મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર:   ગાંધીનગરથી માત્ર ૧૩કિમી દુર આવેલું દશેલા ગામ સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’માં આવતું ન હોય એવી સ્થિતિ છે. ગામનું ગ્રામ પંચાયતનું મકાન જ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આવેલું છે. ગામમાં ગટરલાઈન અને ગંદકીમાં સંડોવાયેલુ આ ગામમાં લોકોએ પીવાના પાણીની પણ વ્યવસ્થા જાતે કરી છે.

ગાંધીનગર તાલુકા હસ્તગત આવેલા દશેલા ગ્રામ પંચાયતની વસ્તી આશરે ૪,૦૦૦ લોકોની છે જેમાં ઠાકોર, ચૌધરી, પટેલ, રબારી, બ્રાહ્મણ, તળપદા, અન્ય સમાજ લોકો વસતા હોવા છતાં આજે આ ગામમાં સ્વચ્છ ભારત મિશન જેવી યોજનાઓ પોકળ અને હાસ્યાસ્પદ લાગુ થઇ રહી છે. ગ્રામજનો દ્વારા મળેલી માહિતી મુજબ ગામમાં અમુક વિસ્તારોમાં લોકોને હાલ પસાર થવા માટે સ્વચ્છ રસ્તા પણ નથી અને ખુલ્લી ગટરો ગંદકી ફેલાવી રહી છે.

આ ગામમાં એક સરકારી શાળા છે જેમાં છોકરા છોકરીઓ સાથે જ ભણે છે અને ગ્રામ પંચાયતના સભ્ય રાકેશ રાઠોડના જણાવ્યા અનુસાર ગામમાં એક સ્કુલ છે જેની હાલત કથળેલી છે અને તેના ઉપર જ બીજો માળ-ફ્લોર બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

દશેલા ગામમાં ગંદકી ચારેય બાજુ છે જેમાં પંચાયત ઘરની આજુબાજુ, ખોડિયારમાતા મંદિર વિસ્તારમાં, પંચાયત પાછળ આવેલ ગટર લાઈનમાં ગંદકી જોવા મળે છે જેના બાબતે પંચાયત નિષ્ક્રિય હોય એવું લાગ્યું કારણ કે જો પંચાયતને ચિંતા હોત તો ગ્રામ પંચાયત આગળ જ ગંદકી ન થઈ હોત.

 ગામના રહેવાસીએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન સરકાર કે પંચાયત દ્વારા નાખવામાં આવી ન હોવાથી લોકોએ જાતે જ પાણીની લાઈન નાખી છે જ્યારે ગામમાં આવેલા ધોબીઘાટમાં પાણીનો બગાડ અને ગંદકી થાય છે.

ગ્રામ પંચાયતમાં હાજર તલાટીએ ગામની વસ્તી વિશે માહિતી આપી એમ જણાવ્યું હતું કે, ગામમાં ચાર્જ લીધે માત્ર ૩ મહિના જેટલો સમય થયો છે જેથી વધુ માહિતી સરપંચ પાસેથી મેળવી લેવા જણાવ્યું હતું. ગામમાં સરપંચના પતિ રાકેશ રાઠોડ સામાજિક કામથી બહાર ગયા હોવાથી ફરી મળવાનું કહ્યું હતું.