મેરાન્યૂઝ નેટવર્ક, દ્વારકા: આઇપીએલ ૨૦૧૮માં સતત પડતીને લઈને મુંબઈ ઇન્ડિયન્સની માલિક નીતા અંબાણી આજે સાંજે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી વિજયની મનોકામના કરી હતી. દર વર્ષે આઈપીએલ વખતે અંબાણી પરિવાર દ્વારકા આવતો રહ્યો છે. આજે રાજસ્થાન રોયલ સામે મેચ સારું થાય તે પહેલા નીતા અંબાણીએ દ્વારકાધીશના પાદુકા પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની પૂજા અર્ચના કરી હતી.

આઈપીએલ ૨૦૧૮ની શરુઆતની રમતમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સતત હારના પગલે પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયાની ટીમ બની રહી છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન ટીમના સતત કથળતા જતા દેખાવને લઈને ટીમ માલિક સહીત ચાહકોમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે. ત્યારે પોતાની ટીમને વહારે દ્વારકાધીશની દુઆઓ માટે આજે  માલિક નીતા અંબાણી દ્વારકા આવી પહોચ્યા હતા. સાંજે મીઠાપુર એર ટ્રેક પર ચાર્ટર પ્લેનમાં નીતા અંબાણીએ ઉતરાણ કર્યું હતું, ત્યાંથી સીધા જ કાર દ્વારા દ્વારકા પહોચ્યા હતા. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી મુંબઈ ઇન્ડિયન્સ ટીમની જીત માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના પાદુકા પૂજન પણ કર્યું હતું.જ્યારે જ્યારે આઈપીએલ સીજનની શરૂઆત થાય છે ત્યારે ત્યારે નીતા અંબાણી અને અનંત અંબાણી દ્વારકા આવી ભગવાનને પૂજા અર્ચન કરી ટીમની જીત માટે પ્રાથના કરતા આવ્યા છે. આ પ્રાર્થના પણ ફળી છે ત્યારે આ વખતેના ખરાબ પરફોર્મન્સ વિજયમાં તબદીલ કરવાની ખેવના સાથે નીતા અંબાણીએ પ્રભુના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.