મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: દહેગામ તાલુકાનું સૌથી મોટુ ગામ એટલે બહિયલ ગામ, આશરે ૧૫ હજારની વસ્તી ધરાવતું આ ગામ ખેડા- ગાંધીનગર જીલ્લાની હદ નજીક આવેલું છે. આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટ અને પંચાયતની આવકમાં અવાર-નવાર વિકાસના કામો તો કરવામાં આવે છે પરંતુ શિક્ષણના અભાવે લોકો ધ્વારા સુવિધાઓને નુકશાન પહોંચાડવામાં આવે છે.

બહિયલ ગામ વસ્તીની દ્રષ્ટીએ અને વિસ્તારની દ્રષ્ટીએ દહેગામ તાલુકાનું સૌથી મોટુ છે. સરકાર તરફથી આવતી ગ્રાન્ટ જરૂરિયાત કરતા પ્રમાણમાં ઓછી આવતી હોવાથી ગામમાં હજી ઘણા એવા રસ્તા બનાવવાના બાકી છે. જો સરકાર ગામના વસ્તી અને ક્ષેત્રફળ પ્રમાણે પુરતી ગ્રાન્ટ ફાળવે તો ગામમાં તમામ રસ્તા બનાવી શકાય એમ છે અને ગામમાં થતી ગંદકી અને રસ્તા પર ભરાતું પાણી દુર થઇ શકે.

પંચાયતના ક્લાર્ક સુનીલભાઈ જોશીના કહેવા પ્રમાણે લોકો માટે ગામમાં સુવિધાઓનો વધારો કરવામાં આવે છે. પરંતુ લોકો ઓછા જાગૃત અને શિક્ષણના ઓછા પ્રમાણને કારણે ગામમાં વિકાસના કામોનો લોકો  સાચવી શકતા નથી. શિક્ષણનું પ્રમાણ ઓછુ હોવાને કારણે લોકોની સમજણ શક્તિ ઓછી છે. તેમણે જણાવ્યું કે ગામમાં ગટરલાઇન છે જેમાં લોકો કચરો અને અન્ય વસ્તુઓ નાખે છે. જેથી ગટર ચોક અપ થઇ જાય છે, પાણી બહાર આવે છે અને તેનો નિકાલ થઇ શકતો નથી.

ગામની વસ્તી ૧૫૦૦૦ જેટલી છે,ગામમાં ૩ જેટલી પીવાના પાણીના સપ્લાય માટેની ઓવર હેડ વોટર ટેંક છે. ગામમાં ઉર્દુ સ્કૂલ, હાઈસ્કુલ અને અન્ય ત્રણ સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને આ ઉપરાંત ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ પણ છે. ગામની ખાસિયત એ છે કે ગામમાં એક હજાર વર્ષ જુનો બલુસાહેબ પીરનો વડ છે જે હજી હયાત છે.

ગ્રામ પંચાયત બહિયલના સરપંચ કાળુભાઈ મલેક દેહગામ તાલુકા પંચાયત, પંચાયતના કામ અંગે ગયા હોઈ ટેલીફોનીક વાતચીત કરી હતી. ગ્રામ પંચાયતના ક્લાર્ક પાસેથી માહિતી મેળવી લેવા જણાવ્યું હતું.