મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર શહેરની સૌથી મોટી એવી ગુરુ ગોવિંદસિંહજી હોસ્પીટલમાંથી એક નવજાત બાળકીને ડીલેવરી બાદના બે કલાકના ગાળામાં ઉઠાવી જવામાં આવી છે. એક અજાણી મહિલા નવજાતને ઇન્જેક્શન આપવાના બહાને બાળકીને લઇ જતા શહેર સહિત જીલ્લાભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસે તાત્કાલિક હોસ્પીટલના સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે મહિલાને ટ્રેસ કરી શહેર જીલ્લા ભરમાં નાકાબંધી કરી શોધખોળ શરુ કરી છે. 

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં છેલા પખવાડિયામાં એક જીવિત અને એક મૃત ભ્રુણ મળી આવ્યાની ઘટનાએ હજુ તાજી જ છે. ત્યાં આજે વધુ એક ઘટનાએ જીજી હોસ્પીટલના નવજાત વોર્ડ ફરી વિવાદમાં સપડાયો છે, સવારે દસેક વાગ્યે સંકર ટેકરી વિસ્તારમાં રહેતી સુહાનાબેન અફજલભાઈને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પીટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તેણીને બે વાગ્યે એક સ્વસ્થ બાળકીને જન્મ આવ્યો હતો.

દરમિયાન બાળકી અને તેના માતાને બેબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બપોરે સાડા ચાર વાગ્યાના સુમારે એક નર્સના એપ્રોન અને માસ્ક બાંધેલ વોર્ડમાં આવેલ અને કહ્યું જે બાળકીને ઈન્જેકસન આપવાનું હોવાથી તેને લઈને વોર્ડમાં આવો, જેથી નવજાત બાળકીના દાદીમાં બાળકીને લઈને નર્સ સાથે જ્યાં ઇન્જેક્શન આપવાની કામગીરી થાય છે ત્યાં ગયા હતા. દરમિયાન સાથે રહેલ મહિલાએ કહ્યું હતું કે અહી બાળકીની માતાની સહીની જરૂર પડશે તેથી તમે અહી બોલાવીને લઇ આવો અને બાળકી મને આપો હું રાખું છું, એમ કહેતા દાદીએ બાળકીને તેણીના હવાલે કરી તેણીની માતાને બોલાવવા ચાલ્યા ગયા હતા. જયારે સાસુ-વહુ પરત આવ્યા ત્યારે જે મહિલાને બાળકી આપી હતી તે મહિલા ગાયબ થઇ ગઈ હતી.

જેને લઈને સાસુ-વહુ એકદમ ગભરાઈ ગયેલ અને હોસ્પિટલ બહાર રહેલ પરિવારના અન્ય સદસ્યો અને તબીબ તથા પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, સીટી બી ડીવીજન અને એલસીબી પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક હોસ્પીટલના સીસીટીવી યુનિટની વીજીટ કરી ફૂટેજ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીળા કાળના ડ્રેસ ઉપર નર્સનો સફેદ એપ્રોન પહેરેલ અને મોઢે માસ્ક પહેરેલ એક મહિલા બાળકીને છાતીએ લગાવી હોસ્પીટલના વોર્ડ અને ગેટ બહાર જતી નજરે પડે છે. આ ફૂટેજના આધારે પોલીસે તુરંત શહેરભરમાં નાકાબંધી ગોઠવો દઈ જીલ્લાભરની પોલીસને પણ નાકાબંધી કરવાના આદેશ આપી દીધા હતા. જો કે મોડી રાત સુધી બાળકીને ઉઠાવી જનારી મહિલા અંગેના કોઈ સગળ સાંપડ્યા નથી.