મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપની એક તાસીર રહી છે, જ્યારે જેની જરૂર હોય તેનો ઉપયોગ કરી લેવાનો અને કામ પુરૂ થાય એટલે લાત મારી દેવાની, આવી જ સ્થિતિ ફરી એક વખત કારડિયા રાજપુતોની થઈ છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં રાજપુતો નડી જશે તેવો ડર લાગતા અમીત શાહ અને વજુવાળાએ મધ્યસ્થી કરી રાજપુત આગેવાન દાનસંગ મોરી સામે જીતુ વાઘાણીના ઈશારે થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપી હતી. જેના કારણે રાજપુતોએ પોતાનું આંદોલન સમેટી લીધુ હતું પણ ચૂંટણી પુરી થયાને બે વર્ષ થયા પછી પણ દાનસંગ સામેના કેસ યથાવત રહ્યા હતા, એટલુ જ નહીં ભાજપ સરકારે તાજેતરમાં ઘસીને ના પાડી દીધી કે તે કેસ પાછા ખેંચાશે નહીં. હવે રાજપુતોને મુર્ખ સમજનાર ભાજપની હોળી પ્રગટાવવા માટે રાજપુત આગેવાનોએ ભાવનગરના બુધેલ ખાતે તા 23મી માર્ચના રોજ એક મિટીંગ રાખી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીને નડી જનાર બુધેલ ગામના આગેવાન દાનસંગ મોરીને સીધા કરવા માટે મોરી સહિત અનેક લોકો સામે વાધાણીએ પોલીસ કેસ કરાવી દીધા હતા, 2017ની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ નબળી પડી હતી, એક તરફ કોંગ્રેસ આક્રમક હતી, હાર્દિક પટેલ જીજ્ઞેશ મેવાણી મેદાનમાં હતા, લોકો પણ તે વખતે ઘણા નારાજગીમાં ચાલી રહ્યા હતા. તે વખતે જો કારડિયા રાજપુત નારાજ થાય તો ભાજપના મોંઢે ફીણ આવી જાય તેમ હતું, કારડિયા રાજપુતોને સમજાવવા માટે વજુ વાળા સહિત અનેક નેતાઓ મેદાનમાં હતા અને તેમણે દાનસંગ સામેના કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી. આમ છતાં રાજપુતો અક્કડ રહેતા ખુદ અમિત શાહ અમદાવાદ આવ્યા હતા અને તેમણે મધ્યસ્થી કરી તેમની વ્યકિતગત ખાતરી આપી કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જો કે અમિત શાહ અને ભાજપને નજીકથી ઓળખનારાઓ દાનસંગ અને રાજપુતોને સમજાવ્યા હતા કે ગરજ છે માટે તમને બાપ કહેનારા ભાજપ સરકાર કેસ પાછા ખેંચે નહીં ત્યાં સુધી સમાધાન કરશો નહીં, પરંતુ ત્યારે રાજપુત આગેવાન કાનભા રજોડા અને દાનસંગ મોરી કોઈની વાત સાંભળવા તૈયાર થયા નહીં, ખુદ રાજપુતો યુવાનો પણ આ સમાધાનની વિરૂધ્ધમાં હતા. દાનસંગના મુદ્દે માત્ર કારડિયા રાજપુતો જ નહીં પણ રાજ્યભરના તમામ રાજપુત સમાજે પોતાની તાકાતનો પરચો બતાડયો હતો. આમ છતાં દાનસંગ અને કાનભાએ ભરોસો કર્યો અને આંદોલન સમેટી ભાવનગરમાં અમીત શાહ અને જીતુ વાઘાણી સાથે મંચ ઉપર બેઠા હતા.

કેસ પાછા ખેંચી લેવામાં આવશે તે વચનને બે વર્ષ પુરા થયા પછી પણ સચિવાયલ અને નેતાઓના ઘરે ધક્કા ખાઈ રહેલા કાનભા અને દાનસંગની વાત સાંભળવમાં હવે સરકારને કોઈ રસ ન્હોતો. તા 14મી માર્ચના રોજ ભાજપ સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે હવે દાનસંગના મુદ્દે કોઈ મદદ થશે નહીં અને કેસ પાછા ખેંચાશે નહીં, રાજપુત આગેવાનોને મોડે મોડે જ્ઞાન લાધ્યું કે ભાજપે તેમને મુર્ખ બનાવ્યા છે. જેના કારણે  હવે તા 23મી માર્ચના રોજ હોટલ સિધ્ધી વિનાયક બુધેલ ખાતે રાજપુત સમાજના નેતા કાનભા ગોહીલ અને દાનસંગ મોરીએ રાજપુત સમાજની બેઠક રાખી છે. જો કે લોકસભાની ચૂંટણી સામે હોવાને કારણે ભાજપના નેતા હાલના તબ્બકે સમાધાન કરવા તો આવશે પણ આચરસંહિતાનું કારણ આગળ ધરી હાલમાં સમાધાન શકય નથી તેમ કહી લોકસભાની ચૂંટણી પુરી થાય પછી કરી દઈશું તેવું આશ્વાસન આપશે.