્યું કે, વડાપ્રધાન બતાવે કે તેમણે ખેડૂતોના દેવાં કેમ માફ કર્યા નહીં..? મોદીજી પાસે વિકલ્પ હતો કે, તે ખેડૂતોનું દેવું માફ કરે કે ચોરી કરે. તેમણે રાફેલ અને નોટબંધીનાં માધ્યમથી પૈસા ચોરીને ખેડૂતોનું દેવું માફ કર્યું નથી.