મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મગરના આંસુ સારી ખોટા દેખાવો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસની યુપીએ સરકારે ૭ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા લગાવવા સાથે તેમાં પાણી ભરવાની મંજુરી કેમ આપી નહોતી તેની જાહેર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે. જયારે ગુજરાતમાં અન્ય અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવાની માંગ અંગે તેમણે કહ્યું કે, માત્ર વરસાદને જ આધાર બનાવ્યા સિવાય બીજા પેરામીટર્સનો અભ્યાસ કરી અછતગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિવિધ પાક અને કિસાનોના પ્રશ્નો અંગે દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પત્રકારો સમક્ષ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વિપક્ષે કઈ કરવાનું નથી અને માત્ર બોલવાનું છે. યુપીએ સરકારમાં ખેડૂતો બેહાલ હતા તેમ જણાવતા નીતિન પટેલે કહ્યું કે, યુપીએ સરકારમાં મોટી મોટી સિચાઈ યોજનાઓ ખોરંભે પડી ગઈ હતી. તેમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે આવતા જ મોટા બજેટ ફાળવી આ યોજનાઓ ઝડપથી પુરી કરવામાં આવી રહી છે. જેમ કે, ગુજરાતમાં કોંગ્રેસે ૭ વર્ષ સુધી નર્મદા ડેમમાં નવા દરવાજા લગાવવા મંજુરી નહીં આપવા સાથે તેમાં પાણી ભરવા પણ નહોતું દીધું. જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા જ માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમમાં દરવાજા લગાવવા સાથે તેમાં પાણી ભરવાની મંજુરી આપી હતી.

નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓને ખેડૂતોના નામે ખોટા દેખાવો કરવાના બદલે યુપીએ સરકારે ૭ વર્ષ સુધી આ મંજુરી કેમ આપી નહોતી તેની જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પુછવા છતાં કોંગ્રેસના નેતાઓએ કોઈ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી શરૂ કરાયા બાદ કોંગ્રેસ દ્વારા ખોટા દેખાવો કરી જાણે તેમના કહેવાથી આ ખરીદી કરવામાં આવી રહી હોવાનો બાલીશ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ પાડવા છતાં નર્મદા ડેમમાંથી ૪ કરોડ લોકોને પીવાનું પાણી મળે તેમજ સિંચાઈના પાણી માટે આગોતરું આયોજન કરી રાખવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસે ૧૯૯૫ના વર્ષ સુધીમાં માત્ર ૪ ચેકડેમ જ બનાવ્યા હતા. તેની સામે ભાજપ સરકારે લાખ્ખો ચેકડેમ બનાવી ભૂગર્ભમાં જતું પાણી અટકાવ્યું છે. આ ઉપરાંત ખેડૂતદીઠ વીજ જોડાણ માટે રાજ્ય સરકારે રૂપિયા એકથી દોઢ લાખ ખર્ચી ૫૦૦૦ કરોડ જેટલી સબસીડી આપી છે.

અછતના એક પ્રશ્ન અંગે નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અભ્યાસ કાર્ય વિના ખોટી માંગણી કરી રહ્યા છે. ભારત સરકારના નિયમો પ્રમાણે રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરાયા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, આમછતાં ભાજપના ધારાસભ્યો અને સંગઠનની રજૂઆતો પ્રમાણે માત્ર વરસાદને જ આધાર બનાવ્યા સિવાય બીજા પેરામીટર્સનો અભ્યાસ કરી અછતગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.