પ્રશાંત દયાળ.અમદાવાદઃ સમયની સાથે ઘણા નેતાઓ અને પક્ષોના ગણિત બદલાઈ અને બગડી ગયા છે. ્યાં ભાજપના નામના ડંકા વાગતા હતા, તેવી બેઠકો ઉપર હવે ભાજપના એક પણ નેતા ચૂંટણી લડવા તૈયાર નથી. આવી જ એક બેઠક ઉત્તર ગુજરાતની બેચરાજીની છે, હાલમાં તે બેઠકના ધારાસભ્ય તરીકે પુર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલ છે, બીજા તો ઠીક પણ ખુદ રજની પટેલ પણ ફરી વખત આ બેઠક ઉપર ચૂંટણી લડવા માગતા નથી.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓ સળગ્યા હતા, જેમાં બેચરાજીનો પણ સમાવેશ થાય છે. ગૃહમંત્રી રજની પટેલ આ મતવિસ્તારનું પ્રતિનિધત્વ કરતા હતા. પોલીસ દ્વારા થયેલા અત્યાચારના વિરોધમાં સ્વભાવીક રીતે પાટીદારોના ગુસ્સાનો ભોગ રજની પટેલ બન્યા હતા. બેચરાજીમાં આવેલા રજની પટેલના નિવાસ સ્થાનને પણ લોકોએ આગ લગાડી દીધી હતી. હજી પણ આ વિસ્તારમાં પટેલોની ભારે નારાજગી છે, તેઓ કોઈપણ કિંમતે ભાજપને
મત આપવા માગતા નથી.

આ સ્થિતિને પામી ગયેલા ભાજપના નેતાઓ બેચરાજીથી દુર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ માની રહ્યા છે, તે કોઈ પણ કિંમતે બેચરાજી બેઠક જીતી શકે છે તેના કારણે સૌથી વધુ ઉમેદવાર થવાની દાવેદારી કોંગ્રેસ તરફથી થઈ છે. કુલ 42 નેતાઓએ પ્રદેશ સમિતિ સામે બેચરાજીની ટિકિટ માંગી છે. જો કે તેમાં પ્રથમ ક્રમે કિરીટ પટેલનું નામ છે, તેઓ યુવાન છે, બીલ્ડર છે અને ગત ચૂંટણીમાં તેઓ ગુજરાત પરિવર્તન પક્ષમાંથી ચૂંટણી લડયા હતા. પ્રદેશ સમિતિ પણ તેમને ટિકિટ આપે તેવી સંભાવના છે. બેચરાજીમાં પહેલા નંબરે પાટીદાર મતદારો છે અને બીજા ક્રમાંક ઉપર ઠાકોર અને અન્ય જ્ઞાતીઓ છે.