મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલું ખાનપુર ગામ જે દહેગામ મોડાસા રોડની બાજુમાં વસેલું છે હાલ પાણીના અને કચરાના નિકાલ સહીત અન્ય સમસ્યાઓથી પસાર થઇ રહ્યું છે. પરંતુ અન્ય ગામમાં લોકો વાતો કરે એટલે ગામના નેતાએ માહિતી આપવાની ના પાડી હતી.

ખાનપુર ગ્રામ પંચાયત દેહગામ તાલુકા પંચાયતમાં આવે છે અને આ ગામની વસ્તી આશરે ૫૫,૦૦ની છે. ગ્રામ પંચાયત દ્વારા આશરે ૧૫થી વધુ જેટલા વિકાસના કામોના ઠરાવો ઉપરની કક્ષાએ લગતા વળગતા વિભાગોમાં મોકલવામાં આવ્યા છે પરંતુ એમાં કોઈ કામ મંજુર નથી કરવામાં આવ્યું એવી માહિતી ગામના સરપંચ કેતનભાઈ પટેલે  આપી હતી.

ગામના ‘આગેવાન ?’ - પંચાયતમાં હાજર નટવરભાઈ સોનારાએ કહ્યું હતું કે ગામમાં બધા જ કામ કરેલા છે પરંતુ  અન્ય માહિતી આપવાની ના પાડી દીધી હતી. ગ્રામજનોએ આપેલી માહિતી અનુસાર પંચાયતમાં હાજર નટવરભાઈ ગામની હાઈસ્કૂલમાં પ્યુન તરીકે નોકરી કરે છે અને તેમના પત્ની રમીલાબેન સોનારા જેઓ ડેપ્યૂટી સરપંચ છે, તે મિટિંગમાં  હાજરી આપતા હોય છે.

ગામમાં પ્રવેશ કરતાંની સાથે તૂટી ગયેલા રોડ અને ખાડા પડી ગયેલી સડકો જોવા મળે છે. ગામમાં અંદર જવાના માર્ગે આજુબાજુ ગંદકી છે અને મુખ્ય રોડ ઉપર જ ઉકરડાના ઢગલા કરવામાં  આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશનના ચિત્રો ગ્રામ પંચાયતના મકાનમાં આવેલા સૌચાલયમાં દોરી દેવામાં આવ્યા છે પરંતુ ગામમાં તેનું પાલન થતું નથી.

એક દુકાનદારે જણાવ્યું કે, ગામમાં  આવી જ હાલત  છે અને કોઈ સુધારો થતો નથી, તેમને જ્યારે ગામના વિકાસ વિશે પુછ્યું ત્યારે જણાવ્યું કે કોઈ પણ માણસ જોઈને કહી દે કે ગામમાં વિકાસ થયો છે કે નહીં, ગામમાં ગંદકી, તૂટી ગેયલા રસ્તા અને ગામમાં ગટરલાઈનના હોવાથી રસ્તાઓ પર ગમેત્યાં પાણી જોવા મળે છે.

ગામમાં બસ વ્યવસ્થા પણ બરાબર ન હોવાથી ગ્રામ લોકોએ રિક્ષામાં કે પોતાના વાહનમાં મુસાફરી કરવી પડે છે.