મેહુલ ચૌહાણ (મેરાન્યૂઝ, ગાંધીનગર) આજ સવારથી મીડિયામાં અમદાવાદ-મુંબઇ વચ્ચે શરુ થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે MOU  થયા નથી તેવી એક આરટીઆઇ અને આરટીઆઇને સંલગ્ન સમાચાર ફરી રહ્યાં છે. આ આરટીઆઇ સાચી છે કે મોર્ફ કરેલી તે અંગે પણ સવાલ થઇ રહ્યાં છે. જો કે સત્ય એ છે કે આરટીઆઇ સાચી છે અને તેનો જવાબ પણ સાચો છે. પરંતુ આ સત્ય થોડુ જુદુ એ રીતે છે કે આ આરટીઆઇનો આવેલ જવાબ સરકારી છે.

જૂનાગઢના આમ આદમી પાર્ટીના કન્વિનર એવા અતુલ શેખડાએ તા. 4/10/2017ના રોજ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને આરટીઆઇ કરી માહિતી માગી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થયેલ MOUની નકલ (કોપી) આપો. જેના જવાબમાં MEA દ્વારા 13 ઓક્ટોબર 2017ના રોજ જણાવાયુ હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોઈ MOU  થયા નથી.

જેથી મીડિયામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ માટે મોદી અને આબે વચ્ચે MOU જ થયા નથી. તો સવાલ થાય છે કે આ પ્રોજેક્ટ શરુ થશે કે નહીં? મોદી અને આબેએ બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કર્યો તેનું શુ?

આ સમગ્ર ગૂંચવણનું સત્ય એ છે કે અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરુ કરવા માટે  14 ફેબ્રુઆરી 2013ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે ફિઝિબિલિટી રિપોર્ટ માટે MOU સાઇન થયા હતાં. જ્યાર બાદ ડિસેમ્બર 2015માં મોદી અને શિંઝો આબે વચ્ચે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે MOU થયા હતા. હવે બંને દેશો વચ્ચે આ પ્રોજેક્ટ પર કામ આગળ વધી રહ્યું છે. તેથી મોદી અને આબે હવે MOUથી આગળની પ્રોસેસ શરુ કરી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે અને આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. આ સમગ્ર ગુચવાડો સરકારી જવાબને સમજવામાં ગેરસમજણ થવાથી થયો છે. આરટીઆઇમાં સવાલ કરાયો કે મોદી અને આબે વચ્ચે 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એમઓયુની કોપી આપો. પરંતુ હકીકતમાં તેમની વચ્ચે આવો કોઈ કરાર થયો જ ન હતો. તેથી સરકારી અધિકારીને જેટલો સવાલ પુછાયો તેટલો જ સરકારી રાહે તેણે જવાબ આપી દીધો અને તે સાચો પણ હતો.

જો કદાચ આરટીઆઇમાં સવાલ કરાયો હોત કે આ પ્રોજેક્ટ માટે કોઈ એમઓયુ મોદી અને આબે વચ્ચે થયા છે અથવા આ પહેલા આ પ્રોજેક્ટ માટે કોઈ એમઓયુ થયા છે? અને થયા હોય તો તેની કોપી આપો. તો સરકારે તેનો ઉત્તર પણ તે રીતે આપ્યો હોત અને આ ગૂંચવણ પણ ન થઇ હોત. આ સમગ્ર ઘટના દેશમાં કેવું ‘સરકારીકરણ’ છે તેનું ઉદાહરણ છે અને સરકાર સમક્ષ સવાલ પણ તર્કબદ્ધ જ કરવો પડે તેમ જણાવે છે.