મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર:  રાજ્યના પાટનગરથી માત્ર ૨૦ કિમીના અંતરે ૧૪૦૦ લોકોની વસ્તી ધરાવતું આ કાનપુર ગામ વિકાસની વાતો વચ્ચે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. ગાંધીનગરની પાસે આવેલા આ ગામમાં નર્મદા કેનાલનું પાણી પણ પહોંચતું નથી અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડે પાણી પહોંચાડવાના પોકળ દાવાઓ કરવામાં આવે છે. 

ગામની સમસ્યાઓ એટલી બધી છે કે જે સાબિત કરે છે કે રાજ્યની રાજધાની આજુબાજુ આવી હાલત હોય તો અન્ય જીલ્લાઓમાં અને અંતરિયાળ ગ્રામીણ  વિસ્તારોની હાલત કેવી હશે તે વિચારી શકાય. કાનપુર ગામમાં નર્મદાનું પાણી પણ પુરા ફોર્સથી પહોંચતું નથી, પાણીનો ટાંકો બનાવ્યો હતો એ પણ લીકેઝ છે અને બોર વેલ પણ ફેલ ગયો છે જેને કારણે ગ્રામજનોને પાણીની તકલીફ પડે છે. કાનપુરમાં એક પ્રાથમિક શાળા આવેલી છે જેમાં માત્ર ૩ જ ઓરડા છે અને એ પણ જર્જરિત હાલતમાં છે અને ગામના બાળકો ત્યાં અભ્યાસ કરે છે.

કાનપુર ગામમાં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી  આ ગામમાં આવેલા વડની મુલાકાત લેવા આવ્યા હતા અને ત્યાર પછી દર રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો આવે છે અને છાલા-કાનપુર રોડ નાનો-સાંકડો હોવાથી લોકોને અવરજવરમાં તકલીફ પડે છે અને અકસ્માતનો ભય રહેતો હોવા છતાં રસ્તો મોટો કરવામાં આવતો નથી.

સામાજિક કાર્યકર રાકેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે જયારે મત લેવાના હતા ત્યારે સાંસદ પરેશ રાવલ અહિયાં કાનપુર ગામે આવ્યા હતા અને આજ ચાર ચાર વર્ષ થઈ ગયા પણ એક પણ વાર આ વિસ્તારમાં આવ્યા નથી. અહીંનાં સાંસદ સભ્ય હોવા છતાં તેમણે હજી એક પણ રૂપિયો ગ્રાન્ટ ફાળવી નથી અને ૪ વર્ષમાં કોઈ વિકાસ કર્યો નથી.

ગ્રામજનોએ તળાવ ખોદવા અંગે સરકાર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે સરકારની તળાવો ઊંડા કરવાની યોજનામાં બિલ્ડરોને ફાયદો કરાવવામાં આવ્યો છે, ગામડાંઓની તળાવોની માટી બિલ્ડરોને વેચી દેવામાં આવી છે અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે ગામની સ્કુલ સહિત પંચાયતનું બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં છે.