મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ રાજસ્થાનમાં આગામી ડીસેમ્બરમાં યોજાનારા ચૂંટણી જંગ જીતવા માટે આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક રેલી સંબોધતા કેન્દ્ર સરકારની સાથે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન તાક્યું હતું. ભાજપના ગઢમાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર ૧૦ દિવસમાં કિસાનોનું ૭૦ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. જ્યારે છેલ્લા સાડા ચાર વર્ષમાં નરેન્દ્ર મોદીએ દેશના સૌથી અમીર ૧૫-૨૦ અબજોપતિના સાડા ત્રણ લાખ કરોડના દેવાં માફ કર્યા છે.

રાહુલે કહ્યું કે, રાજસ્થાનમાં યુવા વર્ગ રોજગારની માંગ સાથે રોડ ઉપર ઉતારેલા છે. પરંતુ તેમને આશ્વાસન આપવાના બદલે લાઠીચાર્જ મળ્યો અને મુખ્યમંત્રીએ યુવાઓ માટે લફંગે શબ્દનો ઉપયોગ કરી તેમનું અવમાન કર્યું છે. ભાજપ સરકારના આ અહંકારને યુવાનો જ તોડશે એમ જણાવતા તેમણે કહ્યું કે, અહીંના મહિલા મુખ્યમંત્રીએ જ મહિલાઓની પીડા સમજી નથી. મહિલાઓની સુરક્ષા સાથે સમાધાન કરી ઘરેલું હિંસાથી લઇ બળાત્કાર સુધીની ઘટનાઓથી પ્રદેશની બહેન-દીકરીઓના મનમાં ભયની લાગણી પેદા થઇ છે.

રાહુલ ગાંધીએ ભાજપને પ્રશ્ન કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અને વસુંધરા રાજેએ છેલ્લા સાડા ચાર વર્ષમાં ગરીબ દુકાનદારો, ગરીબો તેમજ મજદૂરો માટે શું કર્યું..? કોંગ્રેસની યુપીએ સરકાર વખતે મનરેગા યોજના, ૭૦ હજાર કરોડ રૂપિયાના કિસાનોના દેવા માફી, આદિવાસી વિકાસ બીલ, માહિતી અધિકાર, બાળકો માટે શાળામાં ભોજનની સાથે રાજસ્થાનમાં ત્યારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે મફતમાં દવાઓ આપી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ અબજોપતીઓના માફ કરેલા દેવામાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી વગરેના નામ તમે જાણો જ છો. આ લોકો સાથે ભાઈ-ભાઈના સંબંધ હોવાનો તેમણે પીએમ પર આરોપ મુક્યો હતો.

દેશના અબજોપતીઓના દેવા માફ કરવાનો વડાપ્રધાન પર આરોપ મુકતા તેમણે કહ્યું કે, મેં પ્રધાનમંત્રીને કહ્યું કે તમે ભારતના વડાપ્રધાન છો, માત્ર આ અબજોપતીઓના પીએમ નથી. પીએમની ઓફિસે જઈ દેશના કિસાનોના દેવા માફ કરવા કહ્યું. પરંતુ  મારે પ્રધાનમંત્રી નહીં ચોકીદાર બનવું છે એમ કહેનાર મોદીજીએ એ કહ્યું નહીં કે, કોના ચોકીદાર બનવાનું છે. પછી દેશવાસીઓને ખબર પડી કે, અંબાણીની ચોકીદારી થઇ રહી છે.