મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: રાજ્યસભાના સભ્ય થયા પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહનું આજે રાજ્યસભામાં પહેલુ ભાષણ હતું. જેમાં તેમણે નરેન્દ્ર મોદી અને પી. ચિદમ્બરમના પકોડા વેચવાના મુદ્દે થયેલા ટવીટને મુદ્દો બનાવી જણાવ્યુ હતું કે પકોડા વેચવામાં શરમની કોઈ વાત નથી, બેરોજગાર રહેવુ તેના કરતા પકોડા વચેવા સારી વાત છે.  અત્રે ઉલ્લેખનિય છે કે પકોડાના મુદ્દાનું ઉદ્દભવસ્થાન નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલમાં ઈન્ટરવ્યુ આપવા ગયા ત્યારે પત્રકારે તેમને બેરોજગારી અંગે પ્રશ્ન પુછતાં તેમણે કહ્યુ હતું કે તમારા સ્ટુડિયોની બહાર એક માણસ પકોડા વેચી રહ્યો છે અને તે રોજગારી કમાય છે.

જો કે નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ પી ચિદમ્બરમે સામો સવાલ કર્યો હતો કે પકોડા વેચનાર પકોડા વેચે તેમા સરકારનું શુ યોગદાન છે. અમારો સવાલ કેન્દ્ર સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે તેનો છે અને ચિદમ્બરમે આ મુદ્દે ટ્વિટ કરતા કહ્યુ કે કોઈ પકોડા વેચે અને સરકાર તેને રોજગારી માનતી હોય તો કોઈ ભીખ માગે તેને પણ સરકાર રોજગારી કહી શકે છે. રાજ્યસભામાં આ મુદ્દે જ જવાબ આપતા ભાજપના અધ્યક્ષ અને ગુજરાતના સાંસદ અમિત શાહે કહ્યુ હતું કે પકોડા વેચવામાં શરમ કઈ વાત છે, પણ ચિદમ્બરમે તેની સરખામણી ભિક્ષુક સાથે કરી તે જરા પણ યોગ્ય નથી..

આ મુદ્દે અમિત શાહ અને ચિદમ્બરમ બંન્ને પોતાના સ્થાને સાચા હોય તો પણ અમિત શાહે પકોડા વેચનાર અર્થાત રસ્તા ઉપર ધંધો કરનારને કેટલીક મુશ્કેલીઓનો સામલો કરવો પડે છે તે સમજવાની જરૂર છે. પકોડા વેચનાર કોઈ પણ સરકારી સહાય વગર પોતાની મહેનત અને નાણાથી રોજગારી ઉભી કરે છે, પણ પોલીસ સહિત વિવિધ તંત્ર તેમને રોજ પરેશાન કરે છે. અમદાવાદના એસપી રીંગ રોડ ઉપર પાકી હોટલ ધરાવતા માલિકને પણ પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમિત શાહે રસ્તા ઉપર ધંધો કરનાર કોઈ પણ પરેશાની વગર સ્વમાનભેર ધંધો કરી શકે તે માટે પણ વિચારવુ જોઈએ અને તે અંગે તંત્રને આદેશ પણ આપવા જોઈએ.