પ્રશાંત દયાળ.અમદાવાદઃ 1980થી1990 સુધી માત્ર દારૂનો ધંધો કરતો અમદાવાદના દરિયાપુરના લતીફ પોલીસ અધિકારીઓને મહેરબાનીને કારણે અંડરવર્લ્ડનો ડૉન અને મુસ્લિમોને મસિહા બની ગયો, ત્યાર બાદ તેણે ખંડણી, અપહરણ, હત્યા અને આધુનિક હથિયારો મંગાવવાની શરૂઆત કરી, અમદાવાદ પોલીસના ત્યારના બહાદુર ગણાતા પોલીસ અધિકારીઓને ખબર જ રહી નહીં કે, તેમણે જેમને બુટલેગર સમજ્યો હતો તે હવે તેમનો બાપ થઈ ગયો છે.

સ્થિતિ એવી નિર્માણ થઈ કે હવે તો પોલીસ અધિકારીઓ પણ લતીફના દરિયાપુરના પોપટીયાવાડમાં જઈ તો શકતા ન્હોતા, પણ  દરિયાપુર તરફ માથુ રાખી સુવાની પણ હિમંત કરતા ન્હોતા. લતીફ સામે જે બોલે તેની ગોળી મારી દેવામાં આવતી હતી. ગુજરાતમાં ત્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી. લતીફને રાજકીય રક્ષણ પણ મળતું હતું. જેના કારણે પોલીસ અધિકારીઓ પણ લતીફ અને તેના માણસોનું નામ લેતા ન્હોતા ત્યારે અમદાવાદમાં ગુજરાતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીનું આગમન થયું, તેમણે લતીફને પકડવા માટે પોલીસ અધિકારીઓનો એક લતીફ સ્કવોર્ડ બનાવ્યો. ત્યારે મોટી મુછોવાળા પોલીસ અધિકારીઓ ગીથા જોહરીની ખાનગીમાં મશ્કરી કરતા હતા.

તેનું કારણ, જે કામ સિનિયર પોલીસ અધિકારીઓ કરી શકતા ન્હોતા, તે કામ કરવાનું બીડુ એક મહિલા પોલીસ અધિકારીએ ઝડપ્યું હતું. લતીફના પોલીસમાં પણ પુષ્કળ માણસો હતા. પોલીસની તમામ મુવમેન્ટની માહિતી લતીફને મળી જતી હતી. એક દિવસ ગીથા જોહરીને માહિતી મળી કે લતીફ પોપટીયાવાડમાં છે. તેને પકડવા મોટા ફોર્સની જરૂર હતી, પણ ફોર્સ સાથે રાખો તો વાત લીક થઈ જાય તેમ હતી.

જોહરીએ માત્ર ત્રણ પોલીસ અધિકારીઓની ટીમ બનાવી બધાએ ઓટો રિક્ષામાં ખાનગી કપડામાં લતીફના ઘરે જવાનું હતું, જોહરી પોતાની ટીમ સાથે રીક્ષામાં નિકળ્યા જેમા તેમની સાથે ડીવાયએસપી એ કે જાડેજા, અને સબઈન્સપેકટર પટેલ હતા, માત્ર ત્રણ પોલીસ અધિકારીઓ રિક્ષામાં બેસી લતીફના ઘરે પહોંચ્યા, લતીફ પોલીસને ઓળખી ગયો તે ઘર તરફ ભાગ્યો, પણ લતીફના શાર્પશુટર શરીફખાન ભાગી છુટે તે પહેલા જોહરીએ તેના કપાળ ઉપર પીસ્તોલ મુકી દીધી.

ભાગી રહેલા લતીફનો એ કે જાડેજાએ પીછો કર્યો પણ ત પોળના મકાનોના છાપરા કુદી ભાગી જવામાં સફળ રહ્યો, ત્યાર બાદ ખુબ ધમાસાણ થયું માત્ર ત્રણ પોલીસ અધિકારીઓએ ઓપરેશન લતીફની પહેલી અને શાનદાર શરૂઆત કરી હતી. પહેલી વખત લતીફના ઘરમાં ધુસવાની હિંમત કરનાર એ કે જાડેજા હવે આઈજીપી થઈ ગયા છે અને તાજેતરમાં થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીમાં તેમને અમદાવાદ રેંજમાં મુકવામાં આવ્યા છે.