હિતેશ ચાવડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતમાં આગામી 2026 સુધી લોકસભા-વિધાનસભાની બેઠકોના સિમાંકનમાં કોઈ ફરફાર કરવામાં આવશે નહીં. મેરાન્યૂઝ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં એક માહિતી અધિનિયમ- ૨૦૦૫ હેઠળ એક RTIની અરજી કરવામાં આવી હતી જેમાં ત્રણ મુદ્દાને અનુસરીને માહિતી માંગવામાં આવી હતી.  જેમાં (૧) રાજ્યમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં કઈ પદ્ધતિથી અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવે છે. (૨) ચૂંટણીમાં અનામત રેહતી SC/ST બેઠકોની ફાળવણી કોણ કરે છે અને (૩) વર્ષ ૨૦૨૨ની ચૂંટણી અથવા તો મધ્યસત્ર કે અન્ય કારણોસર જો ચૂંટણી યોજાય તો અનામત બેઠકોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે વિષયે માહિતી માંગવામાં આવી હતી. જેમાં માહિતી મળી કે રાજ્યમાં આવનાર ૨૦૨૬ સુધી લોકસભા કે વિધાનસભાની બેઠકોના સીમાંકનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ મુદ્દે મુખ્ય નિર્વાચાન અધિકારી અને ફરિયાદના ઉપ સચિવ નીતિન વાઘેલાએ જવાબ આપ્યો હતો કે ગુજરાત વિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતી અને જનજાતિની કુલ વસ્તીની/બેઠકોની સરેરાશને આધરે નક્કી કરીવામાં આવે છે. વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં ફેરફાર સીમાંકન પાંચ, નવી દિલ્લી દ્વારા કરવામાં આવે છે.

તેઓએ જણાવ્યું કે હાલમાં જે સીમાંકન અસ્તિત્વમાં છે તે સને ૨૦૦૧ની વસ્તીના આધારે અને સને ૨૦૦૬માં જાહેર કરવામાં આવેલ છે. હવે પછીનું સીમાંકન 2026માં થનાર છે અને ત્યાં સુધી બેઠકોના સીમાંકનમાં ફેરફારને કોઈ અવકાશ નથી.

હાલ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ અને લોકસભાની ૨૬ બેઠકો અસ્તિત્વમાં છે જેમાં વિધાનસભા મતવિસ્તારના  સામાન્ય  બેઠકોની સંખ્યા ૧૪૨, અનુસૂચિત જાતિની અનામત બેઠકોની સંખ્યા ૧૩ અને  અનુસૂચિત જનજાતિ  અનામત બેઠકોની સંખ્યા ૨૭ છે જે કુલ મળીને ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો થાય છે.

જ્યારે ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ ૨૬ સીટોની ફાળવણી થયેલી છે જેમાં ૨ બેઠકો  (કચ્છ-મોરબી બેઠક  અને અમદાવાદ પક્ષીમ) અનુસુચિત જાતિ માટે અનામત છે અને દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠક અનુસૂચિત જનજાતિ  માટે અનામત છે જ્યારે અને ૨૦ બેઠકો સામાન્ય બેઠકો છે.