મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલ સામે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ઈન્ટરવ્યુની આવકના હિસાબો રજૂ ના કરી કરોડોની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાબુલાલ પ્રજાપતિએ પાટણના બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ નોંધાવી છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે વર્ષ 2012 થી 2016 દરમિયાન ધારાસભ્ય ડૉ કિરીટ પટેલ એમ. એસ. ડબ્લ્યુ કોલેજના પ્રિન્સિપાલ હતા અને તે સમયે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જીલ્લામાં કોલેજની ભરતી પ્રક્રિયામાં યોજવા માટે મંજુરી આપવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી થયેલા ઈન્ટરવ્યુમાં યુનિવર્સિટીને મોટા પાયે આવક થઇ હતી. આ આવક-જાવકના હિસાબો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કે એમ.એસ.ડબ્લ્યુ કોલેજ દ્વારા નોર્થ ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યા ન હતા અને મોટા પાયે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો  આ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીની કારોબારી સમિતિએ આ હિસાબમાં ગોટાળા લગતા હોય ડૉ કિરીટ પટેલને  નોટીસ આપી આ અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. પરંતુ તેમણે હિસાબો બાબતે કોઈ ખુલાસો કર્યો ન હતો.  વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ૨૫૦ જેટલીએ સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેમાં ૧૯૩ સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ યુનિવર્સિટીને રૂ. ૮૨,૩૧,૫૮૪ કાર્યકારી પ્રિન્સિપાલ ડૉ. કિરીટ પટેલને ચૂકવ્યા હોય એવું જણાવ્યું હતું અને યુનિવર્સિટીએ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રિન્સીપાલને પત્ર લખી સામુહિક ઈન્ટરવ્યુમાં કોલેજોની વર્ષ વાર યાદી અને તેમણે ચૂકવેલ રકમની વિગત, જાહેરાત અને તે અંગે થયેલ ખર્ચની માહિતી માંગી હતી. સમય મર્યાદા વીતી જવા છતાં હિસાબો ન આપતાં પાટણના બી ડિવિઝન પોલીસ મથકમાં  ફરિયાદ નોંધવામાં આવી છે. ડૉ કિરીટ પટેલ ભાજપના રણછોડ રબારીને હરાવીને ધારાસભ્ય બન્યા છે અને મળેલ માહિતી મુજબ ત્યાર બાદ તેઓ પ્રોફેસર તરીકે કોલેજમાંથી રજા ઉપર ઉતરેલા છે.